કર્મચારી ભરતી સહિતના પ્રશ્ર્નોના નિરાકરણ મુદ્દે સૂત્રોચ્ચાર
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.21
ગુજરાત રાજ્ય બેંક વર્કર યુનિયન અને યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન દ્વારા વિરોધ પ્રદર્શન દેખાવોનું આયોજન કરાયું હતું. આથી સુરેન્દ્રનગર ખાતે બેંક વર્કર યુનિયનો દ્વારા ગુરુવારના રોજ બેંકના સમય બાદ વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જેમાં બીઓબીઇએ તથા એનજીબીઓબીઇયુ તથા બેંક ઓફ બરોડા, દેના બેંક, વિજયા બેંક સહિત કર્મચારીઓ જોડાયા હતા. કર્મચારીઓ દ્વારા પૂરતા ક્લાર્ક અને પટાવાળાની ભરતી કરાવવા, 5 દિવસનું બેંક સપ્તાહ કરવા માગ કરી હતી. જ્યારે બેંકોના કામકાજમાં સરકારનો હસ્તક્ષેપ બંધ કરવા માગ કરાઇ હતી. બેંકો દ્વારા સસ્તા વ્યાજે આપવામાં આવતી સવલતો પર ઈન્કમટેક્સ વસૂલવાનું બંધ કરવા માગ કરી હતી. માગ નહીં સ્વીકારાય તો યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયને આગામી તા.24, 25 માર્ચ 2 દિવસની હડતાળ કરાશે તેવી ચીમકી આપી છે.



