ગુજરાત પોલીસ દુબઇ જઇ સૌથી મોટા માધુપુરા ક્રિકેટ સટ્ટાકાંડના મુખ્ય સુત્રધારને અમદાવાદ લાવી
આંધળી આવક થતાં અમદાવાદ છોડી દુબઇ ચાલ્યો ગયો: બેંકમાં જમા થતાં નાણાં હવાલાથી મંગાવતો હતો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
ગુજરાતના મોસ્ટ વોન્ટેડ બુકી દીપક ઠકકરને ગુજરાત પોલીસની સ્ટેટ મોનીટરીંગ સેલ દુબઇ જઇને ઉપાડી લાવી છે. ક્રિકેટ સટ્ટાના મોટા ખેલાડીને ગુજરાત લાવવામાં મોટી કસરત પોલીસે કરવી પડી છે. જે ફ્લાઈટમાં દીપક ઠક્કરને લઈને આવ્યા એ એરલાઇન્સ કંપનીને પણ પ્રોટોકોલ પ્રમાણે અગાઉ જ જાણ કરવામાં આવી હતી કે આ ફ્લાઇટમાં વોન્ટેડ આરોપી હશે.
માર્ચ, 2023માં જ્યારે અમદાવાદના માધુપુરાથી ક્રિકેટ સટ્ટાકાંડનો પર્દાફાશ થયો ત્યારે એવી માહિતી સામે આવી હતી કે લગભગ 2300 કરોડ રૂપિયાની આસપાસના નાણાકીય વ્યવહારો થયા હોઈ શકે છે. પરંતુ દુબઈથી દીપક ઠક્કરની ધરપકડ બાદ સ્ટેટ મોનિટરિંગ સેલને લાગી રહ્યું છે કે આ આંકડો હજુ પણ હજારો કરોડને આંબી જાય એવો છે.
- Advertisement -
કારણ કે માંડ ધોરણ 8 સુધી ભણેલા દીપક ઠક્કરે જ એક સર્વર અને મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી લગભગ 2 લાખ લોકો સુધી ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક ફેલાવ્યું હતું. અમદાવાદના વેજલપુરમાં આવેલી આ બિલ્ડિંગના અગિયારમાં માળે દીપક ઠક્કરે ઓફિસ ખોલી હતી.
કરોડો રૂપિયાના ક્રિકેટ સટ્ટાનું નેટવર્ક અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી ઓપરેટ થતું હતું. પરંતુ સટ્ટાબાજીમાંથી આંધળી આવક થતાં કોરોનાકાળ અગાઉ જ દીપક ઠક્કર દુબઈ જતો રહ્યો હતો. એ દુબઈથી જ નેટવર્કના માસ્ટર માઇન્ડથી ભૂમિકામાં રહેતો. એટલું જ નહીં તેણે ગોઠવેલા લોકો ગુજરાત અને આસપાસના વિસ્તારોમાંથી સટ્ટાબાજીથી જે રૂપિયા બેંકોમાં જમા થતાં તેને હવાલા મારફતે દુબઈ પહોંચાડતા હતા.નિર્લિપ્ત રાયે આપેલી જાણકારી પ્રમાણે માધુપુરા સટ્ટાકાંડમાં શરૂઆતના તબક્કે જે પોલીસ ફરિયાદ થઈ એમાં દીપક ઠક્કર આરોપી હતો જ નહીં. જ્યારે આ કેસની તપાસ ચાલી ત્યારે ત્રણ મુદ્દા સામે આવ્યા અને દીપક જ મોટું માથું હોવાનું ખૂલ્યું હતું.
એવી કંપનીઓ કે જેના નામે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને સટ્ટાના રૂપિયા જમા થતા હતા. એવા લોકો જેમના નામે ખોટી રીતે બેંક એકાઉન્ટ ખોલવામાં આવ્યા હતા અને સટ્ટેબાજી થતી હતી. એવી વેબસાઇટ્સ તેમજ એપ્લિકેશન જેના દ્વારા ક્રિકેટ પર સટ્ટો રમાતો હતો તેવું ખૂલ્યું હતું.
આ તપાસમાં જ વેલોસિટી સર્વર અને મેટાટ્રેડર વિશે જાણકારી મળી હતી. મેટાટ્રેડર ડબ્બા ટ્રેડિંગ પ્લેટફોર્મ છે. એક રીતે તે મોબાઇલ એપ્લિકેશન છે. જેમાં એક વ્યક્તિ તેનું સંચાલન કરે છે અને અન્ય ઘણા લોકો તેના પર સટ્ટો રમે છે. એમાં પણ આખી ચેનલ બનાવવામાં આવી હતી. એટલે કે વિવિધ લોકોને એજન્ટ બનાવીને તેમની આઈડી ક્રિએટ કરવામાં આવતી હતી. આ એજન્ટો અન્ય નવા લોકો સુધી પહોંચીને સટ્ટો રમાડતા હતા. આ ડિજિટલ સટ્ટાકાંડનો માસ્ટરમાઇન્ડ દીપક ઠક્કર હતો.
