‘ખાસ-ખબર’નાં અહેવાલ બાદ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનનાં ટ્રસ્ટીઓએ કર્યો ખુલાસો

રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનનાં પ્રમુખ હરેશ ડોબરિયાએ ‘ખાસ-ખબર’ કાર્યાલયે આવી સમગ્ર હકીકતો જણાવી

રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયાની લગ્ન સહાય યોજના વિશે ખાસ-ખબરમાં પ્રસિદ્ધ અહેવાલ બાદ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયા અને તેના ટ્રસ્ટીઓએ ખાસ-ખબરનો સંપર્ક સાધ્યો હતો, રાજકોટ ખાસ-ખબર કાર્યાલય પર આવીને સમગ્ર હકિકત જણાવતા તેઓએ કહ્યું હતું કે, રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન એક રજીસ્ટર સંસ્થા છે, આ સંસ્થા દ્વારા લગ્ન સહાય યોજના ચલાવવા આવે છે. લગ્ન સહાય યોજનામાં સભ્ય બનવા માટે સભ્ય ફી પેટે 25 હજાર રૂપિયા ભરવા પડે છે, જે દાન ભેંટ સ્વરૂપે સ્વીકારવામાં આવે છે અને આ દાન ભેટ સ્વરૂપની રકમ ઓનલાઈન, ચેક દ્વારા કે રોકડ સ્વરૂપે ભરી શકાય છે. બદલામાં દાન ભેટ સ્વરૂપની રકમ ભરનારને એક પહોંચ પણ આપવામાં આવે છે. આ પહોંચમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ભરેલી રકમ 25 હજાર રૂપિયામાંથી 2500 રૂપિયા સંસ્થાને અનુદાન પેટે અને બાકીના 22500 રૂપિયા સંસ્થામાં લગ્ન સહાય માટે જોડાયેલ લાભાર્થીઓને લગ્નપ્રસંગે ચાંલ્લા પેટે આપવામાં આવે છે. આ સિવાય તેમાં એ પણ ઉલ્લેખ છે કે, લગ્ન સહાય યોજનામાં જ્યારે લાભાર્થી લગ્ન સહાયનો લાભ મેળવે છે ત્યારે ગ્રુપ સંખ્યા જાળવવા લગ્ન સહાયનો લીગલ ચેક લઈને નીકળે છે ત્યારે તેમની જગ્યાએ એક લાભાર્થી આપવાનો હોય છે. આમ જે જે લાભાર્થી લાભ લઈને નીકળે છે તેમ તેમ તેમની જગ્યાએ એક લાભાર્થી આપવાનો હોય છે. આ યોજનાનો લાભ લેવા દરેક નવા લાભાર્થીએ એક તેમની જગ્યાએ નવો લાભાર્થી ફરજીયાત આપવાનો હોય છે. ઉપરાંત લગ્ન સહાય યોજનાના વળતરનો ચેક મળતા આશરે 12થી 18 મહિના જેટલો સમય લાગે છે. આ આખી પ્રક્રિયા ઓનપેપર અને લિગલ છે. અમે લાભાર્થીને જાણ કરીને જ અમારી સંસ્થા સાથે જોડીએ છીએ.

રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયા અને તેમના સાથી ટ્રસ્ટીઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમે સંસ્થાના ટ્રસ્ટીઓ સૌના સાથ-સહકારથી અને એક બીજાને મદદરૂપ થવાની ભાવનાથી લગ્ન સહાય યોજના શરૂ કરેલી છે. જ્યારે લાભાર્થી બનનાર પાસેથી 25 હજાર લઈએ છીએ અને તે લાભાર્થી તેમના જેવો એક લાભાર્થી તેમની જગ્યાએ બીજા લાભાર્થીને જોડે છે ત્યાર પછી તેમના લગ્નમાં 1 લાખ રૂપિયા સુધીની સહાયનો ચેક અર્પણ કરીએ છીએ. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થામાં 1 હજાર જેટલા લાભાર્થી જોડાયેલા જે ગ્રુપ બનાવી એકબીજાને મદદરૂપ થાય છે જેમાંથી જે લાભાર્થીએ 25 હજાર ભર્યા છે અને તેમના જેવા એક લાભાર્થીની સંસ્થામાં નોંધણી કરાવી છે તેવા મોટાભાગના લોકોને અમે 1 લાખ સુધીની લગ્ન સહાય યોજનાનો ચેક અર્પણ કરી આપ્યો છે. કેટલાક લોકો લાભાર્થી આપી શક્યા નથી, લગ્ન સહાય યોજનાનો લાભ લેવા માટે લાયક નથી તેમને અમે હજુ સુધી લગ્ન સહાય યોજના ચેક આપ્યા નથી અને અમુક લોકો જે લગ્ન સહાય યોજના માટે લાયક બની ગયા છે તેમને ચેક આપવાના શરૂ કરી દીધા છે. અમુક તત્વો દ્વાર સંસ્થાને બદનામ કરવા કાવતરા કરી અને સંસ્થા વિરુદ્ધ અરજીઓ કરી હતી જેમના કારણે જ્યાં સુધી અમો સંસ્થા ઉપરની તપાસ પૂર્ણ ના થાય ત્યાં સુધી અમો દ્વારા કોઈ વહેવાર કે વહીવટ કરવા સક્ષમ નથી હોતા અને જો આવા વહેવાર કરવા જઈએ તો ખોટા આક્ષેપો સાચા પુરવાર થઈ શકે એટલે તપાસ દરમ્યાન અમો દ્વારા વહેવાર બંધ કરેલ હતા તેમજ બેંકમાં સ્ટોપ પેમેન્ટ કરવામાં આવેલું હતું અને દરેક લાભાર્થીને જાણ કરેલી હતી, આ કારણોસર કેટલાંક ચેક બાઉન્સ થયા છે જે બદલ અમે દિલગીર છીએ. અમે નવા ચેક ઈશ્યુ કરી રહ્યા છીએ.

