રોડમાં એટલો ભ્રષ્ટાચાર થયો કે પ્રથમ ચોમાસે જ ખાડા અને રોડ બેસી જવાની સમસ્યા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.16
કેન્દ્રની અને રાજ્યની સરકાર દરેક શહેરોમાં રોડ રસ્તા ચકાચક બનાવવાની વાતો કરે છે પરંતુ ખરેખર નિર્માણ થતા રોડ રસ્તા માત્ર એક ચોમાસા સુધી જ ચકાચક રહે છે જેમાં વરસાદ પડતા જ પાણીની સાથે રોડ ધોવાઈ જાય તે પ્રકારની ઘટના હવે સામાન્ય બની ચૂકી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે પણ વર્ષો પૂર્વે બનાવેલો ગુરુકુળ ગેટથી ડો. બાબા સાહેબ આંબેડકર સર્કલ સુધીના રોડને જે પ્રકારે ગૌરવપથ નામ આપવામાં આવ્યું છે તે ખરેખર તો ધ્રાંગધ્ર શહેરના ગૌરવમાં ઘટાડો કરતી હોય તેવું સાબિત થતું હતું તેવામાં વર્ષોથી રોડ પર નીકળતા સ્થાનિકો અને રાહદારીઓ ખાડા રાજથી ત્રાહીમામ પોકારી અનેક રજૂઆત બાદ અંતે કરોડોના ખર્ચે જ્યારે આ ગૌરવપથ રોડ નિર્માણ કરવામાં આવ્યો તેમાં પણ ભ્રષ્ટાચાર આચરી માત્ર એકાદ મહિનામાં જ રોડ પર ખાડા અને રોડ બેસી જવાની ફરિયાદો સામે આવવા લાગી છે.
- Advertisement -
આગાઉ આ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા રોડ પર પ્રથમ ચોમાસે જ ખાડા પડી ગયા હતા જે અંગે “ખાસ ખબર” દ્વારા ગત અઠવાડિયે અહેવાલ પ્રસિધ્ધ કરતા તાત્કાલિક રોડ પર પડેલા ભ્રષ્ટાચારી ખાડાની ઉપર ડામરની ચાદર ચડાવી દીધી હતી પરંતુ માત્ર ચાદર ચડાવવાથી ભ્રષ્ટાચાર છુપાયેલો નહીં રહે તેમ ફરી એક વખત હળવદ રોડ પર એક તરફનો રોડ રીતસર બેસી ગયો હતો. જેથી સ્પષ્ટ રીતે રોડ નિર્માણ સમયે માટી કામ કર્યા વગર સામાન્ય ડામર ચડાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સાબિત થાય છે.
ત્યારે હજુતો એક મહિનામાં જ નિર્માણ થયેલ રોડ પર એક બાદ એક અઠવાડિયાના અંતરે બે વખત ખાડા અને રોડ બેસી જવાની ઘટનાઓ સામે આવવા લાગી તો પછી સરકારના ધારાધોરણ મુજબ ત્રણ વર્ષ સુધી આ રોડ ચાલસે કે પછી ગૌરવપથ પર રોડની બદલે ખાડા જ નજરે પડશે ? જોકે આ પ્રશ્નો જવાબ તો માત્ર રોડ નિર્માણ કરી કરોડો રૂપિયાના બિલો પાસ કરાવી લેનાર કોન્ટ્રાકટર અને આ બિલોની પાસ કરનાર તંત્રના અધિકારીઓ જ આપી શકે તેમ છે.