નિર્લિપ્ત રાય કહે છે, અમે કેટલાક આરોપીઓની ધરપકડ બાદ આ સર્વર અમદાવાદના વેજલપુરની જે ઓફિસમાંથી ઓપરેટ થતું હતું ત્યાં દરોડા પાડ્યા હતા. ત્યાં ફોન અને લેપટોપમાંથી ઘણી માહિતી મળી. મેટાટ્રેડરમાં કેટલા લોકો જોડાયેલા છે, કેટલા રૂપિયાનો સટ્ટો રમાય છે, કોણ-કોણ અને ક્યાંથી ઓપરેટ કરે છે એ વિગતો મળી હતી.દીપક ઠક્કર પાસેથી માધુપુરા સટ્ટાકાંડના આરોપી હર્ષિત જૈને આવી જ એક માસ્ટર આઈડી લીધી હતી. એટલે 2200 કરોડનો આંકડો સામે આવ્યો એ ફક્ત હર્ષિત જૈનને મળેલી માસ્ટર આઈડીથી થયેલા નાણાકીય લેડવદેવડનો છે. જે આઈડી હર્ષિત જૈન પાસે છે એવી આઇડી અન્ય 500 લોકો પાસે પણ હતી.સટ્ટાકાંડમાં સૌથી શિખરે બેસેલા દીપક ઠક્કરને દુબઈથી લાવવા માટે કઈ-કઈ પ્રક્રિયા અનુસરવી પડે એ વિશે જાણકારી આપતા નિર્લિપ્ત રાયે કહ્યું, જ્યારે કોઈ આરોપી વોન્ટેડ હોય, વિદેશમાં હોય અથવા વિદેશ ભાગી જશે એવી સંભાવના લાગે છે ત્યારે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડવામાં આવે છે. પછી અરેસ્ટ વોરંટ ઇશ્યૂ થાય છે.
આ વોરંટ અલગ પ્રકારનું હોય છે. સામાન્ય રીતે અરેસ્ટ વોરંટનો 6 મહિના કે 1 વર્ષનો સમયગાળો હોય છે. જ્યારે આવા વોન્ટેડને પકડવાના કિસ્સામાં અનિશ્ચિત સમયનો વોરંટ ઈશ્યૂ થાય છે. આ વોરંટના આધારે ઇન્ટરપોલને દરખાસ્ત કરી કે દીપક ઠક્કર વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવે. આવી દરખાસ્ત સીબીઆઈ તેમજ એનસીબી મારફતે આપી શકાય છે.
રેડ કોર્નર નોટિસ જાહેર થાય તો એક રીતે ઇન્ટરનેશનલ અરેસ્ટ વોરંટ ઈશ્યૂ થયો કહી શકાય. જેથી આરોપી આંતરરાષ્ટ્રીય ભાગેડુ જાહેર થઈ જાય છે. આટલી પ્રક્રિયા થઈ એ દરમિયાન દીપક ઠક્કર દુબઈમાં હોવાની જાણકારી મળી. એટલે ઇન્ટરપોલના માધ્યમથી યુએઈ સરકાર સાથે સંપર્ક સાધ્યો હતો. યુએઈ સરકારને આરોપી વિરુદ્ધ કેવા કેસ છે એ જાણકારી આપી એટલે તેમણે દીપક ઠક્કરની માર્ચ મહિનામાં ધરપકડ કરી લીધી હતી. દીપક ઠક્કરની ધરપકડ બાદ યુએઈ સરકારે ભારત સરકારે જાણ કરી. પછી તેના પ્રત્યાર્પણ માટે ભારત તરફથી અરજી આપવામાં આવી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રત્યાર્પણની અરજી સૌથી પહેલા અંગ્રેજી ભાષામાં બનાવી હતી. પછી તેનું અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યું હતું. આ દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગને મોકલી ત્યાંથી કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને ત્યાર બાદ વિદેશ મંત્રાલય સુધી આ દરખાસ્ત પહોંચી. ત્યાર પછી યુએઈ સરકારને મોકલવામાં આવી હતી.
