ગુજરાતી પ્રજા વાંચતી નથી એવી મારી ફરિયાદ નથી. ગુજરાતીઓ આખો વખત મોબાઈલમાં અને સોશ્યલ મીડિયામાં રચ્યા-પચ્યા રહે છે એવી પણ મારી ફરિયાદ નથી. મારી ફરિયાદ એ છે કે મોટાભાગના ગુજરાતીઓ મોબાઈલ પર, ફેસબુક-ટ્વિટર વગેરે પર કે ઈવન છાપાં-મેગેઝિનોમાં, ડિજિટલ મીડિયા પર તેમજ છાપેલાં પુસ્તકોમાં કચરપટ્ટી લખાણો વાંચતા રહે છે. કચરપટ્ટી એટલે કેવી કચરપટ્ટી? જે વાંચીને ન તો તમારી અક્કલમાં ઉમેરો થાય, ન તમારી આંતરિક સમૃદ્ધિ વધે, ન તમારા અજ્ઞાનનાં અંધારાં દૂર થાય, ન તમને નિર્ભેળ સાત્ત્વિક આનંદ મળે, ન તમને સાચો પર્સપેક્રિટવ મળે. પુસ્તકો લખનારા, છાપાં-મેગેઝિનોમાં કલમ ઘસડનારા અને સોશ્યલ મીડિયામાં અધકચરી જાણકારી સાથે ફેકમફેંક કરનારાઓ પોતાની જાતને મહાકવિ, મૂર્ધન્ય લેખક અને બેસ્ટ સેલર નવલકથાકાર-ચિંતન-ફિંતક મોટિવેટર-ફોટિવેટર કહેવડાવતા ફરે છે. એમની આસપાસ ગરબે ઘૂમતું પાંચ-પચાસનું વર્તુળ હોય છે જેમને પેલા લખનારાઓ પંપાળ્યા કરે છે અને વાંચનારાઓ બજારમાં ચાર જણાને કહેતાં ફરે છે કે અમારે તો ફલાણા મહાકવિ, મહાનવલકથાકાર, મહા ટૂંકી વાર્તા લેખક, મહાચિંતક, મહામોટિવેટર, મહા-મહા-મહા સાથે ઘર જેવો સંબંધ છે.
જેમને સારું લખવું છે, નક્કર લખવું છે એવા નવોદિતો આ વાતાવરણમાં મૂંઝાઈ મરે છે અને આ જ સ્ટાન્ડર્ડ નોર્મ છે એમ માનીને આ ગાડરિયા પ્રવાહમાં તણાઈને પોતાને મળેલા મા સરસ્વતીના આશીર્વાદને વેડફી નાખે છે.
વાંચનારાઓની પણ આ જ દશા થાય છે. જેમને મમરાની ગુણમાં નહીં પણ બદામની પોટલીમાં રસ છે એવા વાચકો આ ઉકરડામાં છુપાયેલી કોઈ સારી ચીજ હશે એમ માનીને ધૂળધોયા જેવું કામ કરવા જાય છે પણ છેવટે એમને ઘોર નિરાશા જ સાંપડે છે.
જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં. પુસ્તકોના પ્રકાશકોને પોતે છાપેલો માલ વેચવામાં રસ છે. આ પ્રકાશકોમાંથી કોણે કેટલી ચોપડીઓ ગુણવત્તાના ધોરણે છાપી છે અને કેટલી ચોપડીઓ લેખક-કવિ પાસેથી છાપકામના પૈસા લઈને છાપી છે એની ભોળા વાચકોને ખબર નથી હોતી. પ્રકાશકોની એક ટ્રેઈટ પહેલેથી રહેલી છે. તેઓ ટોચના પચ્ચીસ લેખકોની ચોપડીઓની હજારો નકલ છાપવાને બદલે બી-સી-ડી-ઈથી લઈને ઝેડ કક્ષાના લેખકોની ચોપડીઓની અમુક સો ચોપડીઓ છાપીને બજારમાં માલનો ભરાવો કરી દે છે. અનુસંધાન પાના નં. 4 પર
જૂનું એટલું સોનું અને નવું એટલું કથીર એવું કહેવાનો આશય નથી, પણ જૂનામાં રહેલું સોનું ક્યાં છે એવું માર્ગદર્શન મળે એટલા એવન્યુઝ કેટલા છે અત્યારે? નવામાં આવતાં કથીરને દૂર કરીને જેન્યુઈન માલ ક્યો છે એ વિશે દિશાસૂચન કરનારા કેટલા છે અત્યારે? મારે હિસાબે કોઈ નહીં
- Advertisement -
નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે: પુસ્તકો છાપવાનું-છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો-છપાવી મારો
સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે
પ્રિન્ટ-ઓન-ડિમાન્ડ નામની નવી પ્રિન્ટીંગ ટેકનોલોજીને કારણે પચાસ-સો-બસો નકલોની આવૃત્તિ પ્રગટ થાય છે. ઓફસેટના જમાનામાં હજાર- બે હજાર નકલો છપાતી. નવાં નવાં કચરપટ્ટી ટાઈટલો રોજ બજારમાં ઠલવાતાં રહે છે એટલે આપણને લાગે છે કે આ ગુજરાતી પુસ્તકોની દુનિયામાં તો વસંત ખીલી છે.
