ભોગ બનેલા પરિવારોની રહેણી-કરણી અને રહેણાકનો અભ્યાસ કરશે
પુનાની ટીમ બાદ હવે દિલ્હીથી NCDCની ટીમ રાજકોટ આવી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,
રાજકોટ જિલ્લામાં ચાંદીપુરા વાઇરસના સતત કેસો મળી આવતા પુનાથી નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાઇરોલોજીના સિનિયર પ્રોફેસર અને સાયન્ટિસ્ટની ટીમ રાજકોટ આવ્યા બાદ હવે દિલ્હીથી નેશનલ સેન્ટર ઓફ ડિસીઝ ક્ધટ્રોલની ટીમ રાજકોટની મુલાકાતે આવી પહોંચી છે અને બુધવારે આ ટીમ ચાંદીપુરાની બીમારીનો ભોગ બનેલા પરિવારોની મુલાકાત લેશે અને ચાંદીપુરા વાઇરસ કેવી રીતે ફેલાયો? તેનો અભ્યાસ કરી અસરગ્રસ્ત પરિવારોના સેમ્પલ લઇ નવી દિલ્હી જઇ પોતાનો રિપોર્ટ સબમિટ કરશે તેમ જાણવા મળે છે.
આરોગ્ય અધિકારી ડો.પપ્પુસિંઘે જણાવ્યું હતું કે, આ ટીમ દ્વારા ચાંદીપુરાના કેસો જે વિસ્તારમાં પોઝિટિવ નીકળ્યા છે તે વિસ્તારની મુલાકાત લેશે અને જ્યાં બાળકો બીમાર પડ્યા બાદ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો તે પરિવારોની મુલાકાત પણ લેશે. આ ટીમ દ્વારા આ પરિવારો માઇગ્રેટ થઇને આવ્યા છે કે કેમ? તેની રહેણીકરણી કેવી છે, ભોજન કેવા પ્રકારનું લ્યે છે, રહેણાક સ્થળે હવા-ઉજાસની શું સ્થિતિ છે સહિતનો અભ્યાસ કરાશે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્યમાં 12000થી વધુ કાચા મકાનોમાં દવાના છંટકાવ સહિતના તકેદારીના પગલાં લેવાતા અન્ય ઋતુજન્ય બીમારીના કેસો અન્ય જિલ્લાની સરખામણીમાં ઓછા નોંધાયા છે. જેને સીડીએચઓની બેઠકમાં અધિકારીઓએ બિરદાવી છે.