ગિનીસ બુકમાં નોંધાયો હતો રેકોર્ડ
ખાસ-ખબર ન્યૂઝ સાઉથપોર્ટ, તા.27
વિશ્ર્વના સૌથી વૃદ્ધ વ્યક્તિ જોન ટિનિસવુડનું 112 વર્ષની વયે નિધન થયું છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સએ મંગળવારે (26 નવેમ્બર) એક નિવેદનમાં જણાવ્યું હતું કે, જોન ટિનિસવુડનું 25 નવેમ્બરના રોજ ઇંગ્લેન્ડના સાઉથપોર્ટમાં એક વૃદ્ધાશ્રમમાં નિધન થયું હતું. નોંધનીય છે કે, જોન 112 વર્ષની વય ધરાવતા હોવા છતાં પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સજાગ હતા.
- Advertisement -
26 ઓગસ્ટ, 1912ના રોજ જન્મેલા, ટિનિસવુડ વેનેઝુએલાના 114 વર્ષના જુઆન વિસેન્ટ પેરેઝના મૃત્યુ પછી એપ્રિલ 2024થી વિશ્ર્વના સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકેનો રેકોર્ડ બનાવ્યો હતો. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સના જણાવ્યા અનુસાર, ટિનિસવુડ સ્વસ્થ રહેવા માટે ’બધું સંયમિત કરો’ નિયમનું પાલન કરતા હતા. તે કહેતા કે, ’તમે ખૂબ વધારે જમતાં હોવ કે ખૂબ વધારે ચાલતા હોવ, જો તમે કોઈ પણ વસ્તુ વધુ પડતું કરો છો, તો આખરે તમારે તેના ગંભીર પરિણામ ભોગવવા પડશે. માટે તમે જે પણ કરો તે એક નિશ્ર્ચિત પ્રમાણમાં જ કરો.’
જ્હોન ટિનિસવુડે હંમેશા યુવાઓનો જુસ્સો વધારવો પ્રયાસો કરતા હતા. તેઓ યુવાનોને સલાહ આપતા કે, ’હંમેશા તમારા શ્રેષ્ઠ પ્રયાસ કરો, પછી ભલે તમે કંઈક શીખતા હોવ કે કોઈને શીખવતા હોવ. સમાજને જે શ્રેષ્ઠ આપી શકતા હોવ તે આપવાનો પ્રયત્ન કરો.’ નોંધનીય છે કે, ટિનિસવુડના પરિવારમાં તેમની પુત્રી સુઝાન અને ચાર પૌત્રો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ અનુસાર, અત્યાર સુધી નોંધાયેલ સૌથી વૃદ્ધ વ્યક્તિ જાપાનના જીરોમોન કિમુરા હતા. તેમનો જન્મ 1897માં થયો હતો અને 2013માં 116 વર્ષની ઉંમરે તેમનું અવસાન થયું હતું.