છ-બાર મહિના પહેલાં મેં નહીં નહીં તોય કુલ પચ્ચીસેક હજાર રૂપિયાનાં નવાં ગુજરાતી પુસ્તકો ખરીદીને જોયાં. નવાં એટલે છેલ્લાં બે-ત્રણ વર્ષમાં પ્રગટ થયેલાં અને એમાં મોટાભાગનાં પુસ્તકો એવાં જે ‘જાણીતા’ થયેલાં. મેં એ પુસ્તકો ‘જોયાં’, ‘વાંચ્યાં’ નહીં. મોટાભાગનાં વાંચવા જેવા લાગ્યાં નહીં. કોઈ પણ પુસ્તક પાછળ પંદરેક મિનિટ ગાળું એટલે નક્કી થઈ જાય કે આ વાંચવા જેવું છે કે નહીં, જે વાંચવા જેવાં પુસ્તકો હતાં એ બધામાંથી નવોદિતનું એકેય નહોતું- એ બધાં અગાઉ સારું કામ કરી ચૂકેલાં વેલ એસ્ટાબ્લિશ્ડ લેખકો- લેખિકાઓનાં હતાં. નવોદિત લેખકો-લેખિકાઓ કે કવિઓ-કવયિત્રીઓમાંથી કોઈનીય પાસે ન તો ઊંડાણ છે, ન વિષયની પૂરતી સમજ, ન અભિવ્યક્તિ કે શૈલીની સજ્જતા છે. પુસ્તકો છાપવાનું – છપાવવાનું સહેલું થઈ ગયું છે એટલે છાપી મારો – છપાવી મારો.
સોશ્યલ મીડિયામાં લખવા જેમ કોઈ ધારાધોરણ નથી, કોઈ સંપાદક-એડિટરની આંખ તળેથી તમારું લખાણ પસાર થાય તેની જરૂર નથી એવું જ છાપાં-મેગેઝિનોનું છે. હાલાંકિ એમની પાસે તો સંપાદકો-ઉપસંપાદકો- સહાયકોની ફોજ હોય છે. છતાં તેઓ જે આવ્યું તે છાપી મારે છે, છાપી નાખવું પડે છે એમને. શું કરે બિચારા? સારું લખનારાઓ શોધવા જાય તો એમણે છાપાંની પૂર્તિઓ અને મેગેઝિનોનાં પાનાં કોરાં રાખવા પડે.
પુસ્તકોની દુનિયામાં ગુજરાતીમાં પ્રકાશકોએ ક્યારેય પ્રોફેશનલ એડિટરો રાખ્યા નથી. બહુ બહુ તો કોઈ મૂર્ધન્ય લેખકની અવેતન સેવા લઈને એમને રિકવેસ્ટ કરે કે આ હસ્તપ્રત જોઈને કંઈ અભિપ્રાય આપો કે છાપીએ કે નહીં, મોટાભાગે તો આવા મૂર્ધન્યો પોતાના લાગતાવળગતા ચમચા-ચમચીઓને જ રેકમેન્ડ કરે અને પુસ્તક છપાઈ ગયા પછી એમને જ અવોર્ડ-પારિતોષિક અપાવે. પબ્લિશરને લાગે કે જોયું, આપણે ધુબાકો મારીને સમંદરમાંથી મોતી ગોતી લાઈવા.
