રાજકોટ-અમદાવાદ સિક્સલેન હાઈ-વૅની કામગીરી ગોકળ ગતિએ
રાજકોટથી બામણબોર અને સુરેન્દ્રનગર જતાં રસ્તાની કામગીરી ઝડપી કરવા સચિવ સાથે ચર્ચા કરતાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વેનું કામ ગોકળગાયની ગતિએ ચાલતું હોવાથી થોડાં સમય પહેલાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ કોન્ટ્રાક્ટરને ખખડાવ્યા હતાં અને હવે વધુમાં માર્ગ-મકાન વિભાગને નોટિસ ઈશ્યુ કરવામાં આવી છે. તેમજ હાઈ-વેની કામગીરી ઝડપી બનાવવા કોન્ટ્રાક્ટરને સુચના આપવામાં આવી છે.
વધુમાં આ બાબતે કલેક્ટરે સચિવ સાથે પણ ચર્ચા કરી હતી અને આ કામગીરી ઝડપી કરવા સુચનો પણ કર્યા હતાં. આપેલ મુદ્દત કરતાં વધુ સમય આ સિક્સલેન હાઈ-વેને લાગી રહ્યો છે ત્યારે લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. કોન્ટ્રાક્ટરો દ્વારા અનેક બહાનાઓ બતાવી સિક્સલેન હાઈ-વેની કામગીરી ધીમી ગતિએ કરવામાં આવી રહી છે.
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-બામણબોર વચ્ચે આઠ જેટલાં ડાયવર્ઝન કાઢવામાં આવ્યા છે. જેનાં પગલે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે. તથા આ હાઈ-વેની કામગીરીમાં ઝડપ લાવવા કોન્ટ્રાક્ટરને તાકીદ કરવામાં આવી છે. આ બાબતે ઓથોરિટીના અધિકારીઓનાં પણ રિવ્યુ લેવાશે. સૌથી વધુ રાજકોટથી બામણબોર અને સુરેન્દ્રનગર તરફ જવાનો રસ્તો ખુબ જ મુશ્કેલીભર્યો છે ત્યારે આ મુશ્કેલીઓનો સામનો વાહન ચાલકો વર્ષોથી કરી રહ્યાં છે ત્યારે નોટિસ ફટકાર્યા બાદ આ કામગીરી ક્યારે પૂર્ણ થશે એ એક પ્રશ્ર્ન છે.