પ્રથમ નોરતે અંબાજીમાં 1 લાખ, ચોટીલામાં 80 હજાર ભક્તોએ શીશ ઝૂકાવ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.31
અંબાજી, ચોટીલા, પાવાગઢ, બહુચરાજી : ચૈત્ર નવરાત્રીમાં ભક્તિ, ઉપાસના અને અનુષ્ઠાનના ત્રિવેણી સંગમનું અનેરું મહત્વ છે. માં નવદુર્ગાની નવ દિવસની ભક્તિ કરવાથી જગત જનની જગદંબા ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. શક્તિપીઠ અંબાજી, ચોટીલા, પાવાગઢ અને બહુચરાજી સહિત રાજ્યના નાના- મોટાં તમામ મંદિરોમાં નવરાત્રીના આજે પ્રથમ દિવસે માઇભક્તોએ માતાના દર્શન અને પૂજા – અર્ચના કરી ધન્યતા અનુભવી હતી. અંબાજી ઘટસ્થાપન વિધિ અને ચોટીલામાં ડુંગર પરિક્રમામાં ભક્તો ઉમટ્યા હતા.
ચૈત્રી નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ભક્તો ઉમટ્યા હતા. મંદિરને રંગબેરંગી રોશની, ફૂલોથી શણગારવામાં આવ્યું છે. ભટ્ટજી મહારાજે મંગળા આરતી કરાવી હતી. ચાચર ચોકમાં ભક્તોએ ગરબાની રમઝટ બોલાવી હતી. સિદ્ધિ વિનાયક મંદિર અને શિવ મંદિરમાં પણ મંગળા આરતી યોજાઈ હતી. આ વર્ષે ચૈત્રી નવરાત્રી આઠ દિવસ ચાલશે. બહુચરાજી મંદિર ખાતે ઘટસ્થાપન વિધિ કરાઇ હતી. પ્રથમ દિવસ તથા રવિવારની રજા હોવાથી અને ચૈત્રી માસમાં બાળકોની ચૌલક્રિયાનું વિશેષ મહત્વ હોઇ 300 બાળકોની બાબરી/મુંડન વિધી કરાઇ હતી. આઠમની પાલખી તથા પલ્લી નૈવેધના કાર્યક્રમનું પણ આયોજન કરાયું છે. પાવાગઢ ખાતે પ્રથમ નોરતે સવારે 4 કલાકે માતાજીની આરતી બાદ મંદિરના કપાટ ખુલ્લા મુકાયા હતા. પાવાગઢ તળેટીથી માંચી તરફના માર્ગ ઉપર ખાનગી વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકાયો છે. તળેટીથી માંચી સુધી 50 બસ 24 કલાક દોડશે. 950 કરતા વધુ પોલીસ જવાન ખડેપગે તૈનાત છે.
- Advertisement -
ચોટીલામાં દર 600 મીટરના અંતરે સેવાકેમ્પ કાર્યરત
ચોટીલામાં ધર્મ જાગરણ સમન્વય દ્વારા દર વર્ષે ચૈત્ર સુદ નવરાત્રીના પહેલા રવિવારે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન કરાયે છે. તળેટીએ નવગ્રહ મંદિરથી ધર્મસભા બાદ ધ્વજાદંડ પૂજન આરતી કરી 8:30 કલાકે પરિક્રમાનું પ્રસ્થાન કરાવાયું હતું. સ્વયંસેવકો દ્વારા પરિક્રમા રૂટ પર પાણી, શરબત, છાશ તેમજ કબીર આશ્રમ ખાતે અન્નક્ષેત્રનો કેમ્પ કરાયો હતો. 500થી 600 મીટરના અંતરે સેવાકેમ્પમાં સ્વયંસેવકો સેવા આપી રહ્યા હતા. ચોટીલા ડુંગર તળેટીએ અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોમાં જાગૃતતા લાવવા અંગદાનની માહિતી પણ આપવામાં આવી હતી.



