ઉનાળામાં શાકભાજીના ભાવ પર નજર રાખવાની જરૂર કારણકે
ચાલુ વર્ષે ભીષણ ગરમીની આગાહી : શક્તિકાંતા દાસ
ફુગાવોને ચાર ટકાના નિર્ધારિત લક્ષ્યાંકથી નીચે લઇ જવામાં સમય લાગશે : શક્તિકાંતા દાસ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.6
ચાલુ વર્ષે ઉનાળામાં શાકભાજીઓના ભાવ પર નજર રાખવાની જરૂર છે કારણકે ભારતીય હવામાન વિભાગે વધારે ગરમી પડવાની આગાહી કરી છે તેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નર શક્તિકાંતા દાસે જણાવ્યું છે.નાણાકીય વર્ષ 2024-25ની પ્રથમ દ્વિમાસિક નાણાકીય નીતિની જાહેરાત પછી પત્રકારો સાથેની વાતચીતમાં દાસે જણાવ્યું હતું કે આરબીઆઇનો મુખ્ય ઉદ્દેશ ફુગાવાના દરને ટકાઉ ધોરણે સરકારના નિર્ધારિત ચાર ટકાના લક્ષ્ય સુધી લાવવાનો છે. અંતિમ તબક્કો ખૂબ જ પડકારજનક છે.ભારતીય હવામાન વિભાગે દેશના અનેક વિસ્તારોમાં ચાલુ વર્ષે જૂન સુધી ભીષણ ગરમી પડવા અંગે પૂછવામાં આવેલા પ્રશ્રના જવાબમાં દાસે જણાવ્યું હતું કે આપણે એ જોવું પડશે ભીષણ ગરમીની અસર ખાદ્ય પાકો પર કેટલી પડે છે.
દાસે જણાવ્યું હતું કે ઘંઉના પાક અંગે કોઇ સમસ્યા નથી અને મોટા ભાગની લણણીનું કાર્ય પૂર્ણ થઇ ગયું છે. જો કે તેમણે શાકભાજીના ભાવ પર નજર રાખવાની તાકીદ કરી હતી. ડેપ્યુટી ગવર્નર માઇકલ પાત્રાએ જણાવ્યું હતું કે ખાદ્ય ફુગાવો તાજેતરના દિવસોમાં સૌથી વધારે અસ્થિર રહ્યો છે તેના વધવાના કારણો બદલાતા રહે છે. અમે એ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છીએ કે તેની અસર ક્ધઝયુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ)ના બાકી પરિબળો પર ન પડે.પાત્રાએ જણાવ્યું હતું કે ઇંડા, માંસ, માછલી અને ચોખાને કારણે પર ફુગાવા પર દબાણ બનેલુ છે. તાજેતરના દિવસોમાં અનાજ અને શાકભાજીના ભાવ વધવાને કારણે પણ ખાદ્ય ફુગાવામાં વૃદ્ધિ જોવા મળી છે.ફુગાવા ઘટવાના સમય અંગે પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ફુગાવો નાણાકીય વર્ષ 2024-25ના કેટલાક કવાર્ટરમાં ચાર ટકાથી નીચે જઇ શકે છે પણ તે ફરી વધી પણ શકે છે.