ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ભક્તકવિ નરસિંહ મેહતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. (ડો.) પ્રતાપસિંહજી ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બોર્ડ ઓફ સ્ટડીઝની આંતરશાખાકીય ફેકલ્ટીની બેઠકમાં શિક્ષણ નીતિ અને અભ્યાસક્રમમાં ફેરફાર કરવાના મુદ્દા પર વિસ્તૃત ચર્ચા-સમીક્ષા કરવામાં આવી હતી. આ બેઠકમાં યુનિવર્સિટીના વિવિધ વિભાગો અને કોલેજોના પ્રાધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલવારી પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ નીતિ મુજબ, વિદ્યાર્થીઓ કોઈપણ ક્ષેત્રમાં અભ્યાસનું સંધાન કરી શકશે. આ હેતુને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીના અભ્યાસ માળખાને સુધારવા અને તેને વ્યવસાયલક્ષી બનાવીને યુવાનોને વધુ રોજગારીની તકો મળે તે માટે નિર્ણય લેવાયો હતો. આ બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા જેમાં બોર્ડ ઓફ સ્ટડીઝ ઈન્ટરડિસીપ્લીનરી ફેકલ્ટીના ચેરમેન પદે અંગ્રેજી વિભાગના પ્રો. (ડો.) ચેતન ત્રિવેદીની નિયુક્તિ કરવામાં આવી હતી.
- Advertisement -
ગુજરાત યુનિવર્સિટીના અધ્યાપક ડો. જયેન્દ્રસિંહ જાદવની સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ તથા અધ્યાપકોને ગાઈડશીપ આપવા અને વિદ્યાર્થીઓને પી.એચડી.નો અભ્યાસ કરવાની તકોનું નિર્માણ કરવા પર ભાર મૂકાયો હતો. અધ્યાપકો પાસેથી રિસર્ચ પ્રપોઝલ મંગાવીને સંશોધન પ્રોજેક્ટ શરૂ કરવા અને તેમને ઈ-જર્નલમાં પ્રકાશિત કરવા જણાવાયું. કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણે જણાવ્યું હતું કે, શિક્ષણ એ રાજ્યની મૂળભૂત જરૂરિયાત છે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એ રાષ્ટ્રના ભવિષ્યને નિર્ધારિત કરે છે. આપણે વિશ્વની સાથે કદમ મિલાવવા માટે આપણી શિક્ષણ પ્રણાલીને નવેસરથી તૈયાર કરવી જરૂરી છે.