બીજું એક ન્યુસન્સ અંગ્રેજી બેસ્ટ સેલરોના અનુવાદોનું ઘૂસી ગયું છે. આડેધડ ગુજરાતી અનુવાદો થતાં રહે છે. અંગ્રેજીમાં ખૂબ વેચાય છે? ચાલો, ગુજરાતીમાં છાપી મારીએ. મોટેભાગે મોટિવેશનલ કચરપટ્ટી હોય છે. ક્યારેક તદ્દન ખોટા નરેટિવ્સનો પ્રચાર કરનારાં પુસ્તકો પબ્લિશરો છાપી નાખે છે. ભારતીય સંસ્કૃતિની ઘોર ખોદવા માગતા ડાબેરી વિદેશી લેખકોનાં પુસ્તકોનો અનુવાદ થવો જોઈએ એવું સૂચન ડાબેરી ગુજરાતી અનુવાદકો પ્રકાશકો સમક્ષ મૂકે અને પ્રકાશકો લક્ષ્મીના વૃક્ષની ડાળખી હાથમાં આવી જશે એ લાલચે કેટલાંક ઝેરીલાં પુસ્તકો વાંચવા માટે વાચકોને લલચાવતા થઈ જાય છે. વાચકો પણ ચીકણીચૂપી શૈલીએ લખાયેલાં આવાં પુસ્તકોને મારી જાય છે, એમને ખબર પણ નથી રહેતી કે પોતે જ પોતાના હાથે પોતાના પગ પર કુહાડો મારી રહ્યા છે.
સારું મૌલિક પુસ્તક ગુજરાતીમાં છપાય ત્યારે એનો ઉત્સવ મનાવવો જોઈએ. પણ કચરપટ્ટી પ્રકાશનો એટલાં બધાં થતાં રહે છે કે એના ગોકીરામાં સારું પુસ્તક ખોવાઈ જાય છે. આટલો કકળાટ તો કર્યો પણ આ સમસ્યાનો ઉકેલ શું? મારા હિસાબે આ:-
(1) એક તો, જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં વંચાય પણ છે એવા લેખકોએ નવોદિતોને પ્રોત્સાહન આપવાના બહાને એમની કાચીકોરી-અધકચરી કૃતિઓને પોંખવાનું બંધ કરવું જોઈએ.
(2) ગુજરાતીનાં ઉત્તમોત્તમ પુસ્તકો ક્યા એની યાદી બનાવીને સૌથી પહેલાં તો સ્થાપિત લેખકોએ પોતે એને વાંચવાં, એક જમાનામાં વાંચી લીધાં હોય તો ફરીથી વાંચવાં અને એનો રસાસ્વાદ કહીને, એના વિશે લખીને, યુ-ટયૂબ બનાવીને ગુજરાતી વાચકો સુધી પહોંચાડવાં.
(3) જે પુસ્તકો વાંચવાં જેવાં નથી એની ચર્ચા કરવાથી દૂર રહેવું, એના વિશે ટીકા-ટિપ્પણ કરીને સમય બગાડવો નહીં. પણ જે પુસ્તકો ટોક્સિક છે અને પ્રકાશોના માર્કેટિંગ પ્રિમિક્સથી વાચકો એને ખરીદવા માટે પ્રેરાય છે એવાં પુસ્તકોનો તો ઉધડો લઈ નાખવો-એમાંનું ઝેર સમાજમાં ફેલાય અને વધુ નુકસાન કરે તે પહેલાં એ જંતુઓ-પ્રાણીઓ-પિશાચોનો ખાત્મો બોલાવી દેવો.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે: બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની
- Advertisement -
આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે: જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે, આ કંઈ નાની-સૂની વાત નથી
ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે
(4) સારું ગુજરાતી પુસ્તક લાગે તેને બીજાઓની સહાય વડે, ભરપૂર માર્કેટિંગ કરીને ગુજરાતી કુટુંબોમાં એને સ્થાન અપાવવું. ધ્યાન રાખો, માર્કેટિંગ કંઈ બૂરી ચીજ નથી, પણ બૂરી ચીજોનાં (ચાહે એ પુસ્તક હો યા કંઈ) ખોટે-ખોટાં વખાણ કરીને થતું માર્કેટિંગ બૂરી ચીજ છે, હું તો કહીશ કે મહાપાપ છે.
(5) પાંચમી અને છેલ્લી વાત એ કે જેઓ ખરેખર સારું લખે છે અને વાચકોમાં પણ વખણાય છે એવા તમામ લેખકોએ સારું લખતાં રહેવું, વિપુલ પ્રમાણમાં લખતાં રહેવું.
