રાત્રિનો ત્રીજો પ્રહર ચાલી રહ્યો છે. હું મારા બંગલાની અટ્ટાલિકામાં બેસીને આકાશમાંથી વરસતા લાખ-લાખ તારાઓનાં શીળાં તેજને માણી રહ્યો છું. ગુજરાતી ગીત ’આજ અંધાર ખુશબો ભર્યો લાગતો…’ મારા મનપ્રદેશમાં તાદૃશ્ય થઈ રહ્યું છે. એવું લાગે છે કે સમગ્ર સૃષ્ટિ એક લય અને સૂરમાં સંગીત વહાવી રહી હોય! અનંતપણે વિસ્તરેલા બ્રહ્માંડથી મને રાગ શંકરા, અડાણા અને કેદારના સૂરો સંભળાઈ રહ્યા છે.
બ્રહ્માંડના સર્જન એવા પરમ તત્ત્વને જો અનુભવવું હોય તો રાત્રે અઢીથી ચાર વાગ્યા સુધીનો સમય શ્રેષ્ઠ છે. આ સમય ગૂઢ છે અને અનેક પ્રકારની રહસ્યમયતાથી ભરેલો છે. સિદ્ધ પુરુષો આ સમયને ધ્યાન માટેનો ઉત્તમ સમય ગણે છે. કેટલાક શ્રદ્ધાળુઓ એવું માને છે કે આ સમયે આકાશમાંથી ઈશ્વરના આશીર્વાદ પૃથ્વી પર ઊતરે છે.
હું વિચારું છું કે અડધા કરોડથી વધારે વસ્તી ધરાવતા અમદાવાદ શહેરમાં આ સમયે મારા ઉપરાંત કોણ કોણ જાગતું હશે? મહેનતુ વિદ્યાર્થીઓ જાગી રહ્યા હશે અને વાંચી રહ્યા હશે. નાઇટ શિફ્ટમાં કામ કરતા કર્મચારીઓ અને ચોકીદારો પણ જાગતા હશે. કદાચ રોગીઓ નિદ્રા માટે તરફડતા હશે. ભોગીઓ ભોગ માણી રહ્યા હશે. દરેકને જાગવા માટેનું પોતાનું આગવું કારણ હશે.
- Advertisement -
ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહી ગયા છે: ્રૂળ રુણયળ લમૃધુટળણર્ળૈ ટશ્ર્ન્રૂર્ળૈ ઘળઉંરુટૃ ર્લ્રૈૂપિ। હું તો શ્રીકૃષ્ણની વાત જ માનીશ. રાત્રિનો આ પ્રહર સંયમીઓ માટે છે, તપસ્વીઓ માટે છે, યોગીઓ માટે છે અને સાધકો માટે છે.
આ સમયે સચરાચરમાં વ્યાપેલાં અંધકાર, મૌન અને તારાઓના મંદ મંદ પ્રકાશમાં ક્યાંક અગોચરમાંથી જો તમને બંસરીનો સૂર સંભળાઈ જાય, તો સમજી લેજો કે તમને ઈશ્વર દર્શન થઈ ગયું. રાત્રિના ત્રીજા પ્રહરનું આ નિતાંત એકાંત અને નિ:સીમ આકાશ આપણને ભીતરમાં ડોકિયું કરવાની સવલત પૂરી પાડે છે.