બરફવર્ષાને કારણે જામ્યા બરફના થર: ભારે બરફવર્ષાને કારણે રસ્તા થયા બંધ
ખાસ-ખબર સંવાદદાતા
ભારત વિવિધતાઓથી ભરેલો દેશ છે, હવે હવામાનનું ઉદાહરણ લો. ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના મોટા ભાગના રાજ્યોમાં જ્યાં આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યાં પૂર્વોત્તર અને દરિયાકાંઠાના રાજ્યોમાં વરસાદ ચાલુ છે.
જમ્મુ-કાશ્મીર, લેહ-લદ્દાખ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. કુલ્લુ-મનાલી અને લાહૌલ-સ્પીતિમાં તાપમાન શૂન્યથી નીચે ગયું છે. રોહતાંગની અટલ ટનલ પાસે પણ બરફ પડી રહ્યો છે. મનાલી શહેર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. ગુરુવારે મનાલીનું મહત્તમ તાપમાન 6 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ 2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લાહૌલ સ્પીતિના કીલોંગમાં મહત્તમ તાપમાન -1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન -7 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. અહીં ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં હવામાને પલટો લીધો છે.
- Advertisement -
ચારધામ યાત્રા શરૂ થવા જઈ રહી છે, આ દરમિયાન હિમવર્ષા શરૂ થઈ ગઈ છે. ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ અને કેદારનાથમાં બરફ પડ્યો છે. જેના કારણે તાપમાનમાં ભારે ઘટાડો નોંધાયો છે અને યાત્રિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે 1 મે સુધી હવામાન આવું જ રહેવાની આગાહી કરી છે.