રશિયાને સૈન્ય પાછુ ખેચવા માંગ પર 142 દેશોનો હકારાત્મક મત: રશિયાએ પ્રસ્તાવ ફગાવ્યો

યુક્રેન પર રશિયાના આક્રમણની પ્રથમ વર્ષગાંઠે એજ ફરી સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યુક્રેન પર ચઢાઈના વિરોધમાં રશિયા વિરુદ્ધ પ્રસ્તાવ પસાર કરી રશિયાને તાત્કાલીક તેનું સૈન્ય યુક્રેનમાંથી પરત ખેચી લેવા જણાવ્યું હતું પરંતુ આ પ્રસ્તાવમાં ભારત તથા ચીન સહિત 32 દેશોએ મતદાનમાં ભાગ લીધો ન હતો.

સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભામાં આ પ્રસ્તાવની તરફેણમાં 141 અને વિરુદ્ધમાં 7 મતો પડયા હતા. 193 દેશોની મહાસભામાં યુક્રેન અને તેના સમર્થક અમેરિકા સહિતના દેશોએ આ પ્રસ્તાવ રજૂ કરીને યુક્રેનમાં શાંતિ જાળવવા માટે રશિયાનું સૈન્ય તાત્કાલીક પરત જાય તેવી પણ માંગણી કરવામાં આવી હતી તથા યુક્રેનની અખંડીતા અને સાર્વભૌમત્વનું સન્માન કરવા માટે અનુરોધ કરવામાં તથા બન્ને દેશો આંતરરાષ્ટ્રીય માન્ય સરહદ પર તેમના દળો મારફત અને ડિપ્લોમેટીક ચેનલ મારફત વાટાઘાટ કરે તે પણ જણાવ્યું હતું.

રશિયાએ આ પ્રસ્તાવનો વિરોધ કરીને યુક્રેનને ‘નીઓ-નાઝી’ એટલે જર્મનીના હિટલર સમયના સંગઠન જેવું ગણાવ્યું હતું અને રાષ્ટ્રસંઘમાં બહુમતીથી આ પ્રસ્તાવ પસાર થયો હોવા છતા તેને ફગાવી દીધો હતો. ભારતે અગાઉ પણ રશિયા વિરુદ્ધના યુક્રેન સંદર્ભના પ્રસ્તાવમાં મતદાનમાં ભાગ લીધો ન હતો. સાથોસાથ તમામ પ્રશ્ર્નો શાંતિ અને ડિપ્લોમેટીક વાતચીતથી ઉકેલવા પર ભાર મુકયો હતો.