જૂનાગઢ મુક્તિ દિન અને લોહ પુરુષની 150મી જન્મજયંતીની ભવ્ય ઉજવણી
બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભવ્ય આતશબાજી લોકોએ નિહાળી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રભાતકાળે લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અને જૂનાગઢના મુક્તિ દિવસના અવસરે સરદાર 150 યુનિટી માર્ચ પદયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજ સ્થિત આરઝી હકુમત દ્વારા મળેલી મુક્તિના સ્મરણ સ્મૃતિ સ્મારક ખાતે સ્વાતંત્ર્યવીરોને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. બાદમાં પદયાત્રામાં જોડાનાર હજારો નાગરિકોને સંબોધી રાજ્યવ્યાપી યોજાનાર યુનિટી માર્ચના પ્રથમ ચરણનો પ્રારંભ કરાવ્યો હતો. આ રેલીના પ્રસ્થાન પૂર્વે મુખ્યમંત્રીએ આરઝી હકુમતનો ઈતિહાસ દર્શાવતી ફોટો પ્રદર્શની પણ નિહાળી હતી.
મુખ્યમંત્રીએ યુનિટી માર્ચ સર્વ સમાજને સાથે જોડીને આત્મનિર્ભર ભારત માટેની પ્રેરણા આપશે તેવો દ્રઢ વિશ્ર્વાસ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં સમગ્ર દેશમાં યોજાઈ રહેલી એકતા યાત્રા ખરા અર્થમાં ભારતને એક અને અખંડ બનાવી સરદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપતી યાત્રા બની રહેશે.મુખ્યમંત્રીએ આરઝી હકુમતના ઈતિહાસનું સ્મરણ કરતાં જણાવ્યું કે, 15મી ઓગસ્ટના રોજ દેશ આઝાદ થયો હતો પરંતુ જૂનાગઢના નવાબની લોકમત વિરૂૂદ્ધની નીતિના કારણે 86 દિવસના સંગ્રામ બાદ ઉપરકોટમાં ભારતનો તિરંગો લહેરાવવા સાથે જૂનાગઢ વાસ્તવમાં આઝાદ થયું હતું અને તે રીતે તા. 9 નવેમ્બરને ‘જૂનાગઢ મુક્તિ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.
- Advertisement -
આરઝી હકુમત દ્વારા જૂનાગઢને મુક્તિ અપાયા બાદ તા.12 નવેમ્બરના રોજ આજ બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર વલ્લભભાઈ પટેલે સભા કરીને જૂનાગઢવાસીઓને અભિનંદન પાઠવ્યાં હતા અને ત્યારબાદ અહીંથી સોમનાથ ગયા હતા. તા.13 નવેમ્બરે સોમનાથની ભગ્ન અવસ્થા જોઈને સરદારે સોમનાથનું પુન:નિર્માણનો સંકલ્પ લીધો હતો. વધુ જણાવ્યું હતું કે, સરદાર વલ્લભભાઈ પટેલે 562 દેશી રજવાડાઓનું વિલિનીકરણ કરીને એક અને અખંડ ભારત બનાવ્યું હતું. જેને પ્રધાનમંત્રીએ ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ અને ‘આત્મનિર્ભર ભારત’ના અભિયાન દ્વારા તેનો પાયો વધુ મજબૂત બનાવી રહ્યાં છે.
સૌ સાથે મળી ચાલે અને સમરસ સમાજનું નિર્માણ થાય તે માટે યુનિટી માર્ચના માધ્યમથી તમામ વર્ગોને સાંકળી રાજ્યભરમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે. તેના પ્રથમ ચરણની શરૂૂઆત આજે ઐતિહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનથી થઈ છે. તે સૌને પ્રેરણા પૂરી પાડશે, તેમ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રીએ સૌ સોરઠવાસીઓએ જૂનાગઢ મુક્તિ દિવસની શુભકામનાઓ પાઠવી વિકસિત ભારતના નિર્માણ માટે એક અને નેક બની સહભાગી બનવા આહ્વાન કર્યું હતું. આ અવસરે આરઝી હૂકુમતના સ્વાતંત્ર્ય સેનાનીઓ જેમણે જૂનાગઢની આઝાદીની ચળવળમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. તેમના પરિવારજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું. મુખ્યમંત્રી બહાઉદીન કોલેજ ખાતે યુનિટી માર્ચ પદયાત્રાના કાર્યક્રમમાં સહભાગી થયા પૂર્વે શહેરના સરદાર ચોક ખાતેની ભારતના લોહપુરુષ અને દેશના મહાન ઘડવૈયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી સરદાર સાહેબની ભાવવંદના કરી હતી. જયારે જૂનાગઢ મુક્તિ દિન પર્વે ઐતહાસિક બહાઉદ્દીન કોલેજના મેદાનમાં ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી જેમાં હજારોની સંખ્યમાં શહેરીજનો નિહાળી હતી.



