ઈન્ટરનેટના આ યુગમા સોશ્યલ મીડિયા પર થતી છેતરપીંડીના કિસ્સા વધી ગયા છે. ત્યારે સેલિબ્રિટી અને સમાજમાં ઉચ્ચ સ્થાન ધરાવતા કલાકારો પણ આવા લોકો દ્વારા થતી છેતરપીંડીનો ભોગ બની રહ્યા છે. ગુજરાત અને દેશ-વિદેશમાં પ્રખ્યાત હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડના વીડિયો યુ ટ્યુબ પર મૂકી રાજકોટનો રિતેષ ઠક્કર રૂપિયા ચાઉં કરી ગયો હોવાનો આક્ષેપ કરાયો છે. શાહબુદ્દીનભાઈના પુત્ર અફઝલે સીઆઇડી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ફરિયાદમાં અફઝલભાઈ શાહબુદ્દીનભાઈ રાઠોડ (ઉ.વ.42)એ જણાવ્યા મુજબ તેમના પિતા શાહબુદ્દીનભાઈની ઉંમર હાલ 84 વર્ષની છે અને તેઓ પાછલા 51 વર્ષથી સહકુટુંબ બેસીને માણી શકાય તેવું નિર્દોષ હાસ્ય રજૂ કરી રહ્યાં છે.
- Advertisement -
તેઓને શાહબુદ્દીનભાઈનના મિત્ર મારફત રાજકોટના ચેનલ ઓપરેટર રીતેષ કાંતિલાલ કક્કડ(ઉ.વ.48)નો સંપર્ક થયો હતો. રીતેષે સોશિયલ મીડિયા પર અલગ – અલગ પ્લેટફોર્મ પર વીડિયો અપલોડ કરી શાહબુદ્દીનભાઈની ચેનલ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ ચેનલનું સંચાલન બદલ રીતેષને 20 ટકા સર્વિસ ચાર્જ આપવાનું નક્કી થયું હતું.
જેના પગલે શાહબુદ્દીનભાઈના 83મા જન્મદિને 9 ડિસેમ્બર, 2019ના રોજ શાહબુદ્દીન રાઠોડ ઓફિશિયલ નામની ચેનલ શરૂ કરવામાં આવી હતી. તેમની વચ્ચે ‘પ્રેમના પંથે’ અને ‘હોય જો આ મારું અંતિમ પ્રવચન’ એમ બે વીડિયો અને કરાર બાદ શૂટ થાય તેવા તમામ વીડિયો અપલોડ કરવાનો કોન્ટ્રાક્ટ થયો હતો. જોકે, રીતેષ કક્કડે કરાર પહેલાના શાહબુદ્દીનભાઈના કાર્યક્રમોની 110 ક્લિપ આ યુ ટ્યૂબ ચેનલ પર અપલોડ કરી હતી. તેમાં ઘણાં બધાં વ્યૂઝ અને લાઈક્સ મળતા હતા, પરંતુ યુ ટ્યૂબ તરફથી શાહબુદ્દીનભાઈના ખાતામાં કોઈ રકમ જમા થતી ન હતી.
ચેનલ ચાલુ કર્યાના ત્રણેક મહિના પછી આરોપીએ પેમેન્ટ આપવાનું શરૂ કર્યું હતું અને અલગ-અલગ સમયે અંદાજિત રૂ.1,51,10 જેટલી રકમના ચેક આપ્યા હતા. બાદમાં ફરિયાદીને જાણવા મળ્યું હતું કે, યુ ટ્યૂબ ચેનલમાં બેંક એકાઉન્ટમાં આરોપીએ પોતાના ખાતાની વિગતો, જીમેઈલ આઈડી અને મોબાઈલ નંબર આપ્યા હતા અને ચેનલનું સંપૂર્ણ ઓપરેટિંગ કરતા હતા. એટલે કે કરાર વગરના વીડિયો અપલોડ કરી આરોપી બરોબર રૂપિયા ચાઉં કરી ગયો હોવાનો આક્ષેપ થયો છે.અફઝલભાઈએ વધુમાં જણાવ્યું કે, લગભગ 150 જેટલા વિડિયો કે જે ના ઉપર અમારો કોપીરાઈટ હોવાનું જાણવા છતાં આરોપીએ યુટ્યુબ જેવા સોશિયલ મિડિયામાં પ્રસારિત કરેલ છે તેમજ અમારા હિંસ્સાની આવક પોતે ઓળવી ગયેલ છે.


