આખો દિવસ તો કોઈને કોઈ કાર્યમાં કે પ્રવૃત્તિમાં પસાર થઈ જાય છે પરંતુ જ્યારે બ્રાહ્મમુહૂર્તમાં ધ્યાનમાં બેસુ છું ત્યારે અંદરથી એક પ્રશ્ન ઉઠતો રહે છે, “ઊંત9.ખ – હું કોણ છું?” આ પ્રશ્ન મારો એકલાનો નથી. શતાબ્દીઓથી સનાતન વૈદિક ધર્મના જિજ્ઞાસુઓને, અભ્યાસુઓને આ પ્રશ્ન થતો રહ્યો છે. સિદ્ધ પુરુષો માને છે કે કોઈ પણ જીવ માતાની કૂખમાં ઉછરતો હોય છે ત્યારે સાતમા મહિના પછી આ પ્રશ્ન એના મનમાં જન્મવાની શરૂઆત થાય છે અને મનુષ્યના છેલ્લા શ્વાસ સુધી આ પ્રશ્ન ઉઠતો રહે છે.
આ પ્રશ્ન ક્યાંથી આવે છે? મનમાંથી કે આત્મામાંથી? આત્મા ક્યારેય વિચારતો નથી, આત્મા ક્યારેય પ્રશ્ન પૂછતો નથી. તમામ વિચારો અને પ્રશ્નો મનમાં જન્મે છે. હું કોણ છું? એવો પ્રશ્ન ઉઠવો એ મનુષ્યના અહમનું પ્રતીક છે. જ્યારે મનુષ્ય પોતાના અસ્તિત્વને અહમિયત આપે છે ત્યારે જ એ આવું પૂછી શકે છે. જો તમે તમારા અહમને ઓગાળી નાખશો તો તમારું અસ્તિત્વ પણ ઓગળી જશે, તમારું મન વિચાર શૂન્ય થઈ જશે અને પછી આવો પ્રશ્ન ઉઠવાનું પણ બંધ થઈ જશે. ’હું કોણ છું?’ એ પ્રશ્ન જ્યારે જ્યારે થાય ત્યારે તમે એ પ્રશ્નનું સ્વરૂપ બદલીને એવું પૂછવાનું શરૂ કરજો કે ’હું ક્યાં છું?’ અને પછી તરત જ તમે શ્વાસ-ઉચ્છ્વાસની ક્રિયા ઉપર મન કેન્દ્રિત કરજો. મન શાંત થઈ જશે, બધા જ વિચારો અને પ્રશ્નો શમી જશે અને હું ક્યાં છું એનો જવાબ જડી જશે.