ઈરાનનો જવાબ- તમારી ધમકીઓથી અમે ડરતા નથી, અમે યુદ્ધ લડવા તૈયાર છીએ
ઈરાની ડેલિગેશન પાકિસ્તાન જવાની તૈયારીમાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ઈરાનના બંદરો પર લાદવામાં આવેલી નાકાબંધી ત્યાં સુધી નહીં હટાવે જ્યાં સુધી તેહરાન સાથે કોઈ સમાધાન ન થઈ જાય. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું કે એક અઠવાડિયા પહેલા શરૂ થયેલી આ નાકાબંધી ઈરાનને સંપૂર્ણપણે તબાહ કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે આ સંઘર્ષમાં અમેરિકા ઘણું આગળ છે.
તેના જવાબમાં ઈરાની સંસદના સ્પીકર ગાલીબાફે સોશિયલ મીડિયા પર લખ્યું કે ટ્રમ્પ દબાણ કરીને અને યુદ્ધવિરામ તોડીને વાતચીતને એવી બનાવવા માગે છે, જ્યાં ઈરાનને ઝૂકવું પડે અથવા ફરીથી યુદ્ધ શરૂ કરવાનું બહાનું મળી જાય.
ગાલીબાફે આગળ કહ્યું કે ઈરાન કોઈપણ ધમકીના દબાણમાં વાતચીત નહીં કરે. છેલ્લા 2 અઠવાડિયામાં ઈરાન યુદ્ધ લડવા માટે નવી તૈયારી કરી ચૂક્યું છે. આ બંને નેતાઓનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચેનો અસ્થાયી યુદ્ધવિરામ બુધવારે સમાપ્ત થવાનો છે.
ઈરાનનું ડેલિગેશન અમેરિકા સાથે વાતચીત માટે પાકિસ્તાન જવાની તૈયારી કરી રહ્યું છે. ન્યૂયોર્ક ટાઈમ્સે બે ઈરાની અધિકારીઓના હવાલાથી જણાવ્યું છે કે આ ડેલિગેશન આજે ઈસ્લામાબાદ પહોંચી શકે છે. જોકે, આ વાતચીત પહેલા ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે શરત મૂકી છે કે તેઓ ત્યારે જ સામેલ થશે, જ્યારે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ હાજર હોય. જેડી વેન્સ મંગળવારે વોશિંગ્ટનથી પાકિસ્તાન જઈ શકે છે. તેમની સાથે વિશેષ દૂત સ્ટીવ વિટકોફ અને ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર પણ હશે.
ઈરાનની જોઈન્ટ મિલિટરી કમાન્ડે મંગળવારે જણાવ્યું હતું કે તે અમેરિકાની કોઈપણ ધમકીનો સખત જવાબ આપવા તૈયાર છે.
ખાતમ અલ-અનબિયા સેન્ટ્રલ હેડક્વાર્ટરના કમાન્ડર અલી અબ્દોલ્લાહીએ જણાવ્યું હતું કે ઈરાનની સશસ્ત્ર સેનાઓ એકજૂટ છે. તેઓ દુશ્ર્મનની કોઈપણ કાર્યવાહી કે ધમકીનો તાત્કાલિક, નિર્ણાયક અને મજબૂત જવાબ આપવા માટે તૈયાર છે. તેમણે એવો પણ દાવો કર્યો કે ઈરાનના સતત મિસાઈલ અને ડ્રોન હુમલાઓને કારણે જ અમેરિકા અને ઈઝરાયેલને યુદ્ધવિરામની માગ કરવી પડી.



