રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં સપ્તરંગી સાંજ કાર્યક્રમ યોજાયો
અંદર ઘૂસવા લોકોએ ધક્કામુકી કરી, ભાજપના આગેવાનને પણ અંદર જવામાં મુશ્કેલી પડી
- Advertisement -
વ્યવસ્થામાં રહેલી ઉણપના લીધે અફડાતફડી મચી, અંદાજે 20 હજાર લોકો ઉમટ્યા
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેસકોર્સ મેદાનમાં સપ્તરંગી સાંજ કાર્યક્રમનું આયોજન કર્યું હતું, ઇન્ડિયન આઇડોલના યુવા ગાયકોને સાંભળવા માટે રાજકોટિયન્સ ઊમટી પડ્યા હતા. મહાનગરપાલિકાએ ગોઠવેલી તમામ ખુરશીઓ પેક થઇ ગઇ હતી અને સમિયાણો પણ ફુલ થઇ ગયો હતો. અંદર ઘૂસવા માટે લોકોમાં ઝપાઝપી થઈ હતી. વીવીઆઈપી ગેટ પરથી ઘૂસવા માટે લોકોએ તડાપીટ બોલાવી હતી. લોકોએ અંદર જવા માટે ધક્કામુકી કરી હતી. જેને લઈને ગેટ પર ઉભેલા પોલીસ કર્મચારીઓ દ્વારા રખાયેલી વ્યવસ્થા પણ ટૂંકી પડી હતી. જેને લઈને ભાજપના આગેવાન જયમીન ઠાકરને પણ અંદર આવવામાં મુશ્કેલી સર્જાઈ હતી.
- Advertisement -
ગેટ પર પ્રવેશ ન મળતા ભાજપના કેટલાક કાર્યકરો અને લોકો પણ નિરાશ થયા હતા. કેટલીક મહિલાઓએ ત્યાં ઉપસ્થિત કોર્પોરેટર સમક્ષ રોષ ઠાલવીને વ્યવસ્થા કરવા કહ્યું હતું. રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર ધીમંતકુમાર વ્યાસ તેમના પત્ની સાથે આવ્યા હતા તેઓ પણ ગેટથી અંદર જઇ શક્યા નહોતા બેરિકેડ કૂદીને તેમણે અંદર જવું પડ્યું હતું, અંદર બેઠેલા કેટલાક લોકોએ ખુરશીઓ ઉલાળી હતી. ગાયક કલાકારોએ લોકોને ઝુમાવ્યા હતા તો તંત્રએ અવ્યવસ્થા કરીને લોકોને ઉલાળ્યા હોય તેવો ઘાટ સર્જાયો હતો. સ્ટેજ પાસે બેસવા માટે ત્રણ યુવાનોએ માથાકૂટ કરતા પોલીસ વચ્ચે પડી હતી.
પ્રેસ મીડિયાની બેઠક બોક્સમાં અવ્યવસ્થા સર્જાતા મેયરે પત્રકારોને જગ્યા કરી આપી
મ્યુઝિકલ નાઈટ્સમાં ઈન્ડિયન આઈડોલના કલાકારોને સાંભળવા માટે લોકોએ દોડધામ કરી હતી. સમિયાણામાં સાઈડમાં પ્રેસ મીડિયાના પત્રકારો માટે રાખેલી જગ્યામાં પણ લોકો પાછળથી આવીને ગોઠવાઈ ગયા હતા. જેને લઈને પ્રિન્ટ તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોને ઉભુ રહેવું પડ્યું હતું. જેની જાણ થતા મેયર પ્રદિપ ડવે મીડિયાની જગ્યા ખાલી કરાવીને પત્રકારોને ત્યાં બેસાડ્યા હતા.



