ખાસ-ખબરના માધ્યમથી શર્વ ફાઉન્ડેશને દત્તક લીધેલી સરકારી શાળાની જવાબદારી છોડી રહ્યાનું જણાવ્યું : શાળા નંબર 93માં કરેલાં ફેરફાર અને તોડફોડ પણ સરખા કરી આપવાની બાહેંધરી આપી

કૌભાંડીઓના સંગે સમાજના પ્રતિષ્ઠિત અને સજ્જન વ્યક્તિઓએ બદનામી વેઠવી પડી

ખાસ-ખબર સંવાદદાતા
એવું કહેવાય છે કે, સંગ એવો રંગ.. સજ્જન વ્યક્તિઓનો સંગ કરીએ તો સજ્જન વ્યક્તિઓ જેવા થઈએ અને દુર્જન વ્યક્તિઓનો સંગ કરીએ તો દુર્જન વ્યક્તિઓ જેવા થઈએ.. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના બે દુર્જનો અતુલ પંડિત અને કિરીટ પરમારનો સંગ કરી શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ તેમના જેવા દુર્જન તો ન બન્યા પરંતુ તેમને આ દુર્જનો સાથે જોડાઈ બદનામી વ્હોરવી પડી છે. રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે સમિતિના સભ્યોને અંધારામાં રાખી શર્વ ફાઉન્ડેશન સાથે સરકારી શાળા નંબર 93 દત્તક દેવાના એમઓયુ કરી નાખ્યા હતા. આ એમઓઓયુ જાણ સમિતિના સભ્યો કે આ સરકારી શાળાના આચાર્યને પણ નહતી. આ જ પ્રકારે શિક્ષણ સમિતિના અતુલ પંડિત અને કિરીટ પરમાર સાથે એમઓયુ કરવા બદલ શું પરિણામ આવશે તેની જાણ શર્વ ફાઉન્ડેશનના સભ્યોને પણ નહતી. માત્ર અતુલ પંડિત અને કિરીટ પરમાર જ જાણતા હતા કે તેઓ ક્યાં પ્રકારે આખું કૌભાંડ આચરી રહ્યા છે અને શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓમેં ફસાવી રહ્યા છે. હવે જ્યારે સરકારી શાળા દત્તક લીધા બાદ શર્વ ફાઉન્ડેશન દ્વારા તેની જવાબદારી છોડી દેવામાં આવી છે ત્યારે સ્પષ્ટ થાય છે કે, ચેરમેન અતુલ પંડિત અને શાસનાધિકારી કિરીટ પરમારે સમિતિમાં કૌભાંડો કર્યા જ છે. ખાસ-ખબરમાં અતુલ પંડિત અને કિરીટ પરમારે સરકારી શાળા નંબર 93 દત્તક દેવા અંગેના અહેવાલ બાદ શિક્ષણજગતમાં ઉહાપોહ મચી ગયો છે અને હવે શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ આજ રોજ ખાસ-ખબર કાર્યાલય પર આવીને ખાસ-ખબરના માધ્યમથી જણાવ્યું છે કે, શર્વ ફાઉન્ડેશન સરકારી શાળા નંબર 93 દત્તક લેવાના એમઓયુ રદ્દ કરી રહ્યું છે. આ સાથે જ શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ ખાસ-ખબરના માધ્યમથી બાંહેધરી આપી છે કે, સરકારી શાળા નંબર 93માં કરેલા ફેરફાર અને તોડફોડ પણ સરખા કરી આપવામાં આવશે. શર્વ ફાઉન્ડેશન તરફથી સરકારી શાળા નંબર 93 સાથેનો એમઓયુ રદ્દ કરવામાં આવે છે તેમજ થોડા દિવસમાં શાળામાં થયેલા ફેરફાર અને તોડફોડ સરખા કર્યા બાદ તમામ જવાબદારીમાંથી શર્વ ફાઉન્ડેશન હટી જશે એવું શર્વ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓએ ખાસ-ખબરના માધ્યમથી સૌને જણાવ્યું છે.

શિક્ષણ સમિતિનાં ત્રણ દૂષણોએ સરકારી શાળાઓની પાળ પીટી નાખી
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન અતુલ પંડિત, શાસનાધિકારી કિરીટ પરમાર અને શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાના કૌભાંડો અને કારનામાઓ દરેક મીડિયાની ખાસ ખબર બની ચૂક્યા છે. શિક્ષણ સમિતિના આ ત્રણ દૂષણોએ સરકારી શાળાઓની પાળ પીટી નાખી છે. આ લોકોને કારણે જ આખી રાજકોટ શિક્ષણ સમિતિ, તેના સભ્યો, શાળાના આચાર્યો, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને હેરાન-પરેશાન થવું પડ્યું છે. સરકારી શાળાના શિક્ષણનું સ્તર ખાડે ગયું છે. પહેલીવાર વિદ્યાર્થીઓ અને વાલીઓ રસ્તા પર ઉતાર્યા છે. રાજકોટ શિક્ષણ સમિતિમાં કોઈની જાણ બહાર ઠરાવો કરનાર ચેરમેન અતુલ પંડિત, સરકારી ગ્રાન્ટ ફાળવી દેનાર શાસનાધિકારી કિરીટ પરમાર અને કૌભાંડોને આખરી અંજામ આપનાર શિક્ષક સંઘના પ્રમુખ દિનેશ સદાદિયાને કડકમાં કડક સજા મળવી જોઈએ એવી માંગ ચોરતફથી ઊઠી છે.

શર્વ ફાઉન્ડેશનને દત્તક દીધેલી સરકારી શાળા નં.93નાં વિવાદનો અંત?
રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની વિનોબા ભાવે શાળા અથવા તો શાળા નં. 93ને રાજકોટની સંસ્થા ‘શર્વ ફાઉન્ડેશન’ દ્વારા દત્તક લેવાઈ હતી. આ શાળા અંગે ઘણાં વિવાદ થયા બાદ શર્વ ફાઉન્ડેશને આજરોજ સમિતિને એમઓયુ રદ્દ કરવા એક પત્ર સોંપ્યો છે. આ સાથે તેમણે હાલ ચાલી રહેલાં વિકાસકાર્યો પૂર્ણ કરવાની પણ તેમણે બાંહેધરી આપી છે. ‘ખાસ-ખબર’નાં માધ્યમથી તેમણે આ શાળાનું એમઓયુ રદ્દ કરવા લાગતા વળગતાં લોકોને અપીલ કરી છે. આમ આ વિવાદ પર પર્દો પડી ગયો હોય તેવું લાગે છે.