આજથી પાંચ દિવસ દિવાળી કાર્નિવલ
આજે 16 ઓક્ટોબરે સ્વદેશી થીમ પર રોશની સાથેનાં દિવાળી કાર્નિવલનું ઉદ્ઘાટન કરવામાં આવશે. વડાપ્રધાન મોદીના સ્વદેશી અપનાવવાના આહવાનને ધ્યાનમાં રાખી મહાપાલિકાએ આ વર્ષે રેસકોર્સ રિંગરોડની રોશની માટે સ્વદેશી થીમ પસંદ કરી છે. રેસકોર્સ ફરતે કરવામાં આવેલી આ ભવ્ય રોશનીને આજથી શહેરીજનો માટે ખુલ્લી મૂકવામાં આવશે. આકર્ષક એન્ટ્રીગેઈટ, લેસર-શો, મ્યુઝિક બેન્ડ સહિત રોશનીનું આકર્ષણ રાજકોટવાસીઓને પાંચ દિવસ સુધી જોવા મળશે. આ પાંચ દિવસીય કાર્યક્રમમાં રોશની, રંગોળી સ્પર્ધા અને આતશબાજી જેવા અનેક આકર્ષણો રાજકોટવાસીઓને જોવા મળશે. કલાકારો આજે સાંજથી જ રંગોળી તૈયાર કરવાનું શરૂ કરી દેશે. આ રંગોળીઓને કાલે 17 ઓક્ટોબરથી શહેરીજનોને જોવા માટે ખુલ્લી મુકવામાં આવશે. રંગોળી સ્પર્ધા અને પ્રદર્શનનો વિસ્તાર મેયર બંગલેથી બહુમાળી ભવન સુધીના માર્ગ પર રહેશે. તા.18ને ધનતેરસે રેસકોર્સના માધવરાવ સિંધિવા ક્રિકેટ સ્ટેડિયમ પર ભવ્ય આતશબાજી થશે. તા.19 અને 20 દરમિયાન બહુમાળી ભવન ચોક ખાતે મ્યુઝિકલ બેન્ડનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે.



