ઓછું વેતન આપી 8 કલાક વેઠિયું કરાવતા બે સામે ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગોંડલના ગુંદાળા રોડ પર બે કારખાનામાંથી રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે બે બાળ શ્રમિકોને મુકત કરાવ્યા છે 8 કલાકથી વધુ મજુરી કરાવી તેમને ઓછુ વેતન આપી શોષણ કરતા બંને કારખાનેદાર સામે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ અને એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના હેઠળ રાજકોટ ગ્રામ્ય એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના પીઆઇ આર.જે.ગોધમ તથા ટીમ બાળ મજુરીને અટકાવવા પેટ્રોલિંગમાં હતી.
દરમિયાન બાતમી મળી હતી કે, ગોંડલના ગુંદાળા રોડ પર આવેલા રોયલ ટ્રેડીંગ નામના કારખાનામાં બાળક પાસે મજુરી કરાવવામાં આવે છે આ બાતમી આધારે ટીમે દરોડો પાડી યુપીના રાયબરેલી જિલ્લાના ઝારાહ ગામના 16 વર્ષના કિશોરને પુછતાછ કરતા તેને ઓછુ વેતન આપી આઠ કલાકથી વધુ મજુરી કરવામાં આવતી હોવાનું જણાવતા પોલીસે ગુંદાળાના કારખાનેદાર ચંદ્રેશ રસિકભાઇ કાથરોટીયા ઉ.40 વિરૂધ્ધ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ટ રેગ્યુલેશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
આ ઉપરાંત ગુંદાળા રોડ પર ગિરીરાજ એન્ટ્રપ્રાઇઝમાં તપાસ કરતા અહીં બિહારના વતની 13 વર્ષના તરૂણ પાસે આઠ કલાકથી વધુ મજુરી કરાવી ઓછુ વેતન આપી તેનું શોષણ કરવામાં આવતું હોવાનું જાણવા મળતા વોરા કોટડા હુડકો ક્વાર્ટરમાં રહેતા કારખાનેદાર હિતેષ રવજીભાઇ સોલંકી સામે પણ ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ટ રેગ્યુલેશન એકટ અને જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.



