સદાદિયા વિરુદ્ધની ખાતાકીય તપાસમાં મોટા સ્કેમ-સ્કેન્ડલ બહાર આવશે, 89 શાળાઓના તમામ બીલ એક જ પેઢીના નામે!
શિક્ષણ સમિતિમાંથી હાંકી કઢાયેલા દિનેશ સદાદિયા વિરુદ્ધ ટૂંકસમયમાં ખાતાકીય તપાસ શરૂ થશે ત્યારે મોટા સ્કેમ-સ્કેન્ડલ બહાર આવવાની શક્યતા છે. યુનિફોર્મ ખરીદી સહિતની ખરીદી કરવા સદાદિયાએ શિક્ષણ સમિતિના સભ્યોને દબાણ કર્યું હતું. એવું કહેવાય છે કે, શિક્ષણ સમિતિની 89 શાળાઓના તમામ બીલ એક જ પેઢીના નામે છે અને તે પેઢી સદાદિયાની છે! આ ઉપરાંત મહિલા કર્મચારીઓ સાથે સદાદિયાએ કરેલા સુવ્યવહાર અને દુર્વ્યવહારના પુરાવાઓ પણ એકત્ર છે ત્યારે મહિલા શોષણના કિસ્સાઓ પણ બહાર આવે તો નવાઈ નહીં.
સદાદિયાને સમિતિના શિક્ષકોનો ટેકો હોવાની વાત ખોટી, 10% શિક્ષકો જ આવેદન આપવા આવ્યા
દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરવામાં આવતા શિક્ષક સંઘ દ્વારા શિક્ષણ સમિતિની કચેરીએ આવેદન આપવા શિક્ષકોને બોલાવવામાં આવ્યા હતા. આ મામલે પણ દિનેશ સદાદિયાએ જૂઠ્ઠાણું ફેલાવ્યું હતું કે, તેની સાથે શિક્ષણ સમિતિના અગિયારસો જેટલા શિક્ષકોનો ટેકો છે અને બધા જ શિક્ષકો અહીં ઉપસ્થિત છે. જ્યારે સત્ય વાત એ છે કે, શિક્ષણ સમિતિની કચેરીએ માત્ર સોથી દોઢસો જેટલા શિક્ષકો જ હાજર રહ્યા હતા અને મોટાભાગના શિક્ષકો સહિતનો બિનશૈક્ષણિક સ્ટાફ પણ દિનેશ સદાદિયાના સસ્પેન્શથી રાજી છે.
- Advertisement -
સદાદિયાએ ઈન્ચાર્જ શાસનાધિકારીને સસ્પેન્ડ કરવાની સત્તા ન હોવાનું જૂઠ પણ ફેલાવ્યું
પહેલા OPS આંદોલનને કારણે પછી ગેરકાયદે ભરતીના વિરોધને કારણે તો ક્યારેક એક મોટા મીડિયા હાઉસના પ્રેશરથી સસ્પેન્ડ કરાયાનો દાવો કર્યો
પહેલીવાર સસ્પેન્ડ કરી કાચું કપાયું હોય એવું નથી, ભૂતકાળમાં પણ સદાદિયા સસ્પેન્ડ થઈ ચૂક્યો છે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિના શિક્ષક તેમજ શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ શંભુ સદાદિયાને મદદનીશ શિક્ષક તરીકે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની પાસેથી સીઆરસી કો-ઓર્ડિનેટરનો ચાર્જ લઈ લેવામાં આવ્યો છે. ફરજમાં બેદરકારી અને મહિલાકર્મી સાથે ગેરવર્તણૂંક સહિતના કારણોથી સસ્પેન્ડ કરાયેલા દિનેશ સદાદિયાના જૂઠનો પર્દાફાશ થઈ અસલી ચહેરો બહાર આવવાનો શરૂ થઈ ચૂક્યો છે. દિનેશ સદાદિયા અગાઉથી જ પોતાના જુઠ્ઠાણા અને ભ્રષ્ટાચાર માટે પંકાયેલો હતો તેથી ભૂતકાળમાં પણ તેને સસ્પેન્ડ કરવામાં આવેલો અને હવે વધુ એક વખત સસ્પેન્ડ કરવામા આવતા તેની અસલિયત તેના દ્વારા જ જગજાહેર થઈ ચૂકી છે. સસ્પેન્શન મામલે દિનેશ સદાદિયાએ હળાહળ જુઠ્ઠાણા ફેલાવવાના શરૂ કર્યા છે.
