ખાદ્ય ફુગાવો 5.66 ટકા શાકભાજી મોંઘા થયા: કઠોળ દાળ સસ્તી: શહેરો અને ગામડાઓમાં પણ ફુગાવો વધ્યો
ઓગસ્ટ મહિનામાં દેશમાં છૂટક ફુગાવો નજીવો વધીને 3.65 ટકા થયો છે. જુલાઈમાં તે 3.6 ટકા હતો, જ્યારે ગયા વર્ષે ઓગસ્ટમાં તે 6.83 ટકા હતો. નિષ્ણાતોનું કહેવું છે કે થોડો વધારો થયો હોવા છતાં છૂટક ફુગાવો સતત બીજા મહિને નિયંત્રણમાં રહ્યો હતો. જોકે, શાકભાજીના ભાવમાં વધારાને કારણે ખાદ્યપદાર્થોના મોંઘવારી દરમાં થોડો વધારો થયો હતો.
- Advertisement -
નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઑફિસના જણાવ્યા અનુસાર, ખાદ્ય ચીજોનો ફુગાવાનો દર ઓગસ્ટ મહિનામાં નજીવો વધીને 5.66 ટકા થયો હતો, જે જુલાઈમાં 5.42 ટકા હતો. ઓગસ્ટમાં શાકભાજીના મોંઘવારી દરમાં વધારો થયો હતો, જે વધીને 10.71 ટકા થયો હતો. જુલાઈમાં તે 6.83 ટકા હતો. ત્યારે કઠોળના મોંઘવારી દરમાં ઘટાડો થયો હતો, જે માસિક ધોરણે 14.77 ટકાથી ઘટીને 13.60 ટકા થયો હતો.
ગ્રામીણ-શહેરી વિસ્તારોમાં પણ મોંઘવારી વધી:
ગ્રામીણ મોંઘવારી દરમાં પણ વધારો જોવા મળ્યો છે. ગ્રામ્ય ફુગાવાનો દર ઓગસ્ટમાં 4.16 ટકા પર પહોંચ્યો હતો જે જુલાઈમાં 4.10 ટકા હતો. તેવી જ રીતે શહેરી ફુગાવો વધીને 3.12 ટકા થયો છે, જે જુલાઈ મહિનામાં 2.98 ટકા હતો.
- Advertisement -
સતત બીજા મહિને મોંઘવારી નિયંત્રણમાં
સરકારે RBIને રિટેલ ફુગાવાનો દર બે ટકાના તફાવત સાથે ચાર ટકા પર રાખવાની જવાબદારી સોંપી છે. આ સતત બીજો મહિનો છે, જ્યારે ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત છૂટક ફુગાવો ચાર ટકાથી નીચે રહ્યો છે. પાંચ વર્ષના લાંબા અંતર બાદ જુલાઈમાં તે ચાર ટકાથી નીચે પહોંચી ગયો હતો. અર્થશાસ્ત્રીઓએ ઓગસ્ટમાં છૂટક ફુગાવો 3.5% રહેવાનો અંદાજ મૂક્યો હતો.
રેપો રેટમાં ઘટાડો થવાની અપેક્ષાઓ વધી
નિષ્ણાતોનું કહેવું છે કે, ઓગસ્ટમાં રિટેલ ફુગાવાનો આંકડો અપેક્ષા મુજબ ચાર ટકાથી નીચે રહ્યો છે. RBI રેપો રેટ નક્કી કરતી વખતે રિટેલ ફુગાવાને પણ ધ્યાનમાં લે છે. આ RBI દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકથી ઓછંય છે. આવી સ્થિતિમાં, રિઝર્વ બેંક ડિસેમ્બરમાં યોજાનારી નાણાકીય સમીક્ષા સમિતિની બેઠકમાં મુખ્ય વ્યાજ દર (રેપો રેટ) ઘટાડવાનો નિર્ણય લઈ શકે છે.
ભારતે ફુગાવાને વધુ સારી રીતે સંચાલિત કર્યું: એસબીઆઈ
એસબીઆઈના સંશોધન અહેવાલ મુજબ, ભારતે યુએસ, જર્મની અને ફ્રાન્સ જેવી અર્થવ્યવસ્થાઓની તુલનામાં ફુગાવાના લક્ષ્યને મોટાભાગે સફળતાપૂર્વક સંચાલિત કર્યું છે. જેના કારણે આરબીઆઈને મોંઘવારી પર અંકુશ મેળવવામાં સફળતા મળી છે. અહેવાલમાં સરકારની પહેલો, આરબીઆઈ અને બેંકોને શ્રેય આપવામાં આવે છે, જેણે બહેતર પોલિસી ટ્રાન્સમિશન અને ફુગાવાનું બહેતર સંચાલન સક્ષમ કર્યું છે.