આ દુનિયામાં સાત કરોડ ગુજરાતીઓ વસે છે. જગતમાં સૌથી વધુ વપરાતી 25 ભાષાઓમાં ગુજરાતીનો નંબર આવે છે. આ કંઈ નાની-સૂની વાત નથી. એઈટીઝના ગાળામાં હિન્દી ફિલ્મોની દશા બેઠી હતી એવી હાલત અત્યારે ગુજરાતી લેખન-વાંચનની છે. એકબાજુ જેન્યુઈન પ્રોડ્યુસરોને હાંસિયામાં ધકેલી દઈને ભળતાસળતા લોકો ઈન્ડસ્ટ્રીમાં ઘૂસી ગયેલા તો બીજીબાજુ વીડિયો અને વીસીઆરને લીધે પાયરસી એવી વધી ગઈ કે થિયેટરોનો ધંધો
પડી ભાંગ્યો અને સારા ઘરના લોકો તો થિયેટરોમાં જતાં જ બંધ થઈ ગયા. પણ થોડો વખત ગયા પછી મલ્ટીપ્લેક્સ આવ્યા, તરુણ-તેજસ્વી ડિરેકટરો આવ્યા, સારું સંગીત પાછું આવ્યું.
ગુજરાતીમાં પણ આવું થશે. આજે નહીં તો કાલે, સારા લેખકોના દરેક પુસ્તકની પ્રથમ આવૃત્તિની 10,000 નકલ વેચાતી હશે- પ્રિન્ટ એડિશન કે પછી ક્ધિડલ એડિશન. અંગ્રેજીમાં જેને વેનિટી પબ્લિકેશન કહે છે તે, પોતાના પૈસે ચોપડી છપાવીને પોતાને લેખકમાં ખપાવવાની હોંશ રાખતા લોકોને વાચકો ‘લેખકો’ તરીકે ઓળખતા બંધ થશે. ગુજરાતી વાચકોનો પ્રેમ મેળવવો હશે તો સતત સારું લખવું પડશે એવી પ્રતીતિ થતાં સ્થાપિત – નવોદિત લેખકોએ પોતાના લેખનની ગુણવત્તામાં ઉત્તરોત્તર સુધારો કરવો પડશે, પોતાના દિમાગની ક્ષિતિજો વિસ્તારવી પડશે અને લેખન સિવાયની પ્રવૃત્તિઓમાં ઓછું ધ્યાન આપીને લેખનનાં ઓજારોને ધારદાર કરતાં રહેવા માટે વધુને વધુ રિયાઝ કરવો પડશે.
વાચકો તો સારું વાંચન મળે એ માટે રાહ જોઈને જ બેઠાં હોય છે. બે જ વાતની જરૂર છે – સારું લખવાની અને જે સારું લખાય તેને ગાઈ-બજાવીને વાચકો સુધી પહોંચાડવાની.
સારું લખાય ક્યારે? સારું વાંચ્યું હોય ત્યારે. વાંચીને પચાવ્યું હોય ત્યારે, પચાવીને એ વિશે મનમાં દિવસ-રાત ગડમથલ ચાલતી રહે ત્યારે, આમાં સારું શું હતું? આ સારું લખવાની પ્રેરણા લેખકને કેવી રીતે મળી હશે? એ માટે લેખકે પોતાના જીવનમાંથી શેની બાદબાકી કરી હશે? શેનો ઉમેરો કર્યો હશે? મારે જો આના કરતાં પણ સારું લખવું હોય તો શું કરવું?
આ અને આવા કેટલાય સવાલો થશે તો જૂનાં-નવા લખનારાઓ કચરપટ્ટી પુસ્તકોને વખાણવાનું બંધ કરશે, સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતી અને છાપાં-મેગેઝિનોમાં છપાતી કચરપટ્ટી ચીજોથી દૂર રહેવાનું નક્કી કરશે અને એક ધ્યાનસ્થ યોગીની જેમ રોજેરોજ ભરપૂર વાંચીને, પચાવીને,
મનન કરીને, નવા વિચારોને અને નવી કથનશૈલીને જન્મ આપીને હાથમાં પેન
ઉપાડશે કે કી-બોર્ડ પર આંગળીઓ ફેરવશે
અને લખવાનું શરૂ કરશે : સારું લખવું હોય તો
શું કરવું….