ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખ તરીકે સત્તાવાર રીતે જગદીશ પંચાલને જાહેર કર્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પણ જાહેરાત કરવામાં આવી હતી જેમાં 39 ફોર્મ ભરાયા હતા જે તમામ બિનહરીફ જાહેર થયા હતા. જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ, વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ અને ભાજપના પીઢનેતા વજુભાઇ વાળાની નિમણૂક કરાઇ હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય પરિષદમાં પૂર્વ પ્રદેશ પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતાઓનો સમાવેશ કરાયો હતો. ભાજપના પીઢ નેતા વજુભાઈ વાળાની જો વાત કરીએ તો તેઓ 1995થી 2012 સુધી ભાજપની સરકારમાં નાણાંમંત્રી પદે રહ્યા હતા. તેમણે 18 વાર ગુજરાતનું બજેટ રજૂ કરી વિક્રમ સ્થાપિત કર્યો હતો. જો કે 2012ની વિધાનસભા ચૂંટણીમાં વજુભાઈ ચૂંટાઈ તો આવ્યાં, પરંતુ એ સમયે નરેન્દ્ર મોદીએ તેમને મંત્રીમંડળમાં સમાવવાની જગ્યાએ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનો નિર્ણય કર્યો હતો. આમ 1985થી 2012 સુધી 8 વખત વિધાનસભામાં ચૂંટાઈ આવ્યા હતા.
ગાંધીનગર કમલમ ખાતે ગુજરાત ભાજપના 14મા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ ચાર્જ સંભાળી લીધો છે. ત્યારે પદગ્રહણ કાર્યક્રમમાં સાંસદ તેમજ કેન્દ્રીય ચૂંટણી ઈન્ચાર્જ કે.લક્ષ્મણ, ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સંગઠન મહામંત્રી રત્નાકર સહિત મોટી સંખ્યામાં નેતાઓ-કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પદગ્રહણ કાર્યક્રમમાં જ ગુજરાત રાજ્યના પ્રભારી ભૂપેન્દ્ર યાદવે રાષ્ટ્રીય પરિષદના સભ્યોની જાહેરાત કરી હતી જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળાની નિમણૂક કરાઇ હતી. આ નિમણૂકથી વજુભાઇ વાળાને ચૌતરફથી શુભેચ્છાઓ અપાઇ રહી છે.



