અગાઉ નોટિસ આપી માલિકીના પુરાવા મગાયા હતા પરંતુ રજૂ ન કરતા કાર્યવાહી કરાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.23
સુરેન્દ્રનગર શહેરના રિવરફન્ટ રોડ પર ગેરકાયદે બાંધકામો સામે તંત્રે કાર્યવાહી હાથ ધરાઇ હતી. જેમાં 4 ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આથી દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. સુરેન્દ્રનગર શહેરના રિવરફ્રન્ટ રોડ પર આડેધડ દબાણ અને ગેરકાયદે બાંધકામને લઇ બુધવારે કાર્યવાહી હાથ ધરાતા ગેરકાયદે દબાણો દૂર કરાયા હતા. જેને લઇ દબાણકર્તાઓમાં દોડધામ મચી હતી. આ અંગે સુરેન્દ્રનગર સિટી મામલતદાર મયુરભાઇ દવેએ જણાવ્યું કે જે 100 કલાકમાં અસામાજીક તત્વોનુ લિસ્ટ પોલીસ દ્વારા તૈયાર કરાયું હતું. પોલીસે અમારી પાસે રિવરફ્રન્ટ સુરેન્દ્રનગર ખાતે ગેરકાયદે 4 દુકાન બનાવાયાનું જણાવાયું હતું. આથી તલાટી રેવન્યુ તલાટી સિટી સર્વે ટીમે ખરાઇ કરી અહેવાલ આપ્યો હતો. આ અહેવાલના આધારે જે તે વ્યક્તિને નોટિસ અપાઇ હતી. જેમાં માલિકીના આધાર પુરાવા 7 દિવસમાં રજૂ કરવા જણાવાયું હતું. તેમના દ્વારા કોઇ પુરાવા રજૂ ન કરાતા પોલીસને સાથે રાખી ગેરકાયદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા.



