ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાના હસ્તે કેશોદ તાલુકાના બાલાગામ ખાતેથી વિવિધ પ્રજાલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ કેશોદ અને માણાવદર તાલુકાના ઘેડ વિસ્તારની પસાર થતી નદીઓ અને કેનાલનું રૂ. 690 લાખના ખર્ચે સાફ સફાઈ અને ડીસલ્ટિંગની કામગીરીનો પ્રારંભ કરાવ્યો હતો. ઉપરાંત કેશોદ તાલુકાના સુખ સુખાકારીમાં વધારો કરતા 96.75 લાખના 32 વિકાસ કામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. આ સાથે કેન્દ્રીય મંત્રીએ બાલાગામ બામણાસા આખા ગામે રૂ. 11 કરોડના ખર્ચે થનાર સીસી રોડ અને પ્રોટેક્શન વોલ અને રૂ. 3.40 કરોડના ખર્ચે થનાર દેશીંગા કટવાણા ચિખલોદ્રા રસ્તાનું વાઈડનીંગ સીસી રોડ સહિતની કામગીરીને સૈદ્ધાંતિક મંજૂરી મળી હોવાની પણ જાહેરાત કરી હતી. આ વિકાસલક્ષી પ્રકલ્પોની લોકાર્પણ ખાતમુહૂર્ત સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સેવા સેતુ, મેડિકલ તથા રક્તદાન કેમ્પના કાર્યક્રમ યોજાયા હતા.આ પ્રસંગે કેન્દ્ર રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું પણ પ્રતિકાત્મકરૂપે વિતરણ કરાયું.