કોલસાના ખનન પર દરોડા બાદ ગેરકાયદે બાંધકામ પણ હટાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.30
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર કોલસાના ખનનમાં રાજકીય આગેવાનો જ હોવાની અનેક વખત રજૂઆત થઈ છે પરંતુ હવે તો આ રાજકીય નેતા બનીને ફરતા ખનિજ માફિયા પોતે ગેરકાયદેસર કોલસાનું ખનન કરતા રંગે હાથે ઝડપાયા છે. આ ઉપસરપંચ કોલસાનું ખનન તો કરતા હતા પરંતુ સાથોસાથ ગેરકાયદેસર બાંધકામ કરી પોતાનું રહેણાક મકાન પણ બનાવી નાખ્યું હતું. જે હાલ ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ દ્વારા ખનન ઝડપી બાંધકામ તોડી પાડ્યું છે.
- Advertisement -
જાણવા મળતી વિગતો અનુસાર મૂળી તાલુકાના આસુંદરાળી ગામે સીમ વિસ્તારમાં સરકારી સર્વે નંબર 249 વાળી જમીન પર ગેરકાયદેસર કોલસાનું ખનન ચાલતું હોવાની જાણ ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણાને થતા તેઓ પોતાની ટીમ સાથે દરોડો કર્યો હતો જે દરોડા દરમિયાન એક ટ્રેકટર, બે કમ્પ્રેસર, 40 મેટ્રિક ટન કોલસાનો જથ્થો અને ચાર ચરખી સહિત 11 લાખ રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ સ્થળ પર તપાસ દરમિયાન મકવાણાને જાણવા મળ્યું હતું કે ગેરકાયદેસર ખનન અન્ય કોઈ નહીં પરંતુ ભવાનીગઢ ગામના ઉપસરપંચ રતાભાઈ વીરાભાઈ જોગરાણા ચલાવી રહ્યા છે આ સાથે ઉપસરપંચે સર્વે નંબર 246 વળી જમીન પર પોતાનું ગેરકાયદેસર બાંધકામ કરી રહેણાક મકાન પણ બનાવ્યું હોવાનું ધ્યાને આવતા તોડી પાડવામાં આવ્યું હતું. ત્યારે પ્રાંત અધિકારીની કામગીરીને લઈ હાલ મૂળી પંથકના ખનિજ માફિયાઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.



