SGVP-છારોડી ગુરુકુળનાં સ્વામી માધવપ્રિયદાસે પોતાનાં પુસ્તક ‘સદ્ગુરુ ગાથા (ભાગ-1)’માં આ કાલ્પનિક પ્રસંગ આલેખ્યો છે
સ્વામિનારાયણ સંપ્રદાયનાં લગભગ તમામ ફિરકાંઓ દ્વારા સનાતનીને અને દેવી-દેવતાઓ તથા સંતોને નીચાં દેખાડવા ઈરાદાપૂર્વક પ્રયાસ
- Advertisement -
સ્વામિનારાયણ સંપ્રદાયનાં એક જ્ઞાનપ્રકાશ સ્વામી નામનાં ભગવાધારીએ તાજેતરમાં જલારામ બાપા વિશે એલફેલ બકવાસ કર્યો હતો અને વીરપુરનું સદાવ્રત ગુણાતીતાનદ સ્વામીનાં આશીર્વાદથી અખંડ ચાલી રહ્યું હોવાનો વાહિયાત દાવો કર્યો હતો. ખૂબ વિવાદ થતાં અને જલારામ બાપાના ભક્તોનો આકરો મૂડ જોતાં અજ્ઞાનપ્રકાશે માફી માંગી લીધી હતી. પરંતુ હવે તેમનાં આ ગપ્પાંનું મૂળ જાણવા મળ્યું છે. સુધારાવાદી સંત ગણાતા માધવપ્રિયદાસજી (જૠટઙ ગુરુકુળ- છારોડી)એ જાતે જ લખેલાં પુસ્તક સદ્ગુરુ ગાથામાં જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામી વચ્ચેનો કપોળકલ્પિત પ્રસંગ વર્ણવ્યો છે. આમ તો માધવપ્રિયદાસજીએ પોતાની આ પુસ્તકમાળામાં અનેકાનેક હાસ્યાસ્પદ અને કાલ્પનિક પ્રસંગો લખ્યાં છે પરંતુ આજે આપણે એ જાણીએ કે સંતવર્ય જલારામ બાપા વિશે તેમણે શું લખ્યું છે. હવે પછીનું લખાણ તેમનાં પુસ્તકમાંથી લીધેલું છે…
રઘુવીરજી મહારાજને વિદાય આપી સ્વામી રાજકોટથી જૂનાગઢ પધાર્યા. રસ્તામાં વાવડી, ગુંદાસરા વગેરે ગામોમાં હરિભક્તોને સુખ દેતાં દેતાં સ્વામી ગોંડલમાં રાત રહ્યા. ગોંડલથી વહેલી સવારના નીકળી બપોર થતાં થતાં સ્વામી વીરપુર પહોંચ્યા. વીરપુરના પાદરમાં સ્વામીએ વિસામો લીધો. અહીં બપોરા કરવાની સ્વામીની ઈચ્છા હતી. સ્વામીની ઘોડીને પણ ચાર્ય નાખવાની જરૂર હતી.
બરાબર એ જ સમયે વીરપુરના પટેલ દેવાભાઈ લીલી ચાર્યનો ભારો લઈને નીકળ્યા. સ્વામીને જોયા એટલે દેવાભાઈએ ભારો નીચે મૂક્યો અને સ્વામીને દંડવત્ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘દેવાભાઈ, અમારે ઘોડીને ચાર્ય નાખવી છે, આ ઘાસની ભારી અમને આપશો?’
દેવાભાઈ બોલ્યા, ‘સ્વામી, આપ જેવા સંતની ઘોડી માટે આ ખડનો ભારો કામમાં આવતો હોય તો અમારો દાખડો લેખે લાગે.’
દેવાભાઈની વાત સાંભળી સ્વામી અત્યંત રાજી થયા. સ્વામીની કૃપાદૃષ્ટિ પડતાં દેવાભાઈનું કામ થઈ ગયું. સમય જતાં દેવાભાઈ સાધુ થયા હતા અને ઈશ્ર્વરચરણદાસજી નામ પડ્યું હતું.
બપોરનો સમય થવા આવ્યો હતો. સંતો-પાર્ષદો માટે રસોઈ કરવાની હતી. વીરપુરમાં જલા ભગતનું સદાવ્રત ચાલતું હતું. સ્વામીએ સંતોને સદાવ્રતમાં સીધુ-પાણી લેવા મોકલ્યા. ગુણાતીતાનંદ સ્વામી પધાર્યા છે એ સાંભળીને જલા ભગતને અત્યંત આનંદ થયો. જલા ભગતે તો સાધુ-સંતો માટે જ જાણે દેહ ધર્યો હતો.
જલા ભગતને સાધુ-સંતો જીવથી પણ વહાલા હતા. સાધુ-સંતોને માટે એમણે પોતાનું સર્વસ્વ કુરબાન કર્યું હતું.
જલા ભગતે સંતોને ઘઉંનો લોટ અને ઘી-ગોળ આપ્યા અને પોતે પણ સંતોની સાથે સીધા-સામગ્રીના ટોપલા લઈને સ્વામીના દર્શને આવ્યા. સ્વામીના દર્શન કરતાં જલા ભગતના અંતરમાં આનંદ થયો. સ્વામીએ પણ જલા ભગત તરફ કૃપાદૃષ્ટિ કરી.
