શહેરમાં બપોર બાદ અચાનક જ 65થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં સમીસાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અડધીથી પોણી કલાક માટે 65થી 70 કિલોમિટરની ઝડપે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું જેમાં બે હોર્ડિંગ્ઝ અને 30થી વધુ ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા. સદભાગ્યે જાનહાનિ થઇ ન હતી. મનપાએ હજુ થોડા સમય પૂર્વે જ તમામ એડ એજન્સીઓને ભાડે રાખેલા અને ખાનગી તમામ હોર્ડિંગ્ઝનો સ્ટ્રક્ચર એન્જિનિયર પાસે કરાવેલો સ્ટેબિલિટી રિપોર્ટ માગ્યો હતો. જે આવે તે પહેલાં જ એજન્સીઓના હોર્ડિંગ્ઝ નાગરિકો માટે કેટલા જોખમી છે તેની પોલ ખૂલી ગઇ હતી. વાવાઝોડા સાથે વરસાદી ઝાપટાં પડતા મનપાના ચોપડે ત્રણથી આઠ મીમી વરસાદ નોંધાયો હતો. જો કે, પશ્ચિમના કેટલાક વિસ્તારમાં એક ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. રાજકોટ મનપાના ફાયર શાખાના સૂત્રોએ જણાવ્યા અનુસાર શહેરમાં સમીસાંજે મિનિ વાવાઝોડું ફૂંકાયું હતું. ચક્રાવાતની જેમ ફૂંકાયેલા વાવાઝોડાની તીવ્રતાને કારણે કિસાનપરા ચોક અને જાગનાથ-41માં બે હોર્ડિંગ્ઝ ધરાશાયી થઇ ગયા હતા. તેમજ સાધુ વાસવાણી રોડ પર શિલ્પન ટાવરવાળી શેરી, કોઠારિયા રોડ પર મેહુલનગર-3, 80 ફૂટ રોડ પર અમૂલ સર્કલ પાસે, લીમડા ચોક સહિત 30થી વધુ સ્થળે ઝાડ જમીનદોસ્ત થઇ ગયા હતા.
કિસાનપરા ચોકમાં હોર્ડિંગ્ઝ રોડ પર જ ધડાકાભેર પડતાં લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો. સદભાગ્યે કોઇ જાનહાનિ થઇ ન હતી. હોર્ડિંગ્ઝ ધરાશાયી થઇ રસ્તા પર પડતાં વાહનચાલકોને નીકળવું મુશ્કેલ થઇ પડ્યું હતું. આથી પોલીસના જવાનો અને લોકોએ હોર્ડિંગ્ઝને સાઇડમાં ખસેડી રસ્તા પર ટ્રાફિક વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો. જાગનાથ-41માં પણ હોર્ડિંગ્ઝ પડી જતાં આસપાસના રહીશોમાં ગભરાટ ફેલાયો હતો.
હોર્ડિંગ્સના મુદ્દે મનપા સરવે શરૂ કરે તે પહેલા ગુરુવારે 60થી વધુ કિમીની ઝડપે પવન ફૂંકાયો ત્યારે રેસકોર્સ રિંગરોડ પર એક હોર્ડિંગ્સ રોડ પર ધરાશાયી થઈ ગયું હતું. સદનસીબે કોઈ વાહન ચાલક પસાર થતા ન હોવાથી જાનહાની ટળી હતી. શહેરના કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, અમીન માર્ગ, રેલનગર, સામાકાંઠ સહિતના વિસ્તારોમાં વીજળી ગુલ થઇ ગઈ હતી. ભારે પવનને લીધે વીજલાઈન, ટ્રાન્સફોર્મર અને ફીડરમાં ખામી સર્જાઈ હતી. એકબાજુ બફારો અને બીજીબાજુ વીજળી ગુલ થઇ જતા ગરમીમાં લોકો અકળાયા હતા. સાંજે 6 વાગ્યા આસપાસ વીજળી ગુલ થઇ હતી જે રાત્રે 9 વાગ્યા સુધી પૂર્વવત નહીં થતા ત્રણ કલાક લોકોએ વીજળી વિના મુશ્કેલી વેઠવી પડી હતી. સતત ફરિયાદો આવતા વીજકંપનીનો સ્ટાફ પણ દોડતો રહ્યો હતો.