ખાસ-ખબર સંવાદદાતા
2023ના વર્ષનો અંતિમ મહિનો ચાલી રહયો છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર સુપ્રિમ કોર્ટે વર્તમાન વર્ષમાં ( 1 જાન્યુ થી 15 ડિસે સુધી) 52191 કેસોનો નિકાલ કર્યો છે. 2022માં 39800 કેસોનો ચુકાદો આપી શકાયો હતો તેના કરતા 12391 વધારે છે. જેમાં નિયમિત કહી શકાય તેવા 6549 અને 45642 અન્ય પ્રકારના હતા. ઇન્ટીગ્રેટેડ કેસ મેનેજમેન્ટ સિસ્ટમના જણાવ્યા અનુસાર આ વર્ષે દાખલ થયેલા કેસોની સંખ્યા 49191 છે. આ સિસ્ટમની શરુઆત 2017માં શરુ કરવામાં આવી હતી. ત્યાર પછી 2018માં 37470 અને 2019માં 41100 કેસો નિપટાવવામાં આવ્યા છે. સુપ્રિમકોર્ટ સહિત દેશની વિવિધ અદાલતોમાં દાખલ કેસોની લાંબી યાદી ભારતની ન્યાય વ્યવસ્થા માટે ચિંતાનો વિષય રહયા છે. કોવિડ-19 મહામારી દરમિયાન કેસોની સુનાવણીમાં ખૂબજ ઘટાડો થયો હતો. 2020માં માત્ર 20670 અને 24586 કેસોનો નિકાલ થયો હતો. 2022માં થોડીક પ્રગતિ થઇ હતી પરંતુ 2023માં ભારે ગતિ આવી છે. નિષ્ણાતોનું માનવું છે કે સુનાવણીની તારીખ મળવાનો ગાળો હતો તેને ટૂંકો કરવામાં આવ્યો હતો. જે ગાળો માની લો કે 10 દિવસ હોયતો તે 5 થી 7 દિવસનો લાવવામાં આવ્યો હતો. જો કે દેશની તમામ અદાલતોની જેમ સુપ્રિમકોર્ટની સમક્ષ પણ મોટો પડકાર છે. કેન્દ્રીય કાનુુન મંત્રાલય દ્વારા લોકસભામાં આપવામાં આવેલા આંકડા મુજબ સુપ્રિમકોર્ટમાં હજુ પણ 79774 કેસો પેન્ડિંગ છે. 2014 થી 2022ની વચ્ચે પેન્ડિંગ કેસોની સંખ્યા વધીને 11.13 થઇ છે. જેમાં 14840 કેસ છેલ્લા 5 થી માંડીને 10 વર્ષથી પેન્ડિંગ પડયા છે. 4735 કેસ 10 થી 20 વર્ષથી ચાલે છે.સુપ્રિમ ઉપરાંત તમામ હાઇકોર્ટ ડિસ્ટ્રિકટ કોર્ટ અને સબ ઓર્ડિનેટ કોર્ટમાં પણ મોટી સંખ્યામાં કેસ પેન્ડિંગ પડયા છે. ડિસેમ્બર 2022ની માહિતી મુજબ દેશની ઉચ્ચ અદાલતોમાં 60 લાખથી વધુ કેસ પેન્ડિંગ પડયા છે.