નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉવા દિલ્હીથી વર્ચ્યુઅલી લીલીઝંડી આપશે
ભારત અને નેપાળ વચ્ચે રેલ સેવા 2 એપ્રિલથી શરૂ થશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉવા દિલ્હીથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા નવી રૂપાંતરિત જયનગર-જનકપુર/કુર્થા રેલ લાઇન પર પેસેન્જર રેલ સેવાનું સંચાલન લીલીઝંડી બતાવી ફરી શરૂ કરાવશે.
સમસ્તીપુર રેલ્વે વિભાગના જયનગરથી રેલ્વે લાઇન નેપાળ સાથે જોડવામાં આવી છે. લગભગ રૂ.619 કરોડના ખર્ચે ભારત-નેપાળ ફ્રન્ડશિપ રેલ પ્રોજેક્ટ હેઠળ પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.નરેન્દ્ર મોદી અને શેર બહાદુર દેઉવા નવી ગેજ રૂપાંતરિત જયનગર-જનકપુર-કુર્થા રેલ લાઇન પર ટ્રેનો શરૂ કરાવશે. બે સ્ટેશનો વચ્ચેના 34.50 કિમી લાંબા સેક્શન પર 110 કિમી પ્રતિ કલાકની ઝડપે લોકોમોટિવ એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયનગર-જનકપુર વચ્ચેની ટ્રેનોનું સંચાલન 2014થી બંધ છે.
- Advertisement -
નેપાળ ભલે તાજેતરના વર્ષોમાં ચીન તરફ ઝુક્યું હોય અને ચીને ત્યાં ઘણા પ્રોજેક્ટ્સ પણ શરૂ કર્યા હોય, પરંતુ ભારત વર્ષોથી ત્યાં આ કામ કરી રહ્યું છે. હકીકતમાં, ભારત અને નેપાળ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોનો પાયો તેના વિકાસમાં સહકાર પર ટકેલો છે. આ અંતર્ગત રોડ, રેલ, આરોગ્ય, શિક્ષણ, વીજળી વગેરે જેવા અનેક ક્ષેત્રોને આવરી લેવાયા છે. નેપાળના વિકાસની સાથે, તેનો ઉદ્દેશ્ય બંને દેશો વચ્ચે લોકો વચ્ચેનો સંપર્ક વધારવાનો પણ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું કે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબાની શુક્રવારથી શરૂ થઈ રહેલી ભારત મુલાકાત આ વિકાસ ભાગીદારને વધુ પ્રોત્સાહન આપશે. આ વખતે પણ બંને દેશો વચ્ચે નવા પ્રોજેક્ટને લઈને વાતચીત થશે. 2 એપ્રિલે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. ઉલ્લેખનીય છે કે ભારતે નેપાળમાં સહાય મિશનની સ્થાપના કરી હતી. 1954માં પ્રથમ વખત, ભારતે નેપાળમાં રસ્તાઓ, આરોગ્ય, શિક્ષણ, વીજળી અને વહીવટમાં સહાય પૂરી પાડવા માટે સહાય મિશનની સ્થાપના કરી હતી.