જલા ભગતની ઈચ્છા હતી કે સંતો શીરો-પુરીની રસોઈ કરે અને જમે. પરંતુ સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, શીરો-પુરી અમને નહીં ફાવે, અમે તો દાળ અને બાટી બનાવીશું.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, જેમ આપ રાજી થાવ તેમ કરો. સાધુની રીતમાં અમને કંઈ ગતાગમ ન પડે.’
એક બાજુ સંતો ઠાકોરજીનો થાળ તેમજ રસોઈની તૈયારી કરવા લાગ્યા. બીજીબાજુ જલા ભગત સ્વામી પાસે બેસીને સત્સંગ કરવા લાગ્યા.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે ખૂબ ભાવથી સદાવ્રત ચલાવો છો અને અનેક સાધુ-સંતો, અભ્યાગતોના આશીર્વાદ મેળવો છો.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, હું તો સંતચરણનો દાસ છું. વીરપુરનું સદાવ્રત તો આપ જેવા મહાપુરુષોની કૃપાને લીધે ચાલે છે. એમાં મારું કાંઈ નથી.’
જલા ભગતના વિનય વચન સાંભળી સ્વામી ખૂબ રાજી થયા અને બોલ્યા, ‘જલા ભગત, જુઓને ભગવાનની આજ્ઞાથી આ ઈન્દ્ર રાજાએ પણ કેવડું મોટું સદાવ્રત માંડ્યું છે. ઈન્દ્ર વરસાદ વરસાવે છે, ધરતી હરિયાળી બને છે, ધન-ધાન્ય પાકે છે, કીડીને કણ અને હાથીને મણ મળી રહે છે, ઈન્દ્રના સદાવ્રત ઉપર આખી ધરતીના પ્રાણીઓ નભે છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, આપની વાત સાચી છે. મારા કરતાંય ઠાકોરજીનું સદાવ્રત બહુ મોટું છે, એના સદાવ્રત પાસે વીરપુરના સદાવ્રતની કોઈ વિસાત નથી.’
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, તમે જેમ ભોજનનું સદાવ્રત માંડ્યું છે, એમ અમે પણ મોક્ષનું સદાવ્રત માંડ્યું છે.’
જલા ભગતે કહ્યું, ‘સ્વામી, મારા ભોજનના સદાવ્રત કરતાંય તમારું મોક્ષનું સદાવ્રત મોટું કહેવાય. ભોજન તો શરીરને પોષણ કરે, જ્યારે મોક્ષના સદાવ્રતમાં તો જીવનું પોષણ થાય.’
જલા ભગતની સમજણ જોઈને સ્વામી ખૂબ રાજી થયા. જલા ભગતે સ્વામીને વીરપુરમાં પોતાના સદાવ્રતમાં પધરામણી કરવા વિનંતી કરી.
સ્વામીએ કહ્યું, ‘જલા ભગત, અમારે જેતપુર પહોંચવું છે એટલે ત્યાં તો નહીં આવી શકીએ પણ તમે ભૂખ્યાને ભોજન જમાડો છો, એ જાણીને અમે ખૂબ જ રાજી થઈએ છીએ. શાસ્ત્રમાં ‘અન્નદાનથી મોટું પુણ્ય થાય છે’ એમ કહ્યું છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમારા આ સદાવ્રતના કોઠારો ભગવાન અભરે ભરેલા રાખે.’
આમ જલા ભગતને આશીર્વાદ આપી સ્વામી જેતપુર પધાર્યા અને ત્યાંથી સાંકળી થઈને વડાલ પધાર્યા.
- Advertisement -
આ જ પુસ્તકમાં ‘વડાલનાં ડોશીને દેખતાં કર્યાં’નો પણ દાવો
વડાલમાં સ્વામીએ મંદિર કરાવ્યું હતું પણ સત્સંગ સાવ પાંખો હોવાથી મંદિર વાળે-ચોળે એવુંય કોઈ નહોતું.
એક ડોશીમાં મંદિરમાં ભાવથી સેવા કરતાં પણ વૃદ્ધાવસ્થાને લીધે એમની આંખોમાં ઝાંખપ આવી ગઈ હતી તેથી કાંઈ સૂઝતું નહોતું. પરિણામે મંદિરની સેવા થઈ શકતી નહોતી. સ્વામીએ એક હરિભક્તને કહ્યું, ‘તમે જઈને ડોશીને કહો, તેઓ મંદિરની સેવા પહેલાંની જેમ જ કરે. મહારાજ એમની આંખોમાં તેજ આપશે અને ડોશી જીવશે ત્યાં સુધી મોતી પરોવશે.’ સ્વામીના આશીર્વાદથી ડોશીની આંખોમાંથી ઓલવાઈ ગયેલો જ્યોતિ પાછો આવ્યો.
ડોશી તો ધન્ય ધન્ય થઈ ગયા અને જીવ્યા ત્યાં સુધી મંદિરની સેવા કરી.
આ રીતે વિચરણ કરતાં કરતાં હરિભક્તોને સુખ આપતાં આપતાં સ્વામી જૂનાગઢ પધાર્યા.