અમદાવાદ-ઉ. ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી રાજ્યમાં અત્યાર સુધી 23 ટકા જ વરસાદ થયો, હજી 39 ટકાની ઘટ છે
વરસાદની ઘટને કારણે રાજ્યમાં 55 ટકા જ વાવેતર થયું
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન ખાતાની આગાહી મુજબ, દરિયાઈ સપાટીથી 2.1 કિલોમીટર ઉપર સાઇક્લોનિક સર્ક્યુલેશન દક્ષિણ ગુજરાત પર છવાયું છે. પ્રથમ દિવસે ભારેથી અતિભારે કહી શકાય એવો વરસાદ સુરત, નવસારી, વલસાડમાં વરસી શકે છે, જ્યારે ભારેથી અતિ ભારે વરસાદ ભરૃચ, ડાંગ, તાપી, દમણ, દાદરા અને નગર-હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, દીવમાં વરસશે. એ ઉપરાંત અમદાવાદ અને ગાંધીનગરમાં પણ સામાન્ય વરસાદ થવાની શક્યતાઓ છે.
દક્ષિણ ગુજરાતના ભાગોમાં અને સૌરાષ્ટ્રના દરિયાકિનારાના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ઉત્તર-મધ્ય ગુજરાતના ભાગો વરસાદથી વંચિત છે. હવે ધીરે ધીરે બંગાળના ઉપસાગરનું વહન ઓડિશાથી મધ્યપ્રદેશ તરફ આવતા મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થશે. જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. આજે સવારે 6થી 8 વાગ્યાના ગાળામાં રાજ્યમાં 19 તાલુકામાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને ડાંગ જિલ્લામાં નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યમાં 99 તાલુકામાં મેઘ મહેર થઈ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થયો છે. ઉમરગામ, વાપી કામરેજ, બારડોલી, પલસાણામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જ્યારે કોરા ધાકોર રહેલા અમદાવાદમાં માત્ર વાદળ છાયું વાતાવરણ રહ્યું હતું. આજે સવારે શહેરના કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટાં પડ્યાં હતાં.


