કપાસ-મગફળી છોડીને ‘ફૂલોની ખેતી’ અપનાવી: નવરાત્રી અને દિવાળીમાં રૂ.50-60 પ્રતિ કિલોના ભાવ મળતાં સારો નફો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના ખેડૂત જયેન્દ્રસિંહ ઝાલાએ પરંપરાગત ખેતીની પદ્ધતિને પડકારીને ફૂલોની ખેતી અપનાવી છે અને અન્ય ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યા છે. તેમણે પોતાની 30 વીઘા જમીનમાં ગલગોટા ફૂલનું વાવેતર કરીને સારો નફો મેળવી રહ્યા છે. અગાઉ જયેન્દ્રસિંહ કપાસ અને મગફળી જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ તેમાં ઉત્પાદન ખર્ચ વધુ આવતો હતો અને બજારમાં પૂરતા ભાવ મળતા નહોતા. આથી, તેમણે રોકડિયા પાકો તરફ વળવાનો નિર્ણય લીધો. જયેન્દ્રસિંહએ પોતાની 30 વીઘા જમીનમાં એક લાખ ગલગોટાના રોપાનું વાવેતર કર્યું છે. આ ખેતીમાં દરેક છોડ દીઠ આશરે એક કિલો ફૂલનું ઉત્પાદન થાય છે. નવરાત્રી, દિવાળી અને લગ્નની સિઝન દરમિયાન ફૂલોના ભાવ પ્રતિ કિલો ₹50 થી ₹60 સુધી પહોંચે છે, જેનાથી તેમને સારો નફો થાય છે. જયેન્દ્રસિંહના મતે, ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવીને ખેડૂતો સરળતાથી બમણી આવક કરી શકે છે. તેઓ અન્ય ખેડૂતોને પણ રોકડિયા પાકો અપનાવવા અપીલ કરી રહ્યા છે. આ ખેતીથી માત્ર જયેન્દ્રસિંહને જ આવક થતી નથી, પરંતુ સ્થાનિક મજૂર વર્ગને પણ રોજગારી મળી રહે છે. નોંધનીય છે કે, કોંઢ ગામના અન્ય એક ખેડૂત કિરીટભાઈ પણ છેલ્લા ત્રણ વર્ષથી 40 વીઘા જમીનમાં ગલગોટા ફૂલની ખેતી કરીને સફળતાપૂર્વક આવક મેળવી રહ્યા છે.



