પોલીસ મથકે લઈ જવાતા માફામાફી થઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઇન્ટર્ન તબીબો વચ્ચે મારામારી થયાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી. સિવિલ હોસ્પિટલની કે.ટી ચિલ્ડ્રન હોસ્પિટલમાં સિનિયર તબીબો દ્વારા તેના જુનિયરને તને સીધો કરી દેવાનો છે તેમ કહીને માર માર્યાની વિગતો સામે આવતા પોલીસ દોડી ગઈ હતી.
આ અંગે પીડિત જુનિયર તબીબ ડો.ધવલ બારોટે આરોપી સિનિયર ડોકટર વિરુદ્ધ પ્રદ્યુમનનગર પોલીસમાં ફરિયાદ દાખલ કરી હતી. સામાપક્ષે પણ પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધવા તજવીજ કરતા માફમાફી થઈ ગઈ હતી. અને બન્ને પક્ષે ભૂલ સ્વીકારી એક બીજાની માફી માંગી સમાધાન કરી ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. આ પહેલા જ્યારે પીડિત તબીબે ફરિયાદ લખાવી હતી ત્યારે તેમણે જણાવ્યું કે, મને મારા સિનિયર દ્વારા ફોન કરીને બોલાવાયો હતો. કહ્યું કે હવે પરીક્ષા પુરી થઇ ચુકી છે. હવે અમે તને સીધો કરીશું. તું અમારુ કહેવું માનતો નથી. તેમ કહીને મને માર મારવાનો શરૂ કરી દીધો હતો. મારા ત્રણ સિનિયર જીમિત ગઢીયા, કેયુર મણીયાર અને આલોક સિંઘે મળીને મને ખુબ માર માર્યો હતો અને ત્યાર બાદ ફરાર થઇ ગયા હતા.