પૂર્વ કેન્દ્રીય મંત્રીનો ભાઇ સ્ટોર સંચાલક ભાડું પણ પોતાની ઇચ્છા મુજબ ભરતો હતો: આરોગ્ય મંત્રીએ દોઢેક મહિના પહેલાં બંધ કરી દેવાની સૂચના આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલું સુવિધા મેડિકલ સ્ટોર વર્ષોથી દર્દીઓના ખિસ્સા હળવા કરવાનું કેન્દ્ર બન્યું હતું. હોસ્પિટલના કેટલાક ડોક્ટર અને મેડિકલ સ્ટોર સંચાલકની મિલીભગતથી ગરીબ દર્દીઓ આ ખાનગી મેડિકલ સ્ટોરમાંથી દવા લેવા મજબૂર બનતા હતા. 11 વર્ષથી સુવિધા મેડિકલ સ્ટોર વગર ટેન્ડરે ચાલતો હતો. પૂર્વ કેન્દ્રીય મંત્રી ડો.વલ્લભ કથીરિયાનો ભાઇ છગન કથીરિયા આ મેડિકલ સ્ટોર ચલાવતો હોય સિવિલના તબીબી અધિક્ષકે કોઇ રોકટોક કરી નહોતી, અંતે બુધવારે આ મેડિકલ સ્ટોરના શટર પાડી દેવામાં આવ્યા છે અને દવાનું વેચાણ બંધ કરી દેવાયું છે.
સુવિધા મેડિકલ સ્ટોર માટે વર્ષ 2008માં ત્રણ વર્ષ માટે ટેન્ડર મંજૂર થયું હતું. 2011માં ટેન્ડરની અવધિ પૂરી થયા બાદ પણ સુવિધા મેડિકલ સ્ટોરના સંચાલકો ત્યાંથી હટ્યા નહોતા અને તત્કાલીન તબીબી અધિક્ષકે મૌખિક મંજૂરી આપી દીધી હતી અને ત્યારથી આજ દિવસ સુધી ગેરકાયદે આ મેડિકલ સ્ટોર ચાલ્યો હતો. દોઢેક મહિના પહેલાં આરોગ્ય મંત્રીએ સિવિલની મુલાકાત લીધી ત્યારે તેમણે તાકીદે મેડિકલ સ્ટોર બંધ કરાવી દેવા સૂચના આપી હતી, પરંતુ તબીબી અધિક્ષકે પણ રાહતનો રસ્તો શોધી બે મહિનાની નોટિસ આપી હતી. તા.3ના તે મુદત પૂરી થવાની છે. ભાડાની રકમમાં પણ નિયમોનો ઉલાળિયો થયાનો મીડિયા દ્વારા ભાંડાફોડ કરવામાં આવ્યો હતો. અંતે બુધવારે મેડિકલ સ્ટોર બંધ કરી દેવાયો હતો.