ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.30
ધો.12 પછી મેડીકલમાં પ્રવેશ માટે આગામી 5મી મેના રોજ લેવાનારી નીટ માટે સમગ્ર દેશમાંથી અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા છે. આમ, દેશના જુદા જુદા રાજયો એક લાખ બેઠકો પર પ્રવેશ માટે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નીટ આપશે. રાજકોટ સહિત રાજયમાંથી 75 હજારથી વધારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.મેડીકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટીંગ એજન્સી દ્વારા નેશનલ એલીજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ આગામી પમી મેના રોજ લેવામાં આવનાર છે. આગામી રવિવારે બપોરે 2 થી 5.20 દરમિયાન લેવાનારી નીટ એકઝામ માટે એનટીએ દ્વારા હાલ શહેરોની જાહેરાત કરી દેવામાં આવી છે.
- Advertisement -
રાજકોટ સહિત દેશના કુલ 557 શહેરો અને વિદેશના 14 શહેરોમાં પરીક્ષા લેવામાં આવશે. વિદ્યાર્થીઓ પોતે કયા શહેરમાંથી પરીક્ષા આપવાની છે તેની જાણકારી આપી હોવાથી હાલમાં શહેરો ફાળવી આપવામાં આવ્યા છે. મહત્વની વાત એ કે, ચાલુ વર્ષે નીટ આપવા માટે સમગ્ર દેશમાંથી અંદાજે 24 લાખ વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
અગાઉ સૌથી વધુ 18 લાખ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. મેડીકલના સુત્રો કહે છે કે, સામાન્ય રીતે દર વર્ષે મેડિકલ માટેની નીટમાં રેગ્યુલર વિદ્યાર્થીઓની સામે રીપીટર વિદ્યાર્થીઓ વધારે નીટ આપવા માટે રજિસ્ટ્રેશન કરતા હોય છે. જેના કારણે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ નીટ આપશે. મહત્વની વાત એ કે, હાલની સ્થિતિમાં સમગ્ર દેશના જુદા જુદા રાજયોમાં આવેલી મેડીકલ કોલેજોમાં અંદાજે 1 લાખ જેટલી બેઠકો ઉપલબ્ધ છે.