31 ડિસેમ્બરની અનોખી ઉજવણી: કાતિલ ઠંડીમાં સેવાની હૂંફ
વિદ્યાર્થીઓએ પોતાનાં પોકેટમનીમાંથી 80 પ્રજ્ઞાચક્ષુને એક દિવસનું ભોજન કરાવ્યું હતું
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એક અલગ અંદાજમાં 31 ડિસેમ્બરની માનવીય અભિગમ સાથે ઉજવણી કરી હતી. જેમાં ‘સેવાની હૂંફ’ અંતર્ગત સ્કૂલના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓએ પોતાના ઘરેથી તેમજ આસપાસના વિસ્તારમાંથી સારા, પહેરવાલાયક વસ્ત્રો એકઠા કર્યા હતા અને કુલ 20238 વસ્ત્રો શાળામાં અર્પણ કર્યા હતાં. જેમાં સ્વેટર, જેકેટ, ટોપી, મફલર, શાલ, ધાબળા જેવા ગરમ વસ્ત્રો તથા અન્ય વસ્ત્રો જેવા કે પેન્ટ, શર્ટ, સાડી, ડ્રેસનો સમાવેશ થાય છે. આ વસ્ત્રો સ્વામિનારાયણ ગુરુકુળ, ગોંડલ રોડ રાજકોટના સહયોગથી રાજકોટ શહેરની ઝૂંપડપટ્ટી જેવી કે લક્ષ્મીનગર, રૈયાધાર, લોહાનગર, આજીડેમ, જંકશન, માધાપર, માર્કેટિંગ યાર્ડ, 80 ફૂટ રોડ, મોરબી રોડ વગેરેમાં જરૂરિયાતમંદ લોકોને અર્પણ કરવામાં આવશે. આજે યુવાધન પશ્ર્ચિમી સંસ્કૃતિનું આંધળુ અનુકરણ કરી ડાન્સ, ડાઈન અને વાઈન પાછળ મબલખ ખર્ચ કરે છે ત્યારે વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓનું સામાજિક સેવાનું આ કાર્ય તેમના માટે પ્રેરણારૂપ છે.
આ તકે જ્ઞાનજીવનદાસજી તથા હરીવત્સલ સ્વામી તથા વિક્રમભાઈ પુજારાએ તેમના ઉદ્બોધન દરમિયાન, શાળાના આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓની સેવાને બિરદાવીને આ સેવાયજ્ઞની મશાલ હંમેશા પ્રજવલિત રાખવા માટે આહવાન કર્યું હતું અને બધાને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમનું સફળ સંચાલન તેમની આગવી શૈલીમાં પ્રણવભાઈએ કર્યું હતું.