રાયડા-સોયાબીનની કિંમત ટેકાના ભાવ કરતા નીચા; યોગ્ય પગલા નહીં લેવાય તો ઉત્પાદન ઘટવાની ભીતિ
ખાસ-ખબર સંવાદદાતા
આયાતી ખાદ્યતેલો પરની નિર્ભરતા ઘટાડવા માટે ઘરઆંગણે જ ખેડુતોને તેલીબીયાના ઉત્પાદન માટે પ્રોત્સાહીત કરવા, ન્યુનતમ સમર્થન મુલ્ય વધારવા સહિતના સૂચનો ગુજરાત સ્ટેટ એડિબલ ઓઈલ્સ એન્ડ ઓઈલ સીડઝ એસોસીએશન દ્વારા કેન્દ્ર સરકારને કરવામાં આવ્યા છે.
કેન્દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા નવી રવિ સીઝનની નીતિ ઘડવાના ભાગરૂપે સંગઠન પાસેથી સૂચનો માંગવામાં આવ્યા હતા. સંગઠનના પ્રમુખ સમીર શાહે લેખિત ભલામણો મોકલી છે તેમાં એમ કહ્યું છે કે ભારતની વપરાશી જરૂરિયાત માટે આયાતી ખાદ્યતેલો પર નિર્ભર રહેવુ પડે છે તે ઘટાડવા માટે મગફળી, રાયડો, સોયાબીન જેવા તેલીબીયાના ઉત્પાદન માટે પ્રોત્સાહન આપવું જોઈએ.
મગફળીની જેમ રાયડામાં પણ તેલનું ઉંચુ પ્રમાણ હોય છે અને પિલાણ પછી રીફાઈન્ડ કરવાની જરૂર પડતી નથી. ખેડુતો તેનુ ઉત્પાદન વધારવા પ્રોત્સાહીત થઈ શકે છે. પરંતુ તકલીફ એ છે કે સમર્થન મૂલ્ય જેટલા ભાવ પણ મળતા નથી. રાયડાની કિંમત ટેકાના ભાવ કરતા નીચે છે. સરકારની પાંચ લાખની ખરીદી ઘણી ઓછી છે. પુરતા ભાવ ન મળે તો આવતા વર્ષે ઉત્પાદનમાં કાપ આવી શકે છે. સોયાબીનમાં પણ સમાન હાલત છે.
ચાલુ વર્ષે દેશમાં ખાદ્યતેલની આયાત ચિંતાજનક રીતે વધી છે તે કાબુમાં લેવા નિયંત્રણો મુકવા જોઈએ અન્યથા સોયાબીનના ઉત્પાદનમાં પણ કાપ આવશે અને લાંબાગાળે તીવ્ર પરિણામોનો સામનો કરવો પડશે. આ સંજોગોમાં ખેડુતોને મગફળી, રાયડો, સોયાબીન જેવા સ્વદેશી ઉત્પાદનો તરફ પ્રોત્સાહીત કરવા રોકડ બોનસ સહિતના પગલા લેવા જોઈએ.
ખેડુતોને તેલીબીયાનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહક યોજના જાહેર કરવા માગ