જો શરૂઆતથી વાત કરવામાં આવે તો દિનેશ સદાદિયા સસ્પેન્ડ થતા સૌપ્રથમ તેણે ઓપીએસ આંદોલનને કારણે સસ્પેન્ડ કરાયો હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેણે ગેરકાયદે ભરતીના વિરોધને કારણે સસ્પેન્ડ કર્યો એવું કહ્યું હતું. પછી શાસનાધિકારીને સત્તા ન હોવા છતાં સસ્પેન્ડ કર્યો એવું જણાવ્યું હતું અને પછી કહ્યું હતું કે, એક મોટા મીડિયાહાઉસના દબાણથી સસ્પેન્ડ કર્યો હોવાનું કહ્યું છે. વાસ્તવમાં દિનેશ સદાદિયા પોતાના દોષનો ટોપલો બીજા પર નાખી પોતે નિર્દોષ હોવાનો ઢોંગ કરે છે પરંતુ હકીકત એ છે કે, ભૂતકાળમાં તેના વિરુદ્ધ થયેલી અસંખ્ય ફરિયાદ અને મહિલા સાથે અભદ્ર વ્યવહાર કરતા તમામ આધાર પુરાવાઓ ધ્યાને લેતા શિક્ષણ સમિતિમાંથી હકાલપટ્ટી કરવામાં આવી છે.
દિનેશ સદાદિયા કરતાં પણ મોટા ગુનેગાર વિક્રમ પુજારા!
વિક્રમ પુજારાની હાજરીમાં જ થઈ મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી
ચેરમેનની જવાબદારીથી ભાગતા પુજારા, નિમાવત જેવા નિષ્પક્ષ વ્યક્તિને ચેરમેન બનાવવા માંગ
એકલા શાસનાધિકારીએ જ દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કર્યો નથી, શિક્ષણ સમિતિના પંદર સભ્યોની લેખિત ભલામણના આધારે હુકમ થયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ શિક્ષણ સમિતિ દ્વારા દિનેશ સદાદિયાને સસ્પેન્ડ થયા બાદ એક ચોક્કસ ટોળકી દ્વારા તરહતરહની અફવાઓ ઉડાવીને મામલો ભટકાવવાનો પ્રયાસ કરવામાં આવી છે. દિનેશ સદાદિયા દ્વારા કરવામાં આવેલી મહિલાની પજવણી અને ફરજ બેદરકારીના આખાય પ્રકરણમાં એક રીતે જોવા જઈએ તો સૌથી મોટા ગુનેગાર ખુદ શિક્ષણ સમિતિના ચેરમેન વિક્રમ પુજારા હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. કારણ કે, ભૂતકાળમાં દિનેશ સદાદિયાને છાવરતા પંડિતની જગ્યાએ પુજારાને ખુરશી પર બેસાડવામાં આવ્યા ત્યારે શિક્ષણ સમિતિમાંથી ભ્રષ્ટાચાર દૂર થશે અને મહિલાઓ સુરક્ષિત બનશે એવી આશા હતી પરંતુ એવું કશું થયું નહીં અમે હજુ પણ દિનેશ સદાદિયાને સસ્પેન્ડ કરી પાછલા બારણેથી વિક્રમ પુજારા દ્વારા દિનેશ સદાદિયાને સાથ-સહકાર આપવામાં આવતો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. તેથી વિક્રમ પુજારા પાસેથી ચેરમેનનો ચાર્જ લઈ તાત્કાલિક વાઈસ ચેરમેન પ્રવિણ નિમાવતને ચાર્જ સોંપવો જોઈએ એવી માંગ પણ ઉઠવા લાગી છે.