આવનારા સમયમાં રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન મહત્તમ લાયક લાભાર્થીને તેમની લગ્ન સહાય યોજનાનો ચેક અર્પણ કરી દેશે. કોઈપણ સભ્યોએ અફવામાં આવ્યા વિના ધીરજ રાખી રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન પર તેમનો વિશ્વાસ અકબંધ રાખવો. કેટલીક લિગલ અને ટેકનિકલ પ્રોસેસને કારણે લગ્ન સહાય યોજના ચેક આપવામાં કે બેંકમાંથી પાસ થવામાં વિલંબ થઈ રહ્યો છે પરંતુ ભવિષ્યમાં આ અંગે કોઈ સમસ્યા ન સર્જાય તેમજ ટૂંકસમયમાં તમામ બાકી રહેલા સભ્યોને તેમની લગ્ન સહાય રાશિ મળી જાય, તેઓ નવા લાભાર્થીને અમારી સંસ્થામાં જોડે તે પ્રકારનું આયોજન અમે કરી રહ્યા છીએ તેવું રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયા અને તેમના સાથી ટ્રસ્ટીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું.

‘ખાસ-ખબર’નાં અહેવાલની અસર: રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન પોતાના સભ્યોને લગ્ન સહાય યોજનાની રકમ ચૂકવી આપશે

શું છે રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની લગ્ન સહાય યોજના?
રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશન એક રજીસ્ટર સંસ્થા છે, જેમના પ્રમુખ હરેશ ડોબરિયા છે. હરેશ ડોબરિયાના રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશનની ઓફીસ રાજકોટ, જૂનાગઢ, સાણંદ અને સુરતમાં આવેલી છે. આજથી બે-ત્રણ વર્ષ અગાઉ રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશન સંસ્થા દ્વારા લગ્ન ઈચ્છુકો માટે એક સહાય યોજના બહાર પાડી હતી, જેનું નામ રાખ્યું હતું : લગ્ન સહાય યોજના. આ યોજના હેઠળ દરેક વ્યક્તિ 25 હજાર રૂપિયા ભરી 1 લાખ રૂપિયા સુધીની લગ્ન સહાય યોજનાનો લાભ મેળવી શકે છે. રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશનમાંથી લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવા સૌ પ્રથમ જેમના લગ્ન બાકી હોય તેવા કુંવારા લોકોએ 25 હજાર રૂપિયા ભરવા પડે છે. 25 હજાર રૂપિયા ભરી લાભાર્થી બન્યા બાદ એ વ્યક્તિએ તેમના જેવા જ એક કુંવારા વ્યક્તિને 25 હજાર રૂપિયા ભરાવી રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશન સંસ્થામાં ફરજીયાત લાભાર્થી બનાવવા પડે છે. પછી જ્યારે તે કુંવારા લાભાર્થીના લગ્ન થાય ત્યારે તેમને રિયલ ફ્રેન્ડસ ફાઉન્ડેશન તરફથી 1 લાખ રૂપિયા સુધીની લગ્ન સહાય આપવામાં આવે છે. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયાએ જણાવ્યું હતું કે, આજ સુધીમાં તેઓ અને તેમની સંસ્થા દ્વારા લગ્ન સહાય યોજનાના માધ્યમ વડે આશરે 250થી વધારે લોકોને 1 લાખ રૂપિયાની સહાય કરવામાં આવી છે. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના લાભાર્થીને લગ્ન સમયે આપેલા ચેકનો ફોટો, વિગત, નામ, નંબર બધું જ સંસ્થા પાસે છે. તેમને પૂછીને કોઈપણ વ્યક્તિ ખાતરી કરી શકે છે અમે રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના લાભાર્થીને લગ્ન સહાય યોજનાનો લાભ આપીએ જ છીએ.

રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ટ્રસ્ટી દ્વારા મને ફસાવવાનું ષડ્યંત્ર : હરેશ ડોબરિયા
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશ ડોબરિયાએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, જેઓ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થા સાથે જોડાયેલા નથી તેઓ રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશન સંસ્થાને બદનામ કરવા નીકળ્યા છે. મારા અને અમારી સંસ્થા વિરુદ્ધ ખોટી અરજીઓ કરવામાં અને નોટિસ આપવામાં આવી છે જેનો પણ કાયદાકીય રીતે જવાબ અમોએ આપ્યો છે. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના ભૂતપૂર્વ ટ્રસ્ટી દ્વારા મને ફસાવવાનું ષડ્યંત્ર રચવામાં આવ્યું છે. મારા અને અમારી સંસ્થા વિરુદ્ધ ખોટી અફવા ફેલવવામાં આવી રહી છે. દુ:ખદ બાબત છે કે, અમુક તત્વોના ખોટા પ્રચારમાં ફસાઈને રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના વર્તમાન લાભાર્થીઓ પણ તેમને સાથ-સહકાર આપી રહ્યા છે પરંતુ અમો કે અમારી સંસ્થાની બદનામી કરતા કે અમને ખોટી રીતે કાયદાનો ડર બતાવતા તત્વો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ. રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના લાભાર્થીઓને વિનંતી છે કે, કેટલાંક તત્વોની વાતોમાં આવીને સંસ્થા વિરુદ્ધ કાર્યવાહી ન કરે અન્યથા તેઓ લગ્ન સહાય યોજનાનો લાભ મેળવવાને હક્કપાત્ર નહીં રહે.

લગ્ન સહાય યોજનાનો લાભ દરેક લાભાર્થીને મળશે : રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓની ખાતરી
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના તમામ ટ્રસ્ટીઓએ ખાસ-ખબરના માધ્યમથી તેમના સભ્યોને જણાવ્યું છે કે, રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનની લગ્ન સહાય યોજનાનો લાભ દરેક લાભાર્થીને મળશે. અમારી સંસ્થા સાથે જોડાયેલા એકપણ લાભાર્થીએ ચિંતા કરવાની જરૂર નથી. ભવિષ્યમાં જોડાવવા માંગતા લાભાર્થીઓએ પણ અમારા વિશે પૂરતી તપાસ કરવાની સ્વતંત્રતા છે. અમે ઘણા લોકોને લગ્ન સહાય યોજનાના ચેક અર્પણ કર્યા છે, હજુ પણ અર્પણ કરી રહ્યા છે. લગ્ન સહાય યોજનાના નામે કોઈ લાભાર્થીને છેતરવામાં આવ્યા નથી, અમારા કાર્યાલયના દ્વાર દરેક લાભાર્થી અને સેવાકીય પ્રવૃત્તિ માટે ખુલ્લા છે. કોઈપણ વ્યક્તિ અમારી લગ્ન સહાય યોજના વિશે જાણકારી મેળવી શકે છે. અમે અમારા દરેક લાભાર્થીને લગ્ન સહાય યોજનાનો લાભ આપીશું.

કોરોનાકાળ અને ચેરિટી કમિશનર કચેરીની તપાસને કારણે કેટલાંક ચેક બાઉન્સ થયા
રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના પ્રમુખ અને ટ્રસ્ટીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, લગ્ન સહાય યોજનાના દરેક સભ્યને ધીમેધીમે સહાય રાશિ ચૂકવવામાં આવી રહી છે. આજથી બે વર્ષ પૂર્વે શરૂ થયેલા કોરોનાકાળ અને ચેરીટી કમિશનર કચેરીની તપાસ દરમ્યાન વહિવટ ના કરી શકવાના કારણે કેટલાંક ચેક બાઉન્સ થયા છે. જોકે કોઈએ પણ આ અંગે ચિંતા કરવાની જરૂર નથી, માત્ર ધીરજ રાખવાની જરૂર છે. બેથી ત્રણ મહિના સુધી અમારો બેંકિંગ વહેવાર જ રાખેલ હતો. આ તપાસ દરમ્યાન તેમાં અમોને ક્લીનચીટ મળી ગઈ છે. હવે અમે નવેસરથી લગ્ન સહાય યોજનાના લાયક ઉમેદવારોને નવા ચેક ઈશ્યુ કરી રહ્યા છીએ, ભવિષ્યમાં આ પ્રકારની કોઈ સમસ્યા લાભાર્થીને ન ઉદ્દભવે તેની પણ કાળજી રાખી રહ્યા છે. આ અંગે અમે રિયલ ફ્રેન્ડ્સ ફાઉન્ડેશનના તમામ સભ્યોના સાથ-સહકારની પણ આશા રાખીએ છીએ.