છેલ્લા કેટલાક દિવસોમાં દૈનિક 8-10 નવા કેસ : અત્યાર સુધીમાં કુલ કેસ 133એ પહોંચ્યા : હાલ 56 સારવાર હેઠળ!
શહેરના વિવિધ વિસ્તારો વિનય સોસાયટી, બાલમુકુન્દ પ્લોટ, બીગ બઝાર સામે, ગુંદાવાડી, તોરલ પાર્ક, ઈન્દ્રપ્રસ્થ નગર, સોમનાથ સોસાયટી, નાનામૌવા સર્કલ અને કોઠી કમ્પાઉન્ડમાં કોરોનાના ‘શાંત’ પ્રસારથી લોકચર્ચા : ‘વેરિએન્ટ’ની નવી વ્યાખ્યા?
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.12
શહેરમાં કોરોના વાયરસનો જાણે એક નવો, ’સંતોષજનક’ વેરીએન્ટ પ્રસર્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા ઘણા દિવસોથી નવા કેસોનો આંકડો આઠથી દસની રેન્જમાં જ સ્થિર રહેતા લોકોમાં એક વિચિત્ર પ્રકારની ચર્ચા જાગી છે કે શું હવે કોરોનાએ પણ ’મર્યાદા’ પાળી લીધી છે? તંત્રના આંકડા મુજબ, તા. 11/06/25 ના રોજ રાજકોટ શહેરમાં કુલ 9 નવા કોવીડ-19 પોઝીટીવ કેસ નોંધાયા છે, જે આ ’શાંત પ્રસાર’ની ગતિને યથાવત રાખે છે. તા. 19/05/25 થી આજરોજ સુધીમાં નોંધાયેલ કુલ કેસનો આંક 133 પર પહોંચ્યો છે, જ્યારે 56 દર્દીઓ હાલ સારવાર હેઠળ છે. આંકડા જોઈને ઘણા લોકોમાં રમૂજ ચાલી રહી છે કે, શું આ કોરોનાનો ’આત્મસંતોષી’ પ્રકાર છે, જે મોટી છલાંગ મારવાને બદલે ધીમા અને સ્થિર પગલાં ભરી રહ્યો છે? અત્યારસુધીમાં કુલ 77 દર્દીઓ સાજા થયા છે.
ગુજરાતમાં કોરોનાના નવા 203 કેસ નોંધાયા
મૃત્યુ થાય એવો ટ્રેન્ડ નથી પણ સાચવવું જોઇએ: આરોગ્ય મંત્રી
- Advertisement -
રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર 11 જૂન સુધી ગુજરાતમાં કુલ 1,281 કોરોનાના એક્ટિવ કેસો નોંધાયા હતા, જેમાંથી 23 હોસ્પિટલમાં દાખલ છે, 1258 લોકો ઘઙઉ બેઝ સારવાર હેઠળ છે. જ્યારે 149 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર પહોંચ્યો છે. કોરોનાના નવા 203 કેસ નોંધાયા છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, આ લહેર નથી પણ ચોથો તબક્કો છે કે કોરોનાના કેસ વધ્યા હોય. આ ઓમિક્રોન ફેમિલીનો જ વેરિઅન્ટ છે. પરંતુ ઘાતક નથી પણ સંક્રમણ થઈ રહ્યું છે. ગઈ વખતે સતત વધારો થયો અને પછી કેસો ઘટ્યા. પરંતુ આ વખતે 100, 125, 200 એવી રીતે વધ્યા છે. આ નુકસાન પહોંચાડી શકે, મૃત્યુ થાય એવો ટ્રેન્ડ નથી પણ સાચવવું જોઇએ. કોઈપણ પ્રકારના લક્ષણ જોવા મળે તો તાત્કાલિક ક્વોરન્ટીન થઈને એસિમ્ટોમેટિક સારવાર ચાલુ કરી દેવી જોઇએ. ખાસ કરીને પ્રેગ્નન્ટ મહિલાઓ તથા કો-મોર્બિડ, ઉંમર લાયક લોકોને સાચવવું જોઇએ. ભીડમાં જવાનું ટાળવું જોઇએ. ગુજરાત સરકારે કોરોના પીક સમયે જે વ્યવસ્થા હતી તે સુનિશ્ચિત કરેલી છે. ઓક્સિજન, મેડિસિનની તમામ વ્યવસ્થા કરી છે. સતત મોનિટરિંગ કરીએ છીએ. રથયાત્રામાં શરદી-ખાંસીના લક્ષણો ધરાવતા લોકોએ જવું જોઇએ નહીં. કો-મોર્બિડ અને ઉંમરલાયક લોકો ઘરે બેસીને ભગવાન જગન્નાથના દર્શન કરે, જેથી બીજાને ચેપ ન લાગે.
શહેરના કયા વિસ્તારોમાં દર્દીઓ નોંધાયા?
તા. 11/06/25 ના રોજ નોંધાયેલા 9 નવા કેસોમાં શહેરના વિવિધ વિસ્તારોનો સમાવેશ થાય છે, જે દર્શાવે છે કે આ ’શાંત વેરીએન્ટ’ કોઈ એક વિસ્તાર પૂરતો સીમિત નથી:
વિનય સોસાયટી (વોર્ડ-13): 59 વર્ષના પુરુષ દર્દી, જેમણે 3 ડોઝ લીધા હતા અને મનાલીનો પ્રવાસ કર્યો હતો.
બાલમુકુન્દ પ્લોટ (વોર્ડ-10): 63 વર્ષના પુરુષ દર્દી, જેમણે 2 ડોઝ લીધા હતા.
બીગ બઝાર સામે (વોર્ડ-17): 57 વર્ષના મહિલા દર્દી, જેમણે 3 ડોઝ લીધા હતા.
ગુંદાવાડી (વોર્ડ-14): 24 વર્ષના પુરુષ દર્દી, જેમણે 2 ડોઝ લીધા હતા.
તોરલ પાર્ક (વોર્ડ-10): 39 વર્ષના મહિલા દર્દી, જેમણે 3 ડોઝ લીધા હતા.
ઈન્દ્રપ્રસ્થ નગર (વોર્ડ-8): 36 વર્ષના પુરુષ દર્દી, જેમણે 3 ડોઝ લીધા હતા.
સોમનાથ સોસાયટી (વોર્ડ-9): 70 વર્ષના પુરુષ દર્દી, જેમણે 3 ડોઝ લીધા હતા.
નાનામૌવા સર્કલ (વોર્ડ-17): 50 વર્ષના પુરુષ દર્દી, જેમણે 2 ડોઝ લીધા હતા.
કોઠી કમ્પાઉન્ડ (વોર્ડ-3): 33 વર્ષના પુરુષ દર્દી, જેમણે 2 ડોઝ લીધા હતા.
નોંધનીય છે કે તમામ દર્દીઓની સ્વાસ્થ્ય સ્થિતિ સ્થિર હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. વેક્સિનેશનના ડોઝ લીધા હોવા છતાં કેસ નોંધાતા, લોકોમાં એ પણ ચર્ચા છે કે શું આ કોરોના ’ભલું કરનારો’ કે ’હળવી અસર’ કરનારો છે, જે લોકોની રોગપ્રતિકારક શક્તિની ખરાઈ કરવા આવ્યો છે! જોકે, કટાક્ષ સિવાય, નાગરિકોએ સાવચેતી રાખવી અને નિયમોનું પાલન કરવું અનિવાર્ય છે, કારણ કે ’સંતોષજનક’ કોરોના ક્યારે ’આક્રમક’ બને તે કહેવું મુશ્કેલ છે.



