વંથલીના શાપુર વાડલાને જોડતા પુલનું કામ બે વર્ષથી ટલ્લે
પુલના કોલમ ઉભા કરી કોન્ટ્રાકટરો જતા રહ્યા
કામચલાઉ કોઝવે પણ ધોવાઈ જવાથી જોખમી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.5
જૂનાગઢ શહેર સહીત જિલ્લામાં જે રીતે કામગીરી જોવા મળી રહી છે તેમાં લોકોને સંતોષ થાય તેવું જોવા મળતું નથી ક્યાંક મોટા ઉપાડે કામગીરી શરુ કરવામાં આવે છે અને પછી કંઈક ના કંઈક બહાને અધૂરું કામ રહેવાને લીધે લોકોને સમસ્યાનો સામનો કરવો પડે છે. એવુજ કંઈક રસ્તાઓ બને છે પણ ચોમાસાની સીઝનમાં થોડા સમય પેહલા બનેલા રસ્તાઓનું ધોવાણ થઇ જાય છે.એવુજ કંઈક વંથલી તાલુકાના શાપુર થી વાડલાને જોડાતો કાળવા નદીનો પુલની કામગીરી તો શરુ કરવામાં આવી પણ અને પુલના કોલમ ઉભા થયા પછી કામગીરી ટલ્લે ચડી અને છેલ્લા બે વર્ષથી પુલનો વિકાસ રૂંધાઇ ગયો છે. આ પુલના અધૂરા કામ માટે હવે ભાજપના જિલ્લા પંચાયત સદસ્ય મેદાનમાં આવ્યા છે અને સરકારી તંત્ર લેખિત પત્ર લખી પુલની ઝડપી કામગીરી શરુ માંગ કરી છે.
વંથલી તાલુકાના શાપુર થી વાડલા ગામ જૂના રાજમાર્ગ ને જોડતા કાળવા નદી પર પુલની કામગીરી છેલ્લા ઘણા સમયથી બંધ થતાં આ કામ સત્વરે શરૂ કરવા આ વિસ્તારના જી. પં. સદસ્ય મુકેશભાઈ કણસાગરા એ જિલ્લા વિકાસ અધિકારીને પત્ર પાઠવી યોગ્ય કરવા માંગણી કરવામાં આવી છે તેઓએ પત્રમાં જણાવ્યું છે કે શાપુર વાડલા ને જોડતા રસ્તા પર કાળવા નદી પર જિલ્લા પંચાયતની 15માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પુલ બનાવવાનું કામ મંજૂર થતાં કામગીરી શરૂ કરવામાં આવેલ હતી.
પરંતુ ઘણો સમય વીતી ગયો હોવા છતાં કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જેને લઇ આપની કચેરીને અનેક વખત પત્ર લખી જાણ પણ કરી હતી ત્યાર બાદ થોડા સમય માટે કામગીરી શરૂ કરી નદી પર માત્ર કોલમ ઊભા કરી કોન્ટ્રાકટર કામ અધૂરું મૂકી જતા રહેતા તંત્ર દ્વારા ફરી રી ટેન્ડરનીંગ ની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પણ કામ શરૂ કરે તે પહેલા ચોમાસું બેસી જતા નદીમાં પાણીના વહેણને લીધે હવે કામગીરી શરૂ કરવામાં આવશે કે કેમ તેવી સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે તેમજ પુલની બાજુમાં બનાવવામાં આવેલ કામચલાઉ કોઝવે પણ ધોવાઇ ગયો છે જેને લઇ ખેડૂતો તેમજ લોકો ભારે મુશ્કેલી વેઠી જીવના જોખમે આ કોઝાવે પર પસાર થઈ રહ્યા છે આ કામ શરૂ થયું તેને બે વર્ષ થયું હોવા છતાં હજુ સુધી કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી જેને લઇ લોકોમાં ભારે રોષ ફેલાયો છે અને સરકારની વિકાસની વાતો માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે.
શ્રાવણ માસમાં ભયંકરનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોને મુશ્કેલી વેઠવી પડશે..
- Advertisement -
અહીં ભાવિકોના આસ્થા સમાન ભયંકરનાથ મહાદેવનું પૌરાણિક શિવ મંદિર આવેલ છે અહી જૂનાગઢ તેમજ આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિકો દર્શન માટે આવે છે ત્યારે થોડા સમય બાદ પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોય આગામી સમયમાં આ પૂલનુ કામ પૂર્ણ ન થતા અને કોઝવે ધોવાઈ જતા પાણીના પ્રવાહને લીધે ભાવિકો દર્શનથી વંચિત રહેશે જેને લઇ ભાવિકોમાં પણ તંત્ર સામે રોષ છવાયો છે.