રાજકોટ શહેર અને રેન્જમાં જનરક્ષક સેવાનો પ્રારંભ
રેન્જ આઇજી અશોક યાદવ, પોલીસ કમિશનર બ્રજેશ ઝા રહ્યા હાજર
રાજકોટ શહેરમાં 31 અને રેન્જના 5 જિલ્લામાં 127 જનરક્ષક ફાળવાઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ શહેર અને રેન્જમાં જનરક્ષક સેવાનો પ્રારંભ ગઈકાલે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે કરવામાં આવ્યો હતો જેમાં શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, રેન્જ આઇજી અશોકકુમાર યાદવ, એડી. સીપી મહેન્દ્ર બગડીયાએ 112 જનરક્ષકને લીલીઝંડી આપી હતી આ સમારોહમાં ઉપરાંત ડીસીપી સજ્જનસિંહ પરમાર, ડિસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, ડીસીપી રાકેશ દેસાઈ અને રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર પણ ઉપસ્થિત રહ્યાં હતાં જેમાં રાજકોટ શહેરને 31 અને રાજકોટ રેન્જના રાજકોટ ગ્રામ્ય, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી અને સુરેન્દ્રનગરમાં એક સાથે 127 વાન કાર્યરત થઈ છે. માત્ર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા-બાળ હેલ્પલાઇન જેવી સુવિધાઓ મળી રહેશે.
પહેલા પોલીસ માટે 100, ફાયર બ્રિગેડ માટે 101 અને એમ્બ્યુલન્સ માટે 108 જેટલી અલગ-અલગ ટોલ ફ્રી હેલ્પલાઇન લોકો માટે અમલમાં હતી જે અલગ અલગ ટોલ ફ્રી નંબરો યાદ રાખવા મુશ્કેલ હતા પરંતુ હવે ફક્ત ’112’ થી જ તમામ ઇમર્જન્સી સેવાઓ મળી રહેશે રાજ્ય સરકાર દ્વારા કુલ 1000 ‘જનરક્ષક’ પોલીસ વાન તૈયાર કરવામાં આવી છે તેમજ અમદાવાદમાં 24ડ્ઢ7 સ્ટેટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર સ્થાપિત કરવામાં આવ્યું છે. જ્યાંથી સમગ્ર રાજ્યભરમાંથી આવતા તમામ ઇમર્જન્સી કોલ્સનુ સંચાલન અને સમયસર ટીમ મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. ’112’ માં કોલ કરનારનું ચોક્કસ લોકેશન શોધીને નજીકની જનરક્ષક વાનને ઘટના સ્થળ પર મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી છે જેથી હવે પછી હદ વિસ્તારની પ્રશ્ન રહેશે નહી અને ઇમરજન્સીમાં તુરત જ મદદ મળી શકશે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ શહેરને 31, રાજકોટ ગ્રામ્યને 23, જામનગરને 27, સુરેન્દ્રનગરને 40, મોરબીને 17 અને દેવભૂમિ દ્વારકાને 20 મળી કુલ 158 જનરક્ષક વાન ફાળવાઈ છે. જ્યારે ભાવનગરમાં 39 વાન કાર્યરત થઈ છે.
જનરક્ષક વાનમાં શું શું છે સુવિધાઓ
’જનરક્ષક’ પીસીઆર વાન જીપીએસ ટ્રેકીંગ મોબાઇલ ડેટા ટર્મિનલ, લાઇટ-બાર, પબ્લિક એડ્રેસ સિસ્ટમ અને વાયરલેસ કોમ્યુનિકેશનથી સજ્જ છે, દરેક વાનમાં હેડ કોન્સ્ટેબલ-એએસઆઈ, પોલીસ કોન્સ્ટેબલ અને ડ્રાઇવર સહિત 3 કર્મચારીઓ ફરજ બજાવશે અને દરેક પોલીસ કર્મચારી યુનિફોર્મ, લાઠી, હેલ્મેટ અને બોડી કેમેરા સાથે 24 કલાક ઉપલબ્ધ રહેશે.



