શોભાયાત્રા સાથે શહીદોના શૌર્યગાથાનું સ્મરણ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
સમગ્ર ભારતભરમાં ભ્રમણ કરી રહેલી ’રેજાંગ લા રજ કળશ યાત્રા’નું જૂનાગઢમાં ભવ્ય આગમન થયું હતું. આ યાત્રાનું મુખ્ય આયોજન અખિલ ભારતવર્ષીય યાદવ મહાસભા દ્વારા કરવામાં આવ્યું છે, જેનો હેતુ 1962ના ભારત-ચીન યુદ્ધમાં રેજાંગ લા સરહદ પર શહીદ થયેલા 114 વીર આહીર (યાદવ) જવાનોને શ્રદ્ધાંજલિ આપવાનો અને ભારતીય સેનામાં આહીર રેજિમેન્ટની માગને વધુ પ્રબળ બનાવવાનો છે. આ યાત્રાનું સ્વાગત જૂનાગઢના મધુરમ બાયપાસ ખાતે વીર આહીર દેવાયત બાપા બોદરના સ્ટેચ્યુ પાસે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પરંપરાગત પોશાકમાં સજ્જ આહીર સમાજના અગ્રણીઓ, યુવાનો, મહિલાઓ, બાળકો અને નિવૃત્ત લશ્કરી જવાનોએ એક ભવ્ય શોભાયાત્રા યોજી હતી. આ શોભાયાત્રામાં દેશભક્તિના ગીતો, બેન્ડનો નાદ અને ત્રિરંગા ધ્વજ સાથે રાષ્ટ્રપ્રેમનો જુસ્સો છલકાઈ રહ્યો હતો. આ યાત્રા મોતીબાગ થઈને ભૂતનાથ મહાદેવ સભાખંડ ખાતે સભામાં પરિવર્તિત થઈ, જ્યાં શહીદોને વીરાંજલિ આપવામાં આવી હતી. સભામાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક સ્તરના આહીર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે 1962ના યુદ્ધની ભીષણ ગાથા વર્ણવી હતી. તેમણે જણાવ્યું કે 18 નવેમ્બર, 1962ના દિવસે 13 કુમાઉ બટાલિયનના 120 આહીર જવાનો પૈકી 114 જવાનોએ રાષ્ટ્રની રક્ષા કાજે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શહીદોના શૌર્ય અને બલિદાનને ઉજાગર કરીને આવનારી પેઢીને દેશસેવાના સંસ્કાર આપવાનો છે.



