વહિવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓ શરૂ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.24
મહાશિવરાત્રી મેળો આગામી તા.22 ફેબુ્આરીથી પ્રારંભ થશે.ત્યારે કલેકટર અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના આયોજન માટે વિવિઘ વિભાગો- કચેરીઓના અધિકારીઓને પ્રશાસનીક બેઠક યોજાઈ હતી.મહાશિવરાત્રીના મેળાની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.
- Advertisement -
મોટી સંખ્યામાં આવતા ભાવિકો માટે પીવાના પાણી, સ્વચ્છતા, માર્ગ મરામત પરિવહન, ફાયર સેફટી, આરોગ્ય, વીજળી સહિતની સુવિધાઓ અને વ્યવસ્થા કરવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું. ખાસ કરીને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધની ખાસ અમલવારી કરાવવા કલેક્ટરે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. સેવાભાવી સંસ્થાઓ અને ઉતારા મંડળ સાથે પણ જરૂરી સુવિધા ઉભી કરવા અને સ્વચ્છતા સહિતની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સંકલન કરવા પણ નિર્દેશ આપ્યા હતા. ટ્રાફિક નિયમન અને પાર્કિંગ માટે સંબંધિત અધિકારીઓને સ્થળ વિઝીટ કરીને જરૂરી આયોજન કરવા પણ સૂચના આપી હતી.અને શ્રદ્ધાળુઓનું આરોગ્ય ન જોખમાઈ તે માટે ક્લોરિનેશનયુક્ત પીવાનું પાણી અને બિન આરોગ્યપ્રદ તથા ભેળસેળ વાળા ખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય અને અખાદ્ય પદાર્થોનો નાશ કરવા તેમજ જરૂરી પગલાં લેવા માટે પણ સૂચના આપી હતી.આરોગ્ય સેવાઓ માટે હંગામી દવાખાના શરૂ કરવા ઉપરાંત જરૂરી દવાઓનો જથ્થો ઉપલબ્ધ રહે તે માટે પણ સૂચના આપી હતી. ઉપરાંત પરિવહન સુવિધા માટે વધારાની એસટી બસો અને ટ્રેન દોડાવવા માટેનું આયોજન હાથ કરવા પણ નિર્દેશ આપ્યા હતા.મહાશિવરાત્રીના મેળામાં આવતા ભાવિકો જૂનાગઢના અન્ય દર્શનીય સ્થળોએ પણ જતા હોય છે, જેથી ગિરનાર, ઉપરકોટ, રોપ વે, મ્યુઝિયમ, સહિતના સ્થળોએ જરૂરી વ્યવસ્થા કરવા માટે જણાવ્યું હતું.આ બેઠકમાં દૂધ, એલપીજી સિલિન્ડર, ચીજ વસ્તુઓ નિયત થયેલ દરે જ વેચાણ થાય તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત યાત્રી સહાયતા કેન્દ્ર અને કંટ્રોલરૂમ શરૂ કરવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.



