નાના બાળકો સાથે માતા અને વૃધ્ધા કેનાલના કાંઠેથી બ્રિજ પાર કરે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.22
વડોદરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્યના મોટાભાગના જર્જરિત બ્રિજ પર અવર જવર બંધ કરાવવા માટે સાકરી તંત્રના આદેશ બાદ બ્રિજને તાત્કાલિક ધોરણે બંધ કરી દેવાયા હતા પરંતુ કેટલાક લોકોને બ્રિજ પરથી નીકળવા માટે સમસ્યા ઊભી થઈ હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ મોટાભાગે જર્જરિત બ્રિજને બંધ કરી તેના સામે ડ્રાઈવર્જન કાઢવામાં આવ્યા છે પરંતુ આ ડ્રાઈવર્જન પર કોઈપણ જાતના સમારકામ વગર રાહદારીઓને નિકળવું કોઈ કઠિન સમસ્યાથી ઓછું નથી. તેવામાં ધ્રાંગધ્રા – કુડા રોડ પર આવેલા બ્રિજને પણ ડ્રાઇવર્જનના સમારકામ વગર તંત્રે તાત્કાલિક બ્રિજને બંધ કરવાનો અણઘડ નિર્ણય લેવાયો હતો જેને લઈ કુડા, કોપરણી, વિરેન્દ્રગઢ, જેસડા, નિમકનગર, નરાળી, એજાર સહિતના રણકાંઠા ગામોમાં વસતા રહીશોને ધ્રાંગધ્રા આવવા જવા માટે ખૂબ જ તકલીફ પડી રહી છે ત્યારે હજુ સુધી આ બ્રિજનું સમારકામ શરૂ કરાયું નથી. છેલ્લા બે મહિના જેટલા સમયથી આ બ્રિજ બંધ કરવામાં આવ્યો છે જેના લીધે રણકાંઠાના ગામડાઓમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સની સેવા પણ ઉપલબ્ધ થતી નથી. તેવામાં જીવના જોખમે બ્રિજ પાર કરતા મહિલા અને વૃધ્ધાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોતાના વ્હાલસોયા બાળકને કેનાલના કાંઠેથી નીકળી બ્રિજને પાર કરે છે આ સાથે એની બે વૃધ્ધા પણ વીડિયોમાં નજરે પડે છે. આ પ્રકારની સ્થિતિ નિર્માણ થવા સાથે વિડિયો વાયરલ થતા તંત્ર સામે પણ રોષની લાગણી પ્રવર્તી રહી છે.
- Advertisement -



