31 માર્ચ સુધી મિલકત વેરો ભરપાઈ કરવા અનુરોધ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકામાં મિલકત ધરાવતા લોકો જો 31 માર્ચ 2025 પહેલા વેરાની રકમ ભરપાઇ કરી આપે તો તેના પર વ્યાજ નહિ લાગે. જો 31 માર્ચ સુધીમાં બાકી હાઉસ ટેક્ષની રકમની ભરપાઇ નહિ કરે તો બીલની પાછલી રકમ પર વ્યાજ લગાવાશે અને વ્યાજ સાથે ટેક્ષની રકમ ભરવી પડશે. ત્યારે આવી સ્થિતી ન સર્જાય તે માટે જેમનો હાઉસ ટેક્ષ બાકી છે તે તમામ મિલકત ધારકોને 31 માર્ચ પહેલા પોતાનો બાકી હાઉસ ટેક્ષ ભરી આપવા મહાનગરપાલિકાના કમિશન ડો. ઓમ પ્રકાશે અપીલ કરી છે. સાથે ટેક્ષ ભરવામાં કોઇ મુશ્કેલી ન પડે તે માટે શનિ અને રવિ રજાના દિવસોમાં પણ હાઉસ ટેક્ષની વસુલાતની કામગીરી ચાલુ રખાશે. 22 માર્ચ શનિવાર, 23 માર્ચ રવિવાર અને 30 માર્ચ રવિવારે પણ નગરજનો બાકી હાઉસ ટેક્ષ ભરી શકશે. આ માટે શનિ, રવિ રજાના દિવસોમાં મહાનગરપાલિકા કચેરી સ્થિત ઘરવેરા શાખા અને શહેરમાં આવેલી તમામ ઝોનલ ઓફિસો ચાલુ રાખવામાં આવશે. ત્યારે આ રજાના દિવસોનો લાભ લઇ બાકી હાઉસ ટેક્ષની રકમની ભરપાઇ કરવા મહાનગરપાલિકાના કમિશનર દ્વારા જણાવાયું છે.