દુબઈમાં પ્રત્યાર્પણની દરખાસ્ત પહોંચ્યા બાદ ત્યાંની કોર્ટમાં રજૂ કરવામાં આવી. આમ તો તમામ સ્ટેજ પર દરખાસ્તની કાયદેસરતા ચકાસવામાં આવે છે. ત્યાંની કોર્ટને પણ અધિકાર છે કે તે અરજી માન્ય રાખી શકે અથવા ફગાવી પણ શકે છે. દીપકના કેસમાં દુબઈની કોર્ટે પ્રત્યાર્પણની અરજી માન્ય રાખી હતી. દીપક ઠક્કર માટે કરેલી પ્રત્યાર્પણ અરજી ત્યારે કોર્ટે મંજૂર કરી એટલે સીબીઆઈ મારફતે આ જાણકારી 8 ઓગસ્ટના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી કે તમે આરોપીને લઈ જઈ શકો છો. આ પ્રક્રિયાને સિક્યોરિટી મિશન કહેવામાં આવે છે. આ બધી પ્રક્રિયા થયા બાદ સ્ટેટ મોનિટરિંગ સેલમાંથી એસકોર્ટ ટીમ દુબઈ ગઈ હતી, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરીયા તથા પીઆઈ આર.જી.ખાંટ સામેલ હતા. નિર્લિપ્ત રાયે જણાવ્યું કે, તા. 24 ઓગસ્ટ, 2024ના રોજ દુબઈ જવાની પરવાનગી મળી હતી. ત્યાર પછી અમે 27 ઓગસ્ટે દુબઈ ગયા હતા. સામાન્ય રીતે આવા સિક્યોરિટી મિશન માટે એસપી કક્ષાના અધિકારી અને સાથે અન્ય બે અધિકારી જાય એવો પ્રોટોકોલ છે. તમામના ગ્રે પાસપોર્ટ બને છે. જ્યારે પ્રત્યાર્પણ અરજી કરી ત્યારે હું એસપી હતો.
અમે ત્રણેય અધિકારીઓ અમદાવાદથી દુબઈ પહોંચ્યા હતા. આરોપીને જે તે દેશમાંથી લાવવા માટે ત્યાં 48 કલાકનો સમય લાગતો હોય છે. દીપક ઠક્કર દુબઈમાં ‘બર દુબઈ’ નામની જગ્યાએ પોતાના પરિવાર સાથે રહેતો હતો. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં ભારતીયો રહેતો હોય છે. જ્યાં તેની ઓફિસ અને ફ્લેટ હતો. જ્યારે દીપક ઠક્કરને લઈને અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયા ત્યારે અગાઉથી જ બે પીએસઆઈ સહિતનો કાફલો તહેનાત કરી દેવામાં આવ્યો હતો. એટલે પુરતી સુરક્ષા સાથે તેને સ્ટેટ મોનિટરિંગ સેલની ઓફિસે લઈ જવામાં આવ્યો.
હર્ષિત જૈને પણ માસ્ટર આઇ.ડી. લીધુ હતું : કુલ 500 શખ્સોનું કનેક્શન: સટ્ટાનો આંકડો અબજોમાં હોવાની શંકા
સ્ટેટ મોનિટરિંગ સેલે પ્રત્યાર્પણની અરજી સૌથી પહેલા અંગ્રેજી ભાષામાં બનાવી હતી, પછી તેનો અરબી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો
સટ્ટાકિંગ દિપક ઠક્કરને પકડવા જખઈના વડા નિર્લિપ્ત રાય અને ટીમે ગાંધીનગરથી દુબઇ સુધી સાત ફાઇલ પાસ કરાવી હતી!
શેરબજારનું કામ કર્યું : ડબ્બા ટ્રેડિંગથી સટ્ટાનું ખાતમુહૂર્ત કર્યું!
પાસપોર્ટ, દિરહામ, ધાર્મિક લખાણ, ડાયરી કબ્જે
દીપક ઠક્કરનું મૂળ વતન બનાસકાંઠા જિલ્લામાં આવેલું ભાભર છે. અગાઉ તે ભાભરમાં અંબિકાનગર સોસાયટીમાં રહેતો હતો. ધોરણ 8 સુધી ભણેલો દીપક અગાઉ શેરબજારના કામકાજમાં ઝંપલાવ્યો હોવાનું સૂત્રોએ જાણકારી આપી છે. ત્યાર બાદ તેણે અમદાવાદના વેજલપુરમાં પીએનટીસી નામના કોમ્પ્લેક્સમાં 11માં માળે બે ઓફિસ રાખી હતી.જ્યાં તેણે વી.વી.આઈ.પી. સોફ્ટવેર નામની ઓફિસ શરૂ કરી હતી. તે શેરબજારના ડબ્બા ટ્રેડિંગની ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે વેલેસિટી સર્વરમાં મેટાટ્રેડર એપ્લિકેશનનો ઉપયોગ કરી, શેરબજારના ડબ્બા ટ્રેડીંગનું આઈ.ડી.લઈ, બિનઅધિકૃત રીતે શેરબજારના સોદાઓ કરતો અને કરાવતો હતો. આ રીતે તેણે પોતાનું આખું નેટવર્ક ઊભું કરી લીધું હતું.સટ્ટાકાંડમાં દીપક ઠક્કર સહિત અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓ ઝડપાઈ ચૂક્યા છે. આ સટ્ટાકાંડનો ખુલાસો કરનાર પીસીબીના તત્કાલીન પોલીસ અધિકારી તરલ ભટ્ટ પણ તોડકાંડ કેસમાં સંડોવાયેલા છે.દીપક ઠક્કર પાસેથી પાસપોર્ટ દીરહામ તથા ધાર્મિક લખાણ લખેલું મોટું રાઈટિંગ પેડ અને વિવિધ વ્યક્તિઓના નામ તથા મોબાઈલ નંબર લખેલી નાની પોકેટ ડાયરી કબજે કરવામાં આવ્યા છે.