મ્યુ. કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરતા રાજુ જુંજા
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
રાજકોટ શહેરમાં શેરી-ગલીમાં નવા બનતા રસ્તાઓ ખોદીને બનાવવાને બદલે જૂના રોડ ઉપર પેવર કરી દેવામાં આવે છે, જેના કારણે રસ્તાઓનું સ્તર ઉંચું આવી જવાના કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં મકાનના ફળીયા નીચા થઈ જવાથી દર વર્ષે ચોમાસા દરમિયાન વરસાદી પાણી મકાનોમાં ઘુસી જાય છે જેના કારણે ઘરવખરી પલળી જવાથી રહેવાસીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. દરેક વિસ્તારોમાં શેરીઓમાં નવી પાઈપલાઈન નાખવાથી રસ્તા નવા જ બનાવવા પડે તેમ છે ત્યારે શેરી-ગલીના રસ્તાઓ ઉપરથી જૂનો ડામર કાઢી નવા રસ્તા બનાવવામાં આવે તો મકાનોમાં પાણી ઘુસી જવાની સમસ્યા ઉકેલી શકાય તેમ છે. આ બાબતે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના ડીરેકટર અને સામાજિક અગ્રણી રાજુભાઈ જુંજાએ મ્યુ. કમિશનર અને મેયરને લેખિતમાં રજૂઆત કરી છે. જો આ દિશામાં વહેલી તકે વિચારવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આ સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરશે. અત્યારે 50 ટકા જેટલા વિસ્તારોમાં આ સમસ્યા છે જેનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે એવી માગણી રાજુ જુંજાએ કરી છે.



