કોરોનાગ્રસ્ત મૈત્રીબેનના પરીવારમાં આવી બેવડી ખુશીઓ, તંદુરસ્થ જોડીયા બાળકોને જ્ન્મ આપ્યો.
સાબરકાંઠા જિલ્લામાં હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સમયમાં હિંમતનગરની જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ કોરોનાના દર્દીઓ માટે ખુબ જ મહત્વની સાબીત થઈ રહી છે. આ મેડીકલ કોલેજમાં કોરોના દર્દીઓની ખુબ જ સાળ સંભાળ લેવામાં આવી રહી છે. હોસ્પીટલની કોરોના ટીમ દિવસ-રાત ૨૪ કલાક દર્દીઓની સેવામાં કાર્યરત છે. જેના પરીણામ સ્વરૂપ બે માસની બાળકીથી લઈ ૮૦ વર્ષિય વૃધ્ધ સુધીના કોરોનાને હરાવવામાં સફળ રહ્યા છે.
આ કોરોના ટીમની સફળતામાં વધુ એક મોરપંખ ઉમેરાયું છે. જેમાં હિંમતનગરના નિકુંજ સોસાયટીના મૈત્રીબેન જોશીયારા (મોડીયા)નો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવતા જી.એમ.ઇ.આર.એસ. જનરલ હોસ્પિટલ ખાતે તા.૨૪- સપ્ટેમ્બર-૨૦૨૦ ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા. મૈત્રીબેન ગર્ભવતી હોવાથી કોવિડ-૧૯ની ટીમ ધ્વારા તેમની ખાસ દેખભાળ કરવામાં આવી હતી. આ સાથે ગર્ભાવસ્થામાં ગર્ભમાં રહેલા બાળકોને કોરોનાની દવાઓની આડ-અસર ના થાય તે માટે ખાસ કાળજી લેવા માટે મેડિસિન વિભાગના સહ પ્રાદ્યાપક ડો.મનીષા પંચાલ ,ડો ક્રિશ્નાબેન લાખાણિની ટીમ ધ્વારા મૈત્રીબેનની ખાસ સંભાળ સાથે કોરોનની સારવાર અપાઈ હતી.
મૈત્રીબેનને પ્રસુતીની પીડા શરૂ થતા ગાયનેક વિભાગના મદદનિષ પ્રાદ્યાપક ડો. મેઘાવની પરમાર, ડો.દર્શન શાહ,ડો. યોગેન પ્રજાપતિ, જયશ્રી સિસ્ટર, હાર્દિકા સિસ્ટરએ નોર્મલ ડિલિવરી કરવી અને બે જોડિયા બાળકોનો જન્મ થયો. પીડિયાટ્રિક્સ વિભાગ ધ્વારા નવજાત બાળકોની જરૂરી સારવાર આપવામાં આવી હતી. ટીમની અથાગ મહેનતના પરીણામે બાળકો અને માતાની તબિયત સારી છે. માતા (મૈત્રીબેન જોશીયારા)નો અને બાળકોનો કોરોનાનો રિપોર્ટ નેગેટીવ આવ્યો. જેથી સમગ્ર જોશીયારા પરીવારમાં આનંદ છવાયો છે.
મૈત્રીબેનના પતિ જણાવે છે કે,કોરોનાની મહામારી સામે લડવા સરકાર અને આપણા ડોક્ટરો ખુબ જ મહેનત કરી રહ્યા છે. આજે આ મહામારીમાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફ આપણા માટે દેવદૂત બન્યા છે. જે પોતાના જીવના જોખમે આપણી સેવા કરી રહ્યા છે. ખરેખર હું અને મારો સમગ્ર પરીવાર સરકાર અને ડોક્ટરોના સદાય રૂણી રહીશું. તેમજ તમામ લોકોને સરકારની કોરોના ગાઇડ લાઇનનું પાલન કરવા વિનંતી કરૂં છું.

અહેવાલ:- જગદીશ સોલંકી સાબરકાંઠા.