ભૂતકાળમાં ચેરમેન પંડિત સહિત આખી શિક્ષણ સમિતિને ઘરભેગી કરાયા બાદ વિક્રમ પુજારાને ચેરમેન બનાવાયા હતા. જોકે ચેરમેન બન્યા બાદ પુજારા આખો દિવસ શિક્ષણ સમિતિની જગ્યાએ પક્ષના કાર્યાલયએ પડ્યા-પાથર્યા રહેતા હતા. આટલું નહીં તેઓએ પોતાની સરકારી ગાડી પણ ભૂતપૂર્વ પક્ષ પ્રમુખ દોશીને ફેરવવા માટે આપી દીધી હતી. સરકારી શાળાઓ ભલે ભાડાના મકાનમાં ચાલે પણ પોતાના માટે લાખોના ખર્ચે આલિશાન ઓફિસ બનાવી હતી. પુજારા પદના નશામાં ચૂકચૂર થઈ ઉઠ્યા હતા અને તેઓએ એક દિવસ શાળામાં મહિલા કેળવણી નિરીક્ષકને બોલાવ્યા હતા જ્યાં તેમની હાજરીમાં જ આખો ખેલ ખેલાયો હતો.
મતલબ કે, જે મહિલા કેળવણી નિરીક્ષકની પજવણી કરવા બદલ સદાદિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તે પજવણીની આખી ઘટના ચેરમેન વિક્રમ પુજારાની હાજરીમાં જ થઈ હતી. કેળવણી નિરીક્ષકની પજવણી કરનાર સદાદિયાને ચેરમેન પુજારા મહિનાઓથી બચાવતા હતા પરંતુ વાઈસ ચેરમેન નિમાવત સહિત સમિતિના ડઝનબંધ સભ્યોએ મહિલા કેળવણી નિરીક્ષકની માનસિક સ્થિતિ સમજી ચેરમેન પુજારા પર બોર્ડની મિટિંગ બોલાવી શાસનાધિકારી આરદેસણાને ભલામણ કરી કે, દિનેશને તાત્કાલિક સસ્પેન્ડ કરો. તેથી કમને પુજારાને સદાદિયાના સસ્પેન્શનમાં ભાગીદાર બનવું પડ્યું હતું.
જોકે ચેરમેન પુજારાએ દિનેશ સદાદિયા જેમ જ મીડિયા સામે જૂઠ બોલ્યું હતું કે, શાસનાધિકારીએ સદાદિયાને સસ્પેન્ડ કર્યો છે. પરંતુ સનાતન સત્ય એ છે કે, એકલા શાસનાધિકારીએ જ સદાદિયાને સસ્પેન્ડ કર્યો નથી, શિક્ષણ સમિતિના પંદર સભ્યોની લેખિત ભલામણના આધારે શાસનાધિકારીએ સદાદિયાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે. હવે સદાદિયા પાસે પુજારાની કઈ એવી દુ:ખતી નસ છે કે તેઓ એક પીડિત મહિલાને બચાવવાની જગ્યાએ દિનેશ સદાદિયાનો સાથ આપી રહ્યા છે તેઓ તે જ જણાવી શકે.
સદાદિયા પાસે પુજારાની વીડિયો ક્લિપ? પુજારા કેમ સદાદિયાથી દબાય છે?
એવું કહેવાઈ છે કે, દિનેશ સદાદિયા પાસે વિક્રમ પુજારાની કોઈ ક્લિપ છે. આ ક્લિપ એવી છે કે જો તે જાહેર થાય તો ફક્ત શિક્ષણ જ નહીં પરંતુ રાજકીય જગતમાં પણ ભૂકંપ આવી જાય. સૂત્રો કહે છે કે, સદાદિયા પાસે પુજારાની કોઈ એવી ઓડિયો અથવા વીડિયો ક્લિપ છે જેના કારણે પુજારાને કોઈપણ કારણે સદાદિયાને સાથ આપવો જ પડે તેમ છે. આ મામલે સાચું-ખોટું તો પુજારા-સદાદિયા જ જાણે પણ ભવિષ્યમાં આ અંગેનું સત્ય પણ બહાર આવશે તેમ નકારી ન શકાય. હાલ તો સદાદિયાને સસ્પેન્ડ કરવાની ઘટનામાં પુજારા હાથ ખંખેરી શાસનાધિકારી આરદેસણાને બલીનો બકરો બનાવી રહ્યા છે.