અંધેરી નગરી ગંડુ રાજા…. ટકે શેર ભાજી, ટકે શેર ખાજા
પ્રથમ દિવસે ચાલુ રહ્યા બાદ 2 દિવસની રજા, કોઈને અગાઉ જાણ ન કરાતા સવારમાં જ લોકોને ધરમનો ધક્કો થયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
મહાનગર પાલિકાના વહીવટી તંત્રનો અણઘડ વહીવટ આજે સામે આવ્યો છે. રીનોવેશનને કારણે લાંબા સમયથી બંધ રહેલો રેસકોર્સ ખાતેનો સ્વિમિંગ પુલ આ અઠવાડિયામાં જ શરૂ થયો હતો. શુક્રવારે એક દિવસ લોકોએ ડૂબકી લગાવી પરંતુ બીજા દિવસે જ રજાના બોર્ડ ખડકી દેવાયા. નોટિસ બોર્ડમાં તા.3 અને 4 ના રોજ સ્વિમિંગ પુલ બંધ રહેવાનું લખવામાં આવ્યું છે. બંધ રહેવા પાછળનું જે કારણ હોય તે પરંતુ ચાલુ થયાને હજુ એક જ દિવસ થયો છે ત્યાં જ રજા ! આ સિવાય મહત્વની તો વાત એ છે કે અણઘડ વહીવટ કરતા તંત્રએ આ બાબતની અગાવ કોઈ સભ્યોને જાણ પણ કરી નહોતી. આ ટેક્નોલોજીના જમાનામાં ફોન, ટેક્સ્ટ મેસેજ અથવા વ્હોટ્સએપ મેસેજ કરી જ શકાય છે. પણ તંત્રના કર્મચારીઓ પાસે આવો સમય પણ નથી. સોશિયલ મીડીયા, ન્યુઝ પેપરમાં પ્રેસનોટ આપી પુલ શરૂ થયાની જાહેરાતો કરાઇ છે પણ બંધ રહેવા માટે અગાઉથી ખબર હોવા છતાં કોઇ જાણકારી લોકોને આપવામાં આવતી નથી.
પુલ બંધ રહેવાનું છે તેની કોઇ દિવસ અગાઉથી જાણ કરાતી નથી
તંત્રના અણઘડ વહીવટ અને બિનજવાબદારી ભર્યા કાર્યને લઈને સવાર-સવારમાં જ અહીં સ્વિમિંગ પુલ ખાતે ઘણા બધા સભ્યો આવી પહોંચ્યા હતા. પણ પછી શું ! સૌએ એ કાળું નોટિસ બોર્ડ વાંચ્યું અને નિરાશાજનક માહિતી મેળવી. આ સમયે ઉપસ્થિત અજયભાઇ, મુકેશભાઈ, નિશાંતભાઈ, રાજુભાઈ, ક્રિપાલસિંહ, મનોજભાઈ, સોનલબેન, નિરાલીબેન, સપનાબેન સહિતના અનેક લોકોએ તંત્ર સમક્ષ રોષ ઠાલવ્યો હતો. લોકોનું કહેવું હતું કે હજુ તો માંડ એક દિવસ થયો છે કે સ્વિમિંગમાં આવ્યા ત્યાં તો 2 દિવસની રજા રાખી દેવાઈ ! ચાલો જે કારણ હોય તે પણ કમસેકમ અમને જાણ તો કરવી જોઈએ. જેથી અમારે અહીં ધક્કો ન થાય. બાળકોને વેકેશન હોવાથી સ્વિમિંગ પુલ શિખવવા માટે વહેલી સવારથી જગાડ્યા બાદ અહીં આવતા નોટિસ બોર્ડ પર બંધ હોવાની જાણ થતાં બાળકો પણ નિરાશ થયા હતાં.
- Advertisement -
ઓફિસમાં જવાબ દેવાવાળું કોઇ નહીં !
લોકો જયારે સવારમાં આવે છે ત્યારે નોટિસ રૂપે લાગેલું કાળું બોર્ડ જોવે છે. ત્યાંજ લોકો નિરાશ થઇ જાય છે. પરંતુ આવું અચાનક કેમ કરવામાં આવ્યું તે કારણ ઉપસ્થિત તમામ જાણવા માંગતા હતા. પરંતુ લોકો પૂછે કોને ? લોકોના મનમાં અનેક પ્રશ્ર્નો હતા પરંતુ તેના જવાબો મળી શકે તેમ નોહતા. અહીં રજાની જાણ અગાઉ ન કરાઈ હોવાથી સવાર-સવારમાં ધક્કો થતા લોકો ભારે અકળાયા હતા અને રજાનું કારણ જાણવા માંગતા હતા.



