વિસાવદરને કૃષિ પેકેજમાં અન્યાય થતા ખેડૂતોમાં રોષ
મામલતદાર હસ્તક સરકારને ચેક અર્પણ કરીને આવેદન અપાયું
- Advertisement -
વિસાવદર પંથકને કૃષિ પેકેજમાંથી બાકાત કરી નાખતા ખેડૂતોમાં રોષ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.28
સરકાર દ્વારા ખેડૂતો માટે બે માસ કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્રમાં જયા સૌથી વધુ વરસાદ પડયો છે તેવા વિસાવદરને આ પેકેજમાંથી બાકાત કરી નાખવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ સાથે નારાજગી છે. વિસાવદર પંથકના ખેડૂતો સરકારે 11-11 રૂપિયાના ચેક આપી અનોખો વિરોધ કર્યો હતો. વિસાવદર સરદાર ચોકથી રેલી સ્વરૂપે મામલતદાર કચેરીએ પહોંચી ચેક આપી સરકારની તીજોરી ભરવાનો ખેડૂતો દ્વારા કાર્યક્રમ યોજાયો હતો. વિસાવદર શહેરમાં સરકારી ચોપડે 100 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ગ્રામ્ય વિસ્તારમાં 100 ઇંચથી પણ વધુ વરસાદ પડયો છે. ઓકટોબર માસમાં ખેતીપાક તૈયાર થઇ રહ્યો હતો ત્યારે જ અનારાધાર વરસાદે ખેડૂતોને ખોટુ નુકશાન કર્યુ છે. રાજય સરકાર દ્વારા જુલાઇ માસમૌ તા.24 ઓકટોબરે એમ બે કૃષિ પેકેજ ખેડૂતો માટે જાહેર કર્યા છે. આ બંને કૃષિ પેકેજમાં ખેડૂતોને સરકાર દ્વારા સહાય ચુકવવાની જોગવાઇ કરવામાં આવી છે. સરકારી અધિકારીઓના મતે 33 ટકાથી વધુ નુકસાન થયુ હોય તેવા ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. ખેતીવાડી અધિકારીઓને વિસાવદર પંથકમાં 33 ટકાથી વધુ નુકશાની દેખાતી નથી. જેના લીધે વિસાવદર પંથકને બંને કૃષિ પેકેજમાંથી બાકાત કરી નાખવામાં આવ્યો છે. આજે વિસાવદર પંથકના ખેડૂતો સરદાર ચોર ખાતે એકઠા થઇ રેલી કાઢી હતી અને મામલતોદાર કચેરીએ પહોંચી મામલતદરને 11-11 રૂપિયાના ચેક આપવામાં આવ્યા હતા.
ખેડૂતોએ રોષભેર જણાવ્યુ હતુ કે, ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા નાણા છે પરંતુ વિસાવદરના નુકશાનગ્રસ્ત ખેડૂતોને ચુકવવા માટે રકમ નથી. ખેડૂતો સામાન્ય સ્થિતિમાંથી આવતા હોવાથી મોટી સહાય સરકારને ન કરી શકે જેના લીધે સામાન્ય એવી માત્ર 11-11 રૂપિયાની સહાય કરી સરકારની તિજોરી છલકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ખેડૂતોએ વધુમાં જણાવ્યુ હતુ કે, વિસાવદર પંથકના ધારાસભ્ય વિહોણો હોવાથી અવાર-નવાર સરકાર આવી રીતે ખેડૂતોને અન્યાય કરે છે એક તરફ ઇકો ઝોનના ત્રાસમાંથી ખેડૂતો મુક્ત થયા નથી ત્યાં વધુ એક ડામ દેતા ખેડૂતો નારાજ થયા છે. વિસાવદર તાલુકામાં ઓકટોબર માસ દરમિયાન જે વરસાદ આવેલ છે તે વરસાદ દ્વારા ખેડૂતોનો પાક નેસ્ત નાબૂદ તેમજ સંપૂર્ણ પણે નાશ પામેલ છે અને સરકારશ્રી દ્વારા અતિવૃષ્ટિ કૃષિ રાહત પેકેજમાં વિસાવદર તાલુકાનો સમાવેશ ન કરતા વિસાવદર તાલુકાના ઘણા ગામોના ખેડૂતોની સાથે અન્યાય થયેલ છે જેથી વિસાવદર તાલુકાના ઘણા ખેડૂતો દ્વારા સરકારશ્રીને 11/- રૂપિયાના ચેક આપીને સરકારશ્રીને સહાય પુરી પાડવા તેમજ સરકારશ્રીને ઘ્યાન દોરવા માટે આપમારફત આ તમામખેડૂતોના ચેક તેમજ વિસાવદર શહેરના વેપારીઓ દ્વારા એકઠુ થયેલ ફૂડઆપને આપીએ છીએ તેમજ તાત્કાલીક ધોરણે વિસાવદર તાલુકાનો અતિવૃષ્ટિ કૃષિ રાહત ઓકટોબર માસ પેકેજ માં સમાવેશ કરવામાં આવે તેવી અમારી નમ્ર અરજ છે. ખેડૂતોને પાકના રાહત પેકેજમાં વિસાવદરને સમાવિષ્ઠ કરવાની માંગ સાથે વિસાવદર આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા, હરેશભાઈ સાવલિયા, અતુલભાઇ બોરડ, મીરાટભાઈ ગજેરા, રતિલાલભાઈ માંગરોળીયા, વિપુલભાઈ પોકિયા, હરદેવભાઈ વિકમાં, પરસોતમભાઈ વસાણી સહીત ખેડૂતો ઉપસ્થિત રહીને રાહત પેકેજમાં થયેલ અન્યાયનો વિરોધ પ્રદર્શિત કરીને માલમતદાર કચેરી ખાતે મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને સંબોધીને ચેક અર્પણ કર્યા